ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા પંચાયત હસ્તકની સિંચાઈ કચેરીઓમાં અધિકારીઓની `ઘેર''હાજરી

ભુજ, તા. 23 : કચ્છ સહિત ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા પંચાયતની સિંચાઈ શાખા અને પેટા શાખાના અધિકારીઓની ગેરહાજરીનો લાભ લઈ કર્મચારીઓયે `ગુટલી' મારી હોય તેમ ગુરુવારે ડેમો અંગેની વિગતો જાણવા પ્રયાસ કરતાં અનેક કર્મચારી ગેરહાજર હોવાનું જાણવા મળ્યું હતું, તો સબ ડિવિઝનમાંયે જવાબદાર અધિકારી-કર્મચારી ગેરહાજર  હતા. હાલે ચોમાસાની સિઝન ચાલી રહી છે, તેમાંયે ભારે વરસાદની આગાહી હોવાથી ડેમો વિશેની વિગતો જાણવા પ્રયાસ કરતાં જિલ્લા પંચાયતની સિંચાઈ શાખાના મોટા ભાગના કર્મચારીઓ ગેરહાજર હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે સબ ડિવિઝનમાં પણ આ જ પરિસ્થિતિ હતી.ખરેખર તો વરસાદી સિઝનમાં કટોકટીના સમયે કચેરી તથા ડેમો પર એક કર્મચારીની હાજરી જરૂરી હોય છે, પરંતુ ચોમાસાની સિઝનમાં કોઈ જવાબદાર હાજર રહેતું ન હોવાનોયે આક્ષેપ ઊઠી રહ્યો છે.બીજીતરફ અનેક ડેમોની આસપાસ બાવળની ઝાડીએ ઘેરો ઘાલ્યો છે તેમ છતાં તેની કાટિંગ કરવામાં આવતી નથી અને કેનાલો રિપેર થતી નથી જેથી ખેડૂતોને પાક માટે પાણી મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પાણી મેળવવા કેનાલ રિપેર અને ઝાડી કાટિંગની માંગ કરતા ખેડૂતોને એસ્ટીમેટ મંજૂર થશે ત્યારે કામ થશે તેવા જવાબો અપાતા હોવાનું અમુક ખેડૂતે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.આવા જ્વાબોના કારણે કિસાનો પાક માટે પાણીની જરૂરિયાત હોવાથી સ્વખર્ચે સફાઈ કરાવે છે, ત્યારબાદ તંત્ર દ્વારા સફાઈના બિલો બનાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer