કચ્છમાં વધુ 18 અધ્યાપકને ગાઇડશિપ

ભુજ, તા. 23 : કચ્છમાં વિવિધ વિષયોનાં સંશોધનને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રથી વેગ મળે તેવા એક પગલામાં કચ્છ યુનિવર્સિટીએ નવા 18 પ્રાધ્યાપકોને ગાઇડશિપ આપી દીધી છે. આ સાથે કચ્છમાં લગભગ 45 કોલેજો અને યુનિવર્સિટીના ભવનો સહિત પીએચડી ડિગ્રીમાં માર્ગદર્શન આપવા માટે પાત્ર એવા પ્રાધ્યાપકોની સંખ્યા વધીને 65ની થઇ ગઇ છે.સત્તાવાર રીતે મળતી વિગતો મુજબ, યુનિવર્સિટી દ્વારા તેમની પાસે પડેલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજોનાં પણ અનુભવી પ્રાધ્યાપકોની પીએચડી ગાઇડશિપ માટેની અરજી પૈકી 18ને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય પણ અરજીઓ પર વિચારણા ચાલુ છે અને નવી મંજૂરીઓ પણ મળશે જેથી કચ્છમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ પીએચડી કરી શકશે. નોંધનીય છે કે, ડોકટરેટની ડિગ્રીની પ્રવેશ પરીક્ષા તો ઘણા વિદ્યાર્થીઓ પાસ કરે છે, પરંતુ મર્યાદિત ગાઇડને કારણે બધાની નોંધણી થઇ શકતી નથી, કારણ કે એક પ્રાધ્યાપક દર વર્ષ મર્યાદિત  સંખ્યામાં માર્ગદર્શક બની શકે. બીજી બાજુ, આગામી કોલેજોનાં ઘણા ડોકટરેટ ડિગ્રી ઉપરાંત વર્ષોથી શિક્ષણકાર્ય સાથે સંકળાયેલા અધ્યાપકો છે, તેમની અરજીઓ પડતર હતી. યુનિ.એ પહેલ કરીને તેમને હવે લીલીઝંડી આપતાં વધુ વિદ્યાર્થી પીએચડી કરી શકશે. બીજીબાજુ આ સૂત્રોએ તુરતમાં જ પેટ (પીએચડી એન્ટ્રન્સ) લેવાની જાહેરાત થશે એવા સંકેત આપ્યા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer