નખત્રાણા પંથકમાં કેબલ તસ્કરી વ્યાપક બનવાથી ખેડૂતો ચિંતિત

નખત્રાણા, તા. 23 : છેલ્લા કેટલાય સમયથી હરિયાળા આ પંથકમાં જુદા જુદા વાડી વિસ્તારોમાં કેબલોની ચોરીનો ઉપદ્રવ વધતાં રીતસર વ્યવસ્થિત કોઇ કેબલચોર ટોળકી સક્રિય થઇ હોવાનું ખેડૂતો જણાવે છે. આ મામલે પોલીસતંત્ર ધ્યાન આપે અને આ ટોળકીને પકડી પાડે તેવી માંગ ઊઠી છે.જાણકાર વર્તુળોના જણાવ્યાનુસાર દિવસ દરમ્યાન આ ટોળકી વિવિધ વિસ્તારો, વાડી, ખેતરો, સીમાડામાં ફરી રેકી કરી અને જ્યાં જ્યાં બોર પર મોટરો હોય ત્યાં રાત્રિના સમયે કેબલ ચોરીને અંજામ આપે છે.તો રવિવારે રાત્રે અહીંની ગ્રામ પંચાયતના વોટર સપ્લાય પર ત્રણથી ચાર જગ્યાએ ચોરી થતાં સોમવારે જૂનાવાસ બસ સ્ટેશન વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલી પડી હતી ત્યારે પંચાયતે તાત્કાલિક કામગીરી હાથ ધરી, નવા કેબલો નાખી સાંજ સુધી પાણીની મોટર ચાલુ કરતાં પાણી પહોંચ્યું હતું.પાસેના બેરૂ, નાડાપા, મોસુણા, સાંગનારા, કોટડા-જ., નખત્રાણાના વિસ્તાર ભડલી પંથકમાં કેબલચોરીના બનાવો વધ્યા છે. પાંચસો મીટર, છસો મીટર, સાતસો મીટર તેમજ ક્યાંક એક હજાર મીટર કેબલની ચોરી થતાં ખેડૂતોને સીત્તેરથી એંસી હજારનો ચૂનો લાગી જાય છે તેવું ખેડૂતોએ કહ્યું હતું.નખત્રાણામાં પણ રાત્રિના સમયે ચીભડચોરીનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે. હજુ તો બે-ત્રણ દિવસ અગાઉ મણિનગર વિસ્તારમાં દુકાનનું શટર તોડી ચાર હજારની ચોરીનો બનાવ બન્યો હતો. તો અગાઉ થયેલી ઘરફોડ ચોરી હજુ પકડાઇ નથી. નગરમાં પાર્ક થતી બાઇકો પણ ઉઠાવી જવાના બનાવો પણ બને છે. નગરનો ચારેતરફ વિસ્તાર વધતાં આ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ પણ વધવાની સાથે રાત્રિના સમયે રખડતા આવારા-લુખ્ખા તત્ત્વો સામે પોલીસ લાલઆંખ કરે તે પણ જરૂરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer