ફુલાયની સીમમાં ફરતી જુગાર ક્લબ અંતે ઝપટે

ફુલાયની સીમમાં ફરતી જુગાર ક્લબ અંતે ઝપટે
ભુજ, તા. 23 : નવા શરૂ થયેલા માધાપર પોલીસ મથકની હદમાં સમાવાયેલા તાલુકાના ફુલાય ગામના સીમાડામાં વ્યવસ્થિત ઢબે ચાલતી ધાણીપાસાના જુગારની ક્લબ અંતે જિલ્લા સ્તરેથી પડાયેલા દરોડામાં કાયદાની ઝપટે ચડી હતી. આ સ્થળેથી વિવિધ ગામના 20 ખેલીને રૂા. 4.12 લાખ રોકડા તથા મોબાઇલ ફોન અને વાહનો ઉપરાંત અન્ય સામગ્રી મળી કુલ રૂા. 10 લાખથી વધુની માલમતા સાથે પકડાયા હતા.ફુલાયની સીમમાં નદીના છેલ્લામાં બાવળોની ઝાડી વચ્ચે લાકડાંનું મોટું પાટિયું ગોઠવી બેટરી અને ટોર્ચનાં અજવાળે એકત્ર કરાયેલા ખેલીઓ પાસેથી નાલ ઉઘરાવી ધાણીપાસાનો જુગાર રમાડાતો હોવાની બાતમીના આધારે પોલીસદળની સ્થાનિક ગુનાશોધક શાખા ગતરાત્રે આ સ્થળે ત્રાટકી હતી. પકડાયેલા તમામ 20 ખેલી સામે માધાપર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવાયો હતો.પોલીસે આ સંબંધી વિગતો આપતાં જણાવ્યું હતું કે ભુજમાં સરપટ નાકા બહાર આલાવાળા કબ્રસ્તાનની પાછળ શેખ ફળિયામાં રહેતો અમનશા ઉર્ફે મીઠીયો જમનશા શેખ અને અંજાર શહેરમાં શેખટીંબા વિસ્તારમાં રહેતો ઇકબાલ ઉર્ફે એકો જુશબ ધલ આ  સ્થળે બહારથી ખેલીઓ બોલાવી તેમની પાસેથી મીલ ઉઘરાવી જુગાર રમાડવાની પ્રવૃત્તિ કરતા હોવાની બાતમીના આધારે એલ.સી.બી.એ આ દરોડો પાડયો હતો, જેમાં લાકડાંના મોટાં પાટિયાં ઉપર ધાણીપાસાનો ખેલ માંડીને બેઠેલા આ બન્ને સંચાલક અને અન્ય 18 ખેલી ઝડપાયા હતા.પકડાયેલા અન્ય 18 આરોપીમાં ભુજના હનિફ ઉર્ફે હનિયો જુમા ગગડા અને નવાઝ ફકીરમામદ સંઘાર, મીરજાપરના ડાયાલાલ કાનજી નિંઝાર, માંડવીના અનિરુદ્ધાસિંહ રામસંગજી જાડેજા, સલાયાના હૈદરઅલી હુશેન થૈમ, ગાંધીધામના ગજેન્દ્રાસિંહ રાજેન્દ્રાસિંહ રાવ, અંજારના આશિષ ભગવાનજી મીરાણી, કેવીન વિજયભાઇ ઠક્કર, જયેશ પ્રાગજી દોશી અને નીતિન પ્રવિણભાઇ  ઠક્કર, ભુજના ઇરફાન આમદ મીયાત્રા અને મોહસીન મામદહુશેન સમા, અંજારના મહમદરફીક સુલેમાન ચાવડા અને સિકંદર નુરમામદ ગંઢ, માંડવીના શામજી ઉર્ફે શીવીલીયો મુળજી ડોરૂ (મહેશ્વરી), ગાંધીધામના અમરશી કરશન બોરીયા (આહિર) અને હિતેશ ખેરાજ ગરવા તથા આદિપુરના દિનેશ વિશનચંદ આસવાણીનો સમાવેશ થાય છે તેમ પોલીસે જણાવ્યું હતું.દરોડાની કાર્યવાહીમાં પોલીસે રૂા. 4,12,000 રોકડા ઉપરાંત રૂા. 87 હજારના 18 મોબાઇલ ફોન, રૂા. પાંચ લાખનાં બે વાહન, રૂા. 3300ની કિંમતની એક બેટરી અને ત્રણ ટયુબલાઇટ તથા લાકડાંનું પાટિયું અને ધાણીપાસાની જોડ સહિતની સામગ્રી કબ્જે કરી હતી. આ માલમતાની કુલ કિંમત રૂા. દશ લાખથી વધુ અંકારવામાં આવી છે. આરોપીઓ સામે માધાપર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવાયો હતો. કાર્યકારી પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ. ગોહિલ સાથે એલ.સી.બી. સ્ટાફના સભ્યો આ દરોડાની કાર્યવાહીમાં જોડાયા હતા. જિલ્લા સ્તરેથી આયોજનબદ્ધ રીતે ચલાવાતી જુગારની પ્રવૃત્તિ ઝડપાવાના આ કિસ્સા બાદ હવે કોની સામે કેવાં પગલાં લેવાય છે તેના ઉપર પોલીસબેડાંમાં ચર્ચા જાગી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer