આદિપુરમાં મહિનાથી દૂષિત પાણીવિતરણ!

ગાંધીધામ, તા. 23 : શહેરમાં નગરપાલિકાની  અયોગ્ય કામગીરીનાં કારણે નાગરિકોને અનેક પ્રકારની હાલાકી વેઠવી પડે છે. આદિપુરના 3 એ અને 4 એ  વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી દૂષિત પાણી  વિતરીત થઈ રહ્યું છે. આ મામલે  અનેકો રજૂઆત કરવા છતાં તંત્રનાં પેટનું પાણી નથી હલતું.સુધરાઈનાં જડ વલણનાં કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની  સ્થાનિકોએ  ભીતિ વ્યકત કરી હતી.આદિપુરમાં  3એ અને 4એ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા  લાંબા સમયથી ચાલી આવે છે. થોડા મહિનાઓ અગાઉ  ટાગોરરોડની સમાંતરે પસાર થતી ગટર લાઈનમાં વિક્ષેપ ઊભો થતાં આ વિસ્તારનાં ઘરોમાં  નળ વાટે ગટરનું પાણી આવતું હોવાની  બૂમ પડી  હતી. હાલમાં છેલ્લા એક મહિનાથી  વધુ એક વખત આ જ પ્રકારની સમસ્યા  સર્જાઈ છે. પાલિકા દ્વારા એક મહિનાથી  દૂષિત પાણી વિતરણ કરાઈ રહ્યું છે. સ્થાનિકોએ રોષ સાથે જણાવ્યું હતું કે આ મુશ્કેલી અંગે સ્થાનિક  નગરસેવકોથી લઈ છેક ધારાસભ્ય સુધી વારંવાર રજૂઆત કરાઈ છે, પરંતુ સમસ્યાનો ઉકેલ લાવવાની દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરાતી નથી.સત્તાધીશો સમક્ષ અનેકો રજૂઆત કર્યા બાદ  પ્રશ્નોનો નિવેડો ન આવતાં સ્થાનિકો રીતસરના ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ત્રસ્ત બનેલા લોકોએ ઉમેર્યું હતું કે સુધરાઈ દ્વારા અપાતું પેયજળ દૂષિત હોવાથી પીવા તથા અન્ય ઉપયોગ માટે આવતું નથી. ટાંકામાં પાણીમાં ગંદું  પાણી ભરાતાં અવારનવાર ટાંકાની સફાઈ  કરવાની  મહામહેનત કરવી પડે છે. વર્તમાન સમયમાં  ઋતુજન્ય  રોગચાળાને કારણે અનેક આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે આ સંજોગોમાંદૂષિત પાણીને કારણે ગંભીરરોગચાળો ફાટી નીકળવાની દહેશત છે.  હાલમાં  સુધરાઈતંત્ર દ્વારા મોટાભાગનાં કામો ખાનગીએજન્સી ઉપર થોપી દેવાયાં છે,  ત્યારબાદથી એજન્સીની કામગીરીની યોગ્ય રીતે સમીક્ષા કરવામાં આવતી જ નથી. પાણીની લાઈનોમાં લીકેજ વર્ષોથી જેમનાં તેમ છે. કોન્ટ્રેકટરો દ્વારા માત્ર બિલ  બનાવાય છે તેવી પણ વ્યાપક ફરિયાદ ઉઠી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer