ભીરંડિયારા-ધોરડો માર્ગે દબાણ હટાવ ઝુંબેશ તેજ

ભીરંડિયારા-ધોરડો માર્ગે દબાણ હટાવ ઝુંબેશ તેજ
ભીરંડિયારા (તા. ભુજ), તા. 23 : ગઇકાલે ભીરંડિયારા-ધોરડો માર્ગે સાબુવાંઢ વિસ્તારમાંથી 20 વાડા પર કરાયેલું દબાણ દૂર કરી 410 એકર જેટલી જમીન ખાલી કરાવાયા બાદ આજે પણ કામગીરી ચાલુ રહી હતી અને ઉપરોક્ત માર્ગે વધુ વાડારૂપી 19 દબાણ દૂર કરી 174 હેકટર, 435 એકર જમીન ખુલ્લી કરાવાઇ હતી. છેલ્લા ચૌદેક દિવસથી વાડારૂપી દબાણોથી ઘેરાયેલા બન્ની વિસ્તાર પરથી દબાણ દૂર કરવાની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઇ છે. જે અંતર્ગત આજે વરસતા વરસાદ વચ્ચે આર.એફ.ઓ.ની ટીમની ઉપસ્થિતિમાં દબાણ હટાવ કામગીરી ચાલુ રહી હતી. જો કે, વરસાદને પગલે આજે ઝુંબેશ થોડી વહેલી આટોપવી પડી હતી. પરંતુ આ કામગીરી અંતર્ગત આજે ભીરંડિયારા -ધોરડો પાસે 435 એકર, 174 હેકટરમાં કરાયેલા 19 જેટલા વાડા પર જેસીબી-લોડરે ધડબડાટી બોલાવી જમીન ખાલી કરાવાઇ હતી. સફેદ રણ વિશ્વના નકશા પર ચમકયું છે ત્યારે બન્ની વિસ્તારમાં દબાણોની સંખ્યા દિવસોદિવસ વધી રહી હતી. જેને પગલે આ વિસ્તારની ઓળખ એવા ઘાસિયા મેદાનો ધીરેધીરે લુપ્ત થતાં જતાં લોકો ચિંતિત બન્યા હતા. અલબત્ત આ બાબતે તંત્રે કડક વલણ અપનાવી ઉપરોક્ત વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી મોટા પાયે જમીન ખાલી કરાવી હતી. આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ ગતિ પકડે તેવું જાણકારો જણાવી રહ્યા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer