યોગ સાથે પોષણનો સમન્વય

યોગ સાથે પોષણનો સમન્વય
ભુજ, તા. 23 : કચ્છ આઈ. સી.ડી.એસ. વિભાગમાં પોષણમાસની દરેક તાલુકામાં જોરશોરથી ઉજવણી થઇ રહી છે જેમાં  સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્ય સેવિકા બહેનો તેમજ વર્કર, હેલ્પર બહેનો સંકલિત બાળ વિકાસ યોજના વિભાગના પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન  ચૌહાણનાં માર્ગદર્શન હેઠળ પોષણમાસને સફળ બનવાના પ્રયત્નો કરી રહ્યા છે. જન જન સુધી પોષણ અંગેનો સંદેશો પહોચાડી રહ્યા છે.  કચ્છના 2116 આંગણવાડી કેન્દ્રોમાં અલગ અલગ એક્ટિવિટી કરવામાં આવી રહી છે ત્યારે પૂરક પોષણ સાથેસાથે યોગનો સમન્વય કરવામાં આવ્યો છે. આ માટે  કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને કેન્દ્રમાં અને તેની આસપાસના વિસ્તારોમાં યોગ માટેના સેશન ગોઠવવામાં આવ્યા હતા. બાળકો, કિશોરીઓ અને સગર્ભા મહિલાઓ માટે તેમજ પરિવારના અન્ય સભ્ય માટે પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યકર નિહારીકાબેન પુજારા જણાવે છે કે  યોગ માટેના સેશનમાં બાળકો માટે 2376, કિશોરીઓ માટે 2703, સગર્ભા મહિલાઓ માટે 1742 તથા પરિવારના અન્ય સભ્યો માટે 2064 એમ કુલ 8885 સેશન કરાયા હતા. સરકાર તરફથી  `યોગ અને પોષણનો  સમન્વય' વિષય ઉપર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક  શિશપાલજીની ઉપસ્થિતિમાં સેટકોમ કાર્યક્રમનું જીવંત પ્રસારણ `વંદે ગુજરાત' ચેનલ પર તેમજ  ફેસબુક પર કરવામાં આવ્યું હતું. યોગનું મહત્ત્વ અને ફાયદા અને યોગ કરવાની પદ્ધતિ વિષે ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 23,062 લોકો જોડાયા હતા, જેમાં બાળકો, કિશોરીઓ સગર્ભા બહેનો તેમજ વર્કર હેલ્પર બહેનો અને વિભાગના તમામ અધિકારી તેમજ કર્મચારીઓ જોડાયા હતા.   

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer