ગાંધીધામની બેન્કમાંથી મકાનલોન મંજૂર કરાવી આપનારા એજન્ટ રકમ ઓળવી ગયા

ગાંધીધામ, તા. 23 : અંજાર તાલુકાનાં મેઘપર કુંભારડીની એક સોસાયટીમાં મકાન બનાવવા માગતાં મહિલાએ ગાંધીધામની બેંકમાં લોન માટે અરજી કરી હતી. બેંકે આ મહિલાના કોન્ટ્રાક્ટરના ખાતામાં અડધા રૂપિયા જમા કરાવી બાદમાં અન્ય કોઇના ખાતામાં પૈસા જમા કરાવી નાખતાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી તેમજ આ જ બેંકમાંથી લોન મેળવવા માટે અરજી કરનારી અન્ય એક મહિલાના કોન્ટ્રાક્ટરના ખાતાની જગ્યાએ બીજા કોઇના ખાતામાં પૈસા જમા કરાવી નાખતાં આ અંગે પણ ગુનો નોંધાયો હતો. મેઘપર કુંભારડીની ક્રિષ્નાવિલા સોસાયટીમાં રહેતા કૈલાસબેન શૈલેષ સોલંકીએ આ જ સોસાયટીમાં એક પ્લોટ ખરીદ્યો હતો. આ પ્લોટ ઉપર તેમને મકાન બનાવવું હતું જેના માટે તેમણે કોન્ટ્રાક્ટર રીનાબેન ભરતકુમાર ઠક્કર સાથે કરાર કર્યો હતો. આ મકાન બનાવવા તેમની પાસે પૈસાની પૂરતી સગવડ ન હોવાથી લોન એજન્ટનું કામ કરતા પ્રકાશ કરશન મહેશ્વરીનો તેમણે સંપર્ક કર્યો હતો. આ એજન્ટ ફરિયાદીને ગાંધીધામની અલ્હાબાદ બેંક ઇન્ડિયન બેંક લઇ ગયો હતો જ્યાં મેનેજર અજયકુમાર સાથે સંપર્ક કરાવ્યો હતો. અહીં બધું નક્કી થયા બાદ ફરિયાદી પાસેથી કોન્ટ્રાક્ટર સાથે થયેલા કરાર સહિતના તમામ દસ્તાવેજ, કાગળો લઇ લેવાયા હતા અને સબરજિસ્ટ્રાર કચેરી અંજારમાં મોર્ગેજ ડીડ થયા બાદ બેંકવાળાઓએ તમારી રૂા. 10,40,000ની લોન મંજૂર થઇ હોવાનું જણાવ્યું હતું. આ ફરિયાદી મહિલાના કોન્ટ્રાક્ટર રીનાબેન ઠક્કરના બેંક ખાતામાં રૂા. 5,20,000 રકમ જમા થઇ હતી, પરંતુ બાદમાં બીજી રકમ ન આવતાં ફરિયાદીએ બેંકમાં ધક્કા ખાધા હતા ત્યારે મેનેજરે કિડાણાના કિશન ભાણજી જાંજીયાના ખાતામાં બાકીની રકમ જમા થઇ ગયાનું કહેતાં ફરિયાદીએ પોતાના કોન્ટ્રાક્ટર રીના ઠક્કર હોવાનું જણાવ્યું હતું. આમ, મહિલાના કોન્ટ્રાક્ટરની જગ્યાએ આ કિશન જાંજીયાના ખાતામાં પૈસા જમા કરાવી દેવામાં આવ્યા હતા. ફરિયાદીએ પ્રકાશ મહેશ્વરી તથા કિશન જાંજીયા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ જ સોસાયટીમાં રેખાબેન નરેશકુમાર ઠક્કરે પ્લોટ લીધો હતો જેના ઉપર બાંધકામ કરવા કોન્ટ્રાક્ટર ભચાઉના વિશાલ દિલીપ ઠક્કર સાથે કરાર કરવામાં આવ્યો હતો. પૈસાના અભાવે તેમને બેંક લોનની જરૂરિયાત હતી, જેથી લોન એજન્ટનું કામ કરતા પ્રકાશ?મહેશ્વરીનો તેમણે સંપર્ક કર્યો હતો. આ શખ્સ ગાંધીધામની અલ્હાબાદ બેંકમાં ફરિયાદીને લઇ?ગયો હતો જ્યાં બેંકના મેનેજર અજયકુમારે ફરિયાદી પાસેથી દસ્તાવેજ મેળવી લીધા હતા. બાદમાં મોર્ગેજ ડીડ કરાવી આ ફરિયાદી અને તેમના પતિ બેંકમાં જતાં તેમની રૂા. 10,40,000 લોન પાસ થઇ?હોવાનું જણાવાયું હતું. બાદમાં તેમણે મકાનનું કામ ચાલુ કરાવ્યું હતું, પરંતુ પાસ થયેલી લોનના પૈસા કોન્ટ્રાક્ટરના ખાતામાં ન આવતાં ફરિયાદી વારંવાર બેંકમાં ધક્કા ખાતા હતા. ત્યારે બેંક મેનેજર તમારા કોન્ટ્રાક્ટર કિશન ભાણજી જાંજીયાના ખાતામાં રૂપિયા જમા થઇ ગયા હોવાનું જણાવ્યું હતું, જેથી ફરિયાદીએ પોતાના કોન્ટ્રાક્ટર વિશાલ ઠક્કર હોવાનું જણાવ્યું હતું. મહિલાની પાસ થયેલી લોન પોતાના ખાતામાં મેળવી છેતરપિંડીના આ બનાવમાં પ્રકાશ મહેશ્વરી તથા કિશન જાંજીયા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer