24મી ઓક્ટોબરે કચ્છનો આહીર સમાજ દ્વારકા ધ્વજારોહણમાં પહોંચશે

24મી ઓક્ટોબરે કચ્છનો  આહીર સમાજ દ્વારકા ધ્વજારોહણમાં પહોંચશે
રાયધણપર (તા. ભુજ), તા. 23 : ગુજરાત આહીર સમાજના અગ્રણી ઉદ્યોગપતિ અને પ્રદેશ ભાજપના મંત્રી રઘુભાઈ હુંબલ દ્વારા દ્વારકા ખાતે ધ્યજારોહણ કરવામાં આવનારું હાઈ સમગ્ર ગુજરાતની સાથે કચ્છમાંથી આહીર સમાજ પણ આગામી તા. 24-10 દ્વારકા પધારે તેવી લાગણીભરી અપીલ થતાં આ દિવસે કચ્છનો સમગ્ર આહીર સમાજ દ્વારકાની વાટે હશે. આ ભવ્ય ધાર્મિક પ્રસંગનું આમંત્રણ આપવા જાતે કચ્છ પહોંચેલા રઘુભાઈ  હુંબલે જણાવ્યું કે દ્વારકાધીશના મંદિરે ધજા ચડાવી આશીર્વાદ મેળવવા અને આહીર સમાજનાં દર્શન પણ કરવાના ઉદેશથી આ પ્રસંગ આયોજિત કરાયો છે. જેમાં ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટિલ ઉપરાંત અનેક અગ્રણીઓ અને મંત્રીઓ ઉપસ્થિત રહેશે. આહીર સમાજને અપીલ કરતાં તેમણે કહ્યું કે, વર્તમાન સમયમાં આહીર સમાજ પાસે ખૂબ સારી આર્થિક સદ્ધરતા અને સમૃદ્ધિ આવી છે ત્યારે લક્ષ્મીજીને સદકાર્યમાં વાપરવાનો આ અમૂલ્ય સમય છે. કચ્છ ભાજપના મહામંત્રી અને અમૂલ ફેડરેશનના વાઈસ ચેરમેન વલમજીભાઈ હુંબલે આ પ્રસંગે જણાવ્યું કે, દ્વારકા ખાતે ધજારોહણના આ પાવન પ્રસંગે તા. 24-10ના કચ્છ આહીર સમાજ મોટી સંખ્યામાં ભાતીગળ પહેરવેશ સાથે ઉપસ્થિત રહી આહીરાતની ઝાંખી કરાવે અને સદકાર્ય કરનારા દાતાઓને પ્રોત્સાહિત કરે તે જરૂરી છે. ભુજના પૂર્વ ધારાસભ્ય શિવજીભાઈ આહીરે એકતા મજબૂત હોવાની વાત કરી રાજકારણમાં સમાજ મજબૂત બને તેવી ભાવના વ્યક્ત કરી હતી. સુરત આહીર સમાજના અગ્રણી જીતુભાઈ આહીરે પણ સુરત આહીર સમાજની સામાજિક પ્રવૃત્તિઓની વાત રજૂ કરી હતી.કચ્છ-પાટણ આહીર સમાજના પ્રમુખ ત્રિકમભાઈ વાસણભાઈ આહીર, ધનજીભાઈ કેરાસિયા, કાનજીભાઈ વગેરેએ મંચસ્થ શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન શામજીભાઈ ડાંગરે કર્યું હતું. જ્યારે આભારવિધિ અગ્રણી સતીશભાઈ છાંગાએ કરી હતી. રઘુભાઈ હુંબલનું અગ્રણીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer