જારજોક ખૂનકેસમાં બે સહોદરને આજીવન કેદ

ભુજ, તા. 23 : નખત્રાણા તાલુકાના જારજોક ગામે ભેંસો ચરાવવા દરમ્યાન થયેલી તકરાર અન્વયે બનેલા ગામના કલુભા રતનજી જાડેજાની હત્યા કરવાના અને અન્યોને ઇજા પહોંચાડવાના કેસમાં જિલ્લા અદાલતે સગા ભાઇ એવા બે આરોપી પ્રવીણાસિંહ રાસુભા જાડેજા અને રણજિતાસિંહ રાસુભા જાડેજાને તકસીરવાન ઠેરવી તેમને બન્નેને આજીવન કેદની સજા ફટકારી હતી. ડિસેમ્બર 2013માં બનેલા આ કિસ્સામાં પોલીસ દ્વારા કેસનું આરોપનામું કોર્ટમાં પેશ કરાયા બાદ આ અંગેની સુનાવણી અત્રેના ત્રીજા અધિક સેશન્સ જજ એમ.એમ. પટેલની કોર્ટમાં થઇ હતી. ન્યાયાધીશે ફરિયાદી, સાક્ષીઓ અને ઇજા પામનારા સહિતના મૌખિક સાહેદો અને દસ્તાવેજી પુરાવાઓ તપાસી હત્યા માટે પ્રવીણાસિંહ જાડેજા અને તેના ભાઇ રણજિતાસિંહ જાડેજાને જવાબદાર ઠેરવ્યા હતા. આ બન્નેને આજીવન કેદની સજા ફટકરાતો  ચુકાદો આપ્યો હતો. આ સુનાવણીમાં સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશભાઇ એ. મહેશ્વરી તથા કેસના ફરિયાદ પક્ષ વતી આર.એસ. ગઢવીએ હાજર રહીને દલીલો કરી હતી. તેમની વિવિધ દલીલોને ગ્રાહ્ય રાખીને જિલ્લા અદાલતે હત્યાના કેસમાં મહત્તમ સજાનો આ ચુકાદો આપ્યો હતો.આ ચકચારી કેસની પૂર્વ વિગતો એવી છે કે જારજોક ગામની સીમમાં ભેંસો ચરાવવા દરમ્યાન આ મામલે થયેલી માથાકૂટ વધી પડતાં સામસામી મારામારી થઇ હતી. જેમાં કેસના ફરિયાદી મહિપતાસિંહ નટુભા જાડેજાના કાકા કલુભા રતનજી જાડેજાની સ્થળ ઉપર જ હત્યા કરી નખાઇ હતી, તો મરનારના ભાઇ દિલુભાની હત્યાનો પ્રયાસ કરાયો હતો.આ કિસ્સામાં મરનાર કલુભાના પરિવારના રૂપસંગજી હીરાસંગજી જાડેજા, મહિપતાસિંહ નટુભા જાડેજા, દિલુભા રતનજી જાડેજા અને મરનાર કલુભા રતનજી સામે નોંધાવાયેલી હુમલાની ફરિયાદના કેસમાં આ તમામને નિર્દોષ ઠેરવી છોડી મૂકવાનો ચુકાદો પણ અદાલતે આપ્યો હતો. નિર્દોષ મુક્ત થયેલા આરોપીના વકીલ તરીકે આર.એસ. ગઢવી રહ્યા હતા.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer