મુંબઇ પર કોલકાતાની ધાક જમાવતી જીત

અબુધાબી, તા. 23 : રાહુલ ત્રિપાઠીના 43 દડામાં 74 રન (અણનમ), વેંકટેશ ઐયરના 30 દડામાં 53 રનના સહારે કોલકાતાએ મુંબઇ પર સાત વિકેટે અને 29 દડા બાકી હતા ત્યારે ધાક જમાવતો વિજય મેળવ્યો હતો. મુંબઇએ મૂકેલું 156નું લક્ષ્ય કોલકાતાના બેટધરોએ દાદાગીરીથી પાર પાડતાં કેકેઆર હવે પોઇન્ટે ટેબલ પર 8 પોઇન્ટ સાથે ચોથા ક્રમે આવી ગયું છે. ત્રિપાઠીએ 8 ચોગ્ગા અને ત્રણ છગ્ગા, તો ઐયરે ચાર ચોગ્ગા અને ત્રણ સિકસર ફટકાર્યા હતા. ત્રણેય વિકેટ 49 રનમાં બુમરાહે ખેરવી હતી.અગાઉ કેપ્ટન રોહિત શર્મા (33) અને કિવંટન ડિ'કોક (પપ) વચ્ચેની 78 રનની પહેલી વિકેટની શાનદાર ભાગીદારી છતાં વર્તમાન વિજેતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઇપીએલની આજની મેચમાં કોલકતા નાઇટ રાઈડર્સ સામે 6 વિકેટે 1પપ રનનો સ્કોર કરી શકી હતી. મુંબઈની ટીમને સતત બીજા મેચમાં મિડલ ઓર્ડરના બેટ્સમેનોની નિષ્ફળતા નડી હતી. કોલકતા તરફથી કિવિ બોલર લોકી ફરગ્યૂસને શાનદાર બોલિંગ કરીને 27 રનમાં બે વિકેટ લીધી હતી. વાપસી કરનાર મુંબઈના સુકાની રોહિત શર્માએ 30 દડામાં 4 ચોગ્ગાથી 33 રન કર્યા હતા. જ્યારે ડિ'કોકે અર્ધસદી કરીને 42 દડામાં 4 ચોગ્ગા-3 છગ્ગાથી પપ રન બનાવ્યા હતા. આ બે સિવાયના બાકીના મુંબઈના બેટધરો નિષ્ફળ રહ્યા હતા. સૂર્યકુમારે પ, ઈશાન કિશને 14, કિરોન પોલાર્ડે ઉપયોગી 21, કુણાલ પંડયાએ 12 રન કર્યાં હતા. સૌરભ તિવારી પ રને અને મિલ્ને 1 રને અણનમ રહ્યા હતા. કોલકતા તરફથી ફરગ્યૂસન અને પ્રસિદ્ધને 2-2 વિકેટ મળી હતી. આખરી પાંચ ઓવરમાં મુંબઈની ટીમ રન રફતાર વધારી શકી ન હતી અને 49 રનનો ઉમેરો કર્યો હતો. આથી કેકેઆરને જીત માટે 1પ6 રનનું લક્ષ્ય મળ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer