ભુજ તાલુકાના 6.90 કરોડનાં વિકાસકામ મંજૂર

ભુજ તાલુકાના 6.90 કરોડનાં વિકાસકામ મંજૂર
ભુજ, તા. 23 : 15મા નાણાપંચમાંથી ભુજ તાલુકા પંચાયતને મળેલી 20 ટકા ગ્રાન્ટમાંથી બે વર્ષ માટે રૂા. 6.90 કરોડના વિવિધ વિકાસકામોને આજની ખાસ સામાન્ય સભાએ બહાલી આપી હતી. પ્રમુખ મંજુલાબેન ભંડેરીના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્યસભામાં 15મા નાણાપંચના મળેલા અનુદાનમાંથી કરાયેલા આયોજનની વિગતો આપતાં તાલુકા વિકાસ અધિકારી શૈલેશભાઇ રાઠોડે જણાવ્યું કે, વર્ષ 2020-'21 માટે ટાઇડ ગ્રાન્ટ અને અનટાઇડ ગ્રાન્ટ 50-50 ટકા મળી છે.આમ રૂા. 2.54 અને રૂા. 2.54 કરોડ મળી કુલ્લ રૂા. 5.08 કરોડના વિવિધ વિકાસકામોને આવરી લેવાયા છે.જ્યારે વર્ષ 2021-'22ની ગ્રાન્ટના પ્રાપ્ત થયેલા પ્રથમ અનટાઇડ માટે રૂા. 75 લાખ મળી કુલ્લ રૂા. 6.90 કરોડના આયોજન કરાયા છે. બીજો હપ્તો રૂા. 1.80 કરોડનો પણ નજીકના સમયમાં આવી જશે તેવી આશા દર્શાવી હતી. તાલુકા આયોજન સમિતિએ સભ્યોના કામોને પ્રાધાન્ય આપ્યું છે. આમ છતાં એકાદ-બે કામોમાં ફેરફાર કરવાના હોય તો તેની  જાણ કરવા જણાવ્યું હતું. સામાન્ય સભાએ સર્વાનુમતે આવા ફેરફાર માટે પ્રમુખ અને ટીડીઓને સત્તા આપતો ઠરાવ કર્યો હતો. ટાઇડ કામોમાં બન્ની પચ્છમમાં પાણીની લાઇનો, તો તાલુકાના અન્ય વિસ્તારની ગટર માટે માંગ હોવાથી આયોજન સરળ થયું હોવાનું ઉમેર્યું હતું.અનટાઇડમાંથી એમ્બ્યુલન્સ, શાળાના ઓરડા, આંગણવાડીના કામો લેવાયા છે. સંચાલન વિસ્તરણ અધિકારી રાણાભાઇએ કર્યું હતું. મંચ પર ઉપપ્રમુખ ડાયાભાઇ વરચંદ, કા. ચેરમેન જયનેશભાઇ વરૂ, સા. ન્યાય સમિતિ અધ્યક્ષા સોનલબેન રામજી, ના. ટીડીઓ શ્રી મસિયાભાઇ ઉપસ્થિત રહ્યા હતા. એક જ મુદ્દાની બેઠક પ્રશ્નોત્તરી વિના પૂરી થઇ?હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer