કચ્છમાં સોળ મહિનામાં બે લાખથી વધુ આરટીપીસીઆર પરીક્ષણ કરાયાં

ભુજ, તા. 23 : કચ્છમાં કોરોનાના કેસ દેખાવાની શરૂઆત થઇ એ સાથે જ રાજ્ય સરકારની મદદથી ભુજમાં કોરોનાની ચકાસણી માટે આર.ટી.પી.સી.આર ટેસ્ટિંગ શરૂ થયું અને 16 મહિનામાં ટેસ્ટિંગનો આંક 2 લાખ પાર કરી ગયો છે.અદાણી મેડિકલ કોલેજ ભુજના માઇક્રોબાયોલોજી વિભાગમાં કાર્યરત મોલેક્યુલર લેબને સક્રિય કરી 7મી મે, 2020થી આર. ટી. પી. સી. આર.નું પરીક્ષણ શરૂ થયું અને 21મી સપ્ટેમ્બર સુધી 2 લાખ, 2 હજારથી વધુ પરીક્ષણ કરી દેવામાં આવ્યું છે અને આજે પણ દૈનિક ધોરણે વિવિધ સ્થળેથી આવતા સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવે છે.પ્રો. ડો. હિતેશ આસુદાનીએ જણાવ્યું કે, ભુજ સહિત જુદા જુદા તાલુકાઓમાંથી આવતા નમૂનાઓ ચકાસવા અને સંભવિત કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા આજે પણ બે શિફ્ટમાં 10 ટેક્નિશિયન તહેનાત કરાયા છે. એપ્રિલ-2021ના સમયગાળામાં જ્યારે કોવિડ-19 ચરમસીમાએ હતો ત્યારે રોજના ચાર હજારથી વધુ સેમ્પલનું પરીક્ષણ કરાતું હતું. આ ચકાસણીનું કામ જી.કે. જનરલ હોસ્પિટલ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તથા આરોગ્ય અધિકારી વિગેરે સહિતના સહયોગથી કામગીરી કરાઈ રહ્યું છે.   એક આર.ટી.પી.સી.આર. યંત્ર અગાઉ સ્વાઇન ફ્લૂ વખતે 2015માં લેબમાં મૂકવામાં આવ્યું હતું તેમજ બીજું પી.સી.આર. મશીન કોરોનામાં રાજ્ય સરકારે આપ્યું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer