આઝાદીના સંઘર્ષની ભ્રામક નહીં, સાચી વાતો સમાજ સમક્ષ મૂકવી જરૂરી

આઝાદીના સંઘર્ષની ભ્રામક નહીં, સાચી વાતો સમાજ સમક્ષ મૂકવી જરૂરી
ભુજ, તા. 23 : ભારતની આઝાદીનો ઇતિહાસ ઘણો જ સંઘર્ષકારી રહ્યો હોવા છતાં કમનસીબે વર્તમાન પેઢીને આઝાદીના સંઘર્ષમાં માત્ર પતનના પાઠ ભણાવાય છે પણ હિંમતભેર પ્રતિકાર કરી જેમણે ખરા અર્થમાં આઝાદીના જંગમાં યોગદાન આપ્યું તેનો ઉલ્લેખ કરાતો નથી ત્યારે આઝાદીના સંઘર્ષની ભ્રામક બદલે સાચી વાતો રજૂ થાય તે દિશામાં સંશોધન સહ ચર્ચા જરૂરી હોવાનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સહ બૌદ્ધિક પ્રમુખ સુનીલ મહેતાએ ભુજમાં આયોજિત સંગોષ્ઠિમાં જણાવ્યું હતું. શહેરની ખાનગી હોટલ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ વર્ષની ઉજવણીના ઉપલક્ષમાં આયોજિત પ્રબુદ્ધ નાગરિકો સાથેની ગોષ્ઠિમાં સુનીલભાઇએ સ્વામી વિવેકાનંદે કહેલી એક વાતને ટાંકી વર્તમાનમાં જે ઇતિહાસ ભણાવાય છે તે મન-મસ્તકને નબળું બનાવે છે તે વાત હાલ અક્ષરસ: સાર્થક ઠરતી જોવા મળી રહી છે. ભારતનો આઝાદીનો સંગ્રામ 1857થી શરૂ?થયાનું જણાવાય છે પણ ખરેખર 1498ની સાલમાં પોર્ટુગીઝ લોકોએ ભારત પર આક્રમણ કર્યું ત્યારે આવો જ સંઘર્ષ ખેલાયો હતો. શ્રી મહેતાએ વિવિધ?દૃષ્ટાંતો ટાંકી ભારતની આઝાદીના સંઘર્ષની ગાથાને યાદ કરવા સાથે સ્પેન-ઇંગ્લેન્ડની સેનાના નૌકા સૈન્ય યુદ્ધની વાર્તાથી પૂર્વજોએ જીત માટે કરેલા સંઘર્ષનો સૌ કોઇએ ગર્વ અનુભવવો જોઇએ તે બાબત પર ભાર મૂક્યો હતો.સંગોષ્ઠિ અંતર્ગત ચર્ચામાં ભાગ લેતા કચ્છ યુનિ.ના પ્રથમ કુલપતિ ડો. કાંતિભાઇ ગોર, કચ્છમિત્રના મદદનીશ તંત્રી નિખિલભાઇ પંડયા, ડાયટના સંજય ઠાકર, દક્ષાબેન મહેતા, પોલીટેકનિક કોલેજના પલક ઠક્કર, ઇતિહાસકાર નરેશ અંતાણી સહિતે દેશ અને રાજ્યના સ્વાતંત્ર્ય સંઘર્ષની ઘણી બધી વાતો લોકો સમક્ષ?મુકાઇ છે પણ કચ્છના સ્વાતંત્ર્ય સંઘર્ષનો ઇતિહાસ લગભગ અજાણ જ રહેવા પામ્યો છે ત્યારે કચ્છી સ્વાતંત્ર્ય સંગ્રામના સંઘર્ષની ગાથાનું પુન: લેખન કરવા, કચ્છી સ્વાતંત્ર્યસેનાનીઓના પરિવારના મિલન સાથે સ્થાનિકત્વ ઉમેરાવું જોઇએ તે બાબત પર ભાર મુકાયો હતો. વધુમાં જે ભૂલ થઇ?છે તેને વાગોળવા કરતાં તેને સુધારી ડિજિટલ પ્લેટફોર્મ પર માહિતી અપડેટ થાય તેમજ કચ્છને સ્વાતંત્ર્ય સંગ્રામ સંઘર્ષને લઇ લખાયેલા પુસ્તકો કોઇ એક ચોક્કસ જગ્યા પર મળી રહે તે જોવા ઉપરાંત અનસંગ વોરિયર્સને લોકો જાણતા થાય તે પ્રકારના આયોજન ગોઠવવાના સૂચન કરવામાં આવ્યા હતા. સંસ્કારભારતી દ્વારા આવા સાહિત્યિક પ્રકાશનોના દસ્તાવેજીકરણ સાથે નાટકનું મંચન કરી તેને લોકો સુધી પહોંચાડવામાં આવશે. આ તકે લોકોમાં રાષ્ટ્રવાદ જાગે તેવા રચનાત્મક કાર્ય કરવાના સૂચન પણ કરાયા હતા.ગોષ્ઠિના આ કાર્યક્રમમાં નવીન વ્યાસ, રવજી ખેતાણી મંચસ્થ રહ્યા હતા. ચિરાગ કોઠારીએ વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપ્યો હતો. સંચાલન પંકજ ઝાલાએ કર્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer