અબડાસા તા. પં.ની બેઠકમાં ભાજપ કોંગ્રેસ મળી 10 સભ્યનું વોકઆઉટ

અબડાસા તા. પં.ની બેઠકમાં ભાજપ કોંગ્રેસ મળી 10 સભ્યનું વોકઆઉટ
નલિયા, તા. 23 : અબડાસા તાલુકા પંચાયતની વર્ષ 2021/22 15મા નાણાપંચના 1.80 કરોડનાં 86 કામને બહાલી આપવા મળેલી બેઠકમાં ભારે ડખો થયો હતો. એ વચ્ચે ભાજપના આઠ અને કોંગ્રેસના એક સભ્ય ઉપરાંત મોથાળા જિ. પં.ના  સદસ્ય પણ વોકઆઉટ કરી ગયા હતા.  તેમણે એવો મુદ્દો ઉઠાવ્યો હતો કે, દરેક ગામોનો સમાવેશ થયો નથી.આ તબક્કે  પ્રમુખ તેજબાઈ લાખ કેર, ઉપપ્રમુખ મોકાજી સોઢાએ જે જે સભ્યને વાંધો ઉઠાવવો હોય તેમને વારાફરતી રજૂઆત કરવા જણાવતાં વાતાવરણ ઉગ્ર બની ગયા બાદ જિલ્લા પંચાયતના સભ્ય પુરુષોત્તમ મારવાડા, વિપક્ષી નેતા મહાવીરસિંહ જે. જાડેજા, કોંગ્રેસી સભ્ય મહાવીરસિંહ  આર. જાડેજા સહિત દસ સભ્ય વોકઆઉટ કરી ગયા હતા. બાદમાં તાલુકા પંચાયતના આઠ સભ્યની ઉપસ્થિતિમાં 15મા નાણાપંચનાં કામોને બહાલી અપાઈ હતી, જેમાં રૂા. 53,76,101ના ખર્ચે 33 ગામમાં પાણી પુરવઠાનાં કામો તેટલી જ રકમના 25 ગામમાં ગટરનાં કામો રૂા. 57,63,346ના ખર્ચે, 26 ગામમાં પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં ખૂટતી કડીઓ પૂરવાનાં કામો રૂા. 14 લાખ વાયોર ગામે એમ્બ્યુલન્સ માટે ફાળાવાયા છે. પાંચ ગામ એલ.ઈ.ડી. લાઈટથી ઝળહળશે તે માટે રૂા. પાંચ લાખની ફાળવણી કરાઈ છે. ખીરસરા (વિ.), હમીરસર ગામે નવાં પંચાયત ઘર માટે 19 લાખ ફાળવાયા હતા. આ બેઠકમાં જિ. પં.ના સદસ્યો ભાવનાબા જાડેજા- નલિયા, તકીશાબાવા સૈયદ-વાયોર, કારોબારી ચેરમેન જાફરબાઈ હીંગોરા, દાદા અદ્રેમાન જત-બિટ્ટા, હુરબાઈ અબ્બાસ માંજોઠી-તેરા, સા. ન્યાય સમિતિના ચેરમેન શિવજીભાઈ મહેશ્વરી, હંસાબેન મહેશ્વરી નલિયા-2, રહીમાબાઈ આમદ સંઘાર-સુથરી ઉપસ્થિત રહ્યા હતા. ટી.ડી.ઓ. બી. ડી. મહેશ્વરીએ સચિવ તરીકે, જ્યારે વિસ્તરણ અધિકારી નિકુંજ ભટ્ટ, એન્જિનીયર શ્રી વાવડિયાએ પૂરક વિગતો આપી હતી. બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તાલુકાના 32 લાભાર્થીનાં મકાનો મંજૂર થતાં 10 ગામના 18 લાભાર્થીને પદાધિકારીઓના હસ્તે વર્કઓર્ડર અપાયા હતા.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer