કચ્છ યુનિ.ની ખાનગી કોલેજો સાથે અધ્યાપકોના પગાર સહિતના મુદ્દે ચર્ચા

ભુજ, તા. 23 : કચ્છની ખાનગી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો દ્વારા તેમના અધ્યાપકોને સરકારી કે ગ્રાન્ટેડ તો ઠીક સમયને અનુરૂપ યોગ્ય પગાર ધોરણ કરવાના કચ્છ યુનિવર્સિટીના સૂચન બાદ કોલેજોએ તેમની નબળી આર્થિક સ્થિતિ અને સરકારી ધોરણો મુજબ પગાર આપવા શક્ય ન હોવાની રજૂઆત કરી જરૂર પડયે કોલેજ બંધ કરવાનીય તૈયારી દર્શાવી દીધી હતી. જો કે, યુનિવર્સિટીએ હકારાત્મક વાતાવરણમાં ચર્ચા યોજાઇ હોવાનું કહીને સમસ્યાનું યોગ્ય સમાધાન કરાશે તેવી હૈયાધારણ આપી હતી.મળતી વિગતો મુજબ આજે કચ્છ યુનિવર્સિટી દ્વારા સમસ્યાઓના આદાન-પ્રદાન અને ઉકેલ માટે લાંબા સમય બાદની આ પ્રકારની પહેલમાં ખાનગી કોલેજોના મોવડીઓની સાથે બેઠક યોજી હતી. દરમ્યાન ખાનગી કોલેજોના કેટલાક સંચાલકોએ અખબાર પાસે એવો રોષ વ્યક્ત કર્યો હતો કે, એડમિશનની સંખ્યા અને નિભાવ ખર્ચને ધ્યાને લેતાં સરકારી ધોરણે પગાર શક્ય નથી, નહીં તો કોલેજને નછૂટકે બંધ કરવી પડે.દરમ્યાન આ સંદર્ભે યુનિ.ના રજિસ્ટ્રાર ડો. બુટાણીનો સંપર્ક કરતાં તેમણે કહ્યું કે, ગ્રાન્ટેડના લઘુતમ 41,000 પગારના ધોરણ ભલે નહીં, પરંતુ કમ સે કમ એડહોકનો 25,000ની જેમ પગાર ધોરણ હોવા જોઇએ એવું સૂચન કર્યું છે. આખરે એ પરિવારનો નિભાવ પણ કરે છે. આ અંગે અમે હકારાત્મક વાતાવરણમાં થયેલી ચર્ચામાં તેમની મુશ્કેલીઓ રજૂ કરવા અમારા તરફથી સહયોગની ખાતરી આપી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer