ડુમરામાં સગીરાની અને મેઘપર (બો.)માં યુવતીની છેડતી કરાતાં ગુના નોંધાયા

ભુજ, તા. 23 : અબડાસાનાં ડુમરા ગામે સગીર વયની કન્યાની છેડતી કરવાના મામલે ગામના જ ઇસમ સામે ગુનો દાખલ કરાયો હતો. તો બીજીબાજુ, મેઘપર બોરીચી ગામે યુવતીની અજાણ્યા શખ્સ દ્વારા છેડતી કરાયાનો મામલો પોલીસ દફતરે ચડયો છે. પોલીસે બન્ને કેસમાં વિધિવત્ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.અમારા અબડાસાના પ્રતિનિધિએ પોલીસને ટાંકીને આપેલા અહેવાલ મુજબ ડુમરા ગામે સગીર વયની કન્યા ઉપર નિર્લ્લજ હુમલો કરવાના મામલે ગામના ઇરફાન મામદ સુમરા સામે ફરિયાદ નોંધાવાઇ હતી. બે દિવસ પહેલાં મંગળવારે મધ્યાહ્ને આરોપીએ તરુણીને આ પજવણી સાથે ધાકધમકી કરી હતી. આ પછી આજે કોઠારા પોલીસ મથકમાં આરોપી સામે પોકસો સહિતની કલમો તળે આજે વિધિવત્ ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં જેની સામે ગુનો નોંધાયો છે તે આરોપી સામે અગાઉ પણ આવી જ ફરિયાદ નોંધાઇ હોવાનું અમારા કોઠારાના પ્રતિનિધિએ પૂરક વિગતો આપતાં જણાવ્યું હતું. બીજીબાજુ, અમારા ગાંધીધામ બ્યૂરોના અહેવાલ મુજબ મેઘપર (બોરીચી) ખાતે આશાપુરા પાર્ક સોસાયટી નજીક અજાણ્યા શખ્સ દ્વારા પગપાળા જઇ રહેલી યુવતીની છેડતી કરાયાનો કિસ્સો બહાર આવ્યો છે. આ બાબતે લખાવાયેલી પોલીસ ફરિયાદ મુજબ ગઇકાલે રાત્રે સાડા આઠેક વાગ્યાના સુમારે ભોગ બનનાર યુવતી જઇ રહી હતી, ત્યારે અજ્ઞાત આરોપીએ આવી શારીરિક હરકતો સાથેનું આ કૃત્ય કર્યું હતું. બનાવ બાદ આરોપી નાસી ગયો હતો. અંજાર પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ માટેના પ્રયાસો હાથ ધર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer