-તો કોરોના મૃતકોનું વળતર રૂા. 1.41 કરોડ

ભુજ, તા. 23 : સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ કેન્દ્ર સરકારે કોરોનાથી મૃત્યુ પામનારાના પરિવારજનોને રૂા. 50 હજારની સહાય ચૂકવાશે તેવું સોગંદનામું દાખલ કર્યું છે ત્યારે કચ્છમાં તંત્ર દ્વારા કોરોનાથી 282 દર્દીનાં મોત થયાનું રોજેરોજની બહાર પડાતી યાદીમાં દર્શાવાય છે. તેટલા પૂરતા જ કોરોનાના મૃતકોનાં વળતરની ગણતરી માંડીએ તો રૂા. 1.41 કરોડ થાય.કચ્છમાં કોરોનાની સારવાર દરમ્યાન સારવાર માટે પહોંચે ત્યાં સુધી અને સારવાર બાદ પણ ઘણા વ્યક્તિઓનાં મોત થયાં પણ આ પૈકીના કોરોના સિવાયની કોઇ બીમારી નહોતી શોધી શક્યા તેમને જ કોરોનાથી મૃત્યુ પામેલા જાહેર કરાયા, તેવી દુ:ખ સાથે મૃતકોના પરિવારજનોમાં લાગણી પ્રવર્તે છે.સુપ્રીમ કોર્ટમાં સરકારે દાખલ કરેલા સોગંદનામામાં સ્પષ્ટ કર્યું છે કે વળતરની રકમ રાજ્યના આપત્તિ?વ્યવસ્થાપન હેઠળના ડિઝાસ્ટર રિલીફ ફંડ દ્વારા અપાશે.સરકાર દ્વારા અત્યાર સુધી કોઇ માર્ગદર્શિકા બનાવાઇ નહોતી. સુપ્રીમના નિર્દેશ બાદ વળતરને લઇને એનડીએમએએ માર્ગદર્શિકા બનાવી છે.આવી માર્ગદર્શિકા સંબંધે જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માને પૂછતાં તેમણે જણાવ્યું કે, તેમણે પણ મીડિયાના અહેવાલો જોયા છે, તે સિવાય વધુ કોઇ જાણકારી સરકાર તરફથી  અપાઇ નથી.માર્ગદર્શિકા આવ્યા બાદ કોને સહાયપાત્ર ગણવા, કયા સમયગાળાવાળાને સમાવવા, સહાય માટે અરજી મગાવવી, તેનું ચૂકવણું કરવા સહિતની બાબતોનું સ્પષ્ટીકરણ થઇ શકે.કચ્છમાં 282 કોરોનાથી મૃત્યુઆંક દર્શાવાય છે તેની તાલુકાવાર વિગતો આપવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. ઓ. માઢકને કહેતાં તેમણે તેવી કોઇ માહિતી ઉપલબ્ધ ન હોવાનું પણ હોસ્પિટલ પ્રમાણેની વિગતો હોવાનું જણાવી તે પણ ન આપી શકાય તેવું સ્પષ્ટ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના પરિવારજનો પાસેથી તંત્ર દ્વારા તપાસ કરાઇ હતી, તે અંગે પણ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા માગેલી માહિતી પૂરી પાડવાનો ઇનકાર કરાયો હતો. કચ્છને લાગેવળગે છે ત્યાં સુધી કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યુ પામનારાને કોરોનાના કારણે મરણ થયું છે કે તેમને  અન્ય કોઇ બીમારી હતી જે જીવલેણ નીવડી છે તેવા અહેવાલો જાહેર કરાતા હતા તે પણ?અચાનક બંધ કરી દેવાયા છે.આમ, કોરોનાથી મૃત્યુ જાહેર કરવું કે અન્ય કારણની તપાસ કરી અહેવાલ આપવા માટે તજજ્ઞોની એક સમિતિનું ગઠન કરાયું હતું, તેનું નામ ડેથ ઓડિટ કમિટી હતું.અદાણી મેડિકલ કોલેજ સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલની આ ડેથ ઓડિટ કમિટીના સભ્યોમાં મેડિસીન વિભાગના વડા, મેડિસીન પ્રિવેન્શન એન્ડ સોશિયલ મેડિસીન (પીએસએમ) વિભાગના વડા, માઇક્રો બાયોલોજી વિભાગના વડા, નાનું બાળક કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યું હોય તો પીડિયાટ્રિક્સ વિભાગના વડા તેમજ પેથોલોજી વિભાગના વડા અને એનેસ્થેસિયા વિભાગના વડાનો સમાવેશ કરાયો હતો. આ સમિતિ તેનો અહેવાલ સીડીએચઓ પાસે જાય, તે ડીડીઓને બતાવે પછી પોર્ટલમાં ચડાવે. આ સમિતિ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન કોરોનાથી મૃત્યુ પામનારા ઉપરાંત અન્ય માન્ય કોવિડ હોસ્પિટલો ખાતેના મૃતકો અંગે પણ અહેવાલ આપતી તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.ઉલ્લેખનીય છે કે, એક આરટીઆઇ હેઠળ મગાયેલી માહિતી અને જાહેર થતા આંકડામાં વિસંગતતા હોવા બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જી.કે.ના હોસ્પિટલ સત્તાવાળાઓને સંકલન સાથે કામ કરવા સૂચના અપાઇ હતી.રોજેરોજ કોરોનાની શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં નીકળતા પોઝિટિવ કેસ અને સ્વસ્થ થનારાની યાદી સાથે અપાતી વિગતોમાં કુલ કેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, તેમાંથી કેટલા દર્દી સ્વસ્થ થયા, કેટલા મૃત્યુ પામ્યા અને કેટલા એક્ટિવ પોઝિટિવ કેસ છે તેના સરવાળા શરૂઆતથી અત્યાર સુધી મળતા નથી.આ ઉપરાંત જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાતા આંકડા અને સરકારના ડેશબોર્ડ ઉપર જાહેર કરાતી વિગતોમાં પણ વિસંગતતાનું સાતત્ય તો જળવાઇ જ રહ્યું છે, ત્યારે તંત્રની કામગીરી સામે શંકાનાં વાદળો ઘેરાય તે સહજ બાબત છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer