અંજારમાં દુકાનનાં પતરાં તોડી 16 હજારની માલમતા સેરવી

ગાંધીધામ, તા. 23 : અંજારની ચિત્રકૂટ સોસાયટી નજીક ચાની દુકાનનાં પતરાં તોડી તેમાંથી રૂા. 16,100ની મતાની ચોરી કરી નિશાચરો પલાયન થઇ?ગયા હતા.અંજારમાં પ્રાંત કચેરી નજીક જીમખાના પાસે શેખ ફળિયામાં ગતરાત્રે આ બનાવ બન્યો હતો. અહીં રહેતા મામદ અબ્દુલભાઇ શેખ નામના વૃદ્ધ પોતાના ઘર પાસે ખેતલા આપા સ્ટોલ નામની ચાની દુકાન ચલાવે છે. આ વૃદ્ધે ગઇકાલે રાત્રે 9 વાગ્યાની આસપાસ પોતાની આ દુકાન બંધ કરી ઘરે ગયા હતા. આ ફરિયાદીની દીકરી શહેનાઝનો જન્મદિવસ હોવાથી પરિવારજનોએ કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરી હતી.દરમ્યાન, રાત્રે 12.30ની આસપાસ આ ફરિયાદી વૃદ્ધ પોતાના પરિવારજનો માટે સૂકો નાસ્તો લેવા નીકળ્યા હતા. પોતાની દુકાનમાં જવા માટે ઘરની અંદરથી ખૂલતા દરવાજાના તાળાં ખોલી આ ફરિયાદી દુકાનમાં જતાં તેમાં તમામ માલ વેરવિખેર પડયો હતો. ફરિયાદી બહાર જઇ બહાર બાજુનો દરવાજો જોતાં તેના તાળાં બરોબર લાગેલા હોવાનું જણાયું હતું. બાદમાં દુકાનના પતરાં તોડીને નિશાચરો અંદર ખાબક્યા હોવાનું બહાર આવ્યું હતું.આ દુકાનમાંથી રોકડા?રૂા. 15000, વાઇફાઇનું રાઉટર તથા સી.સી. ટી.વી.નું ડી.વી.આર. એમ કુલ રૂા. 16,100ની મતાની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા. દીકરીના જન્મદિવસની ઉજવણી વેળાએ તસ્કરોએ આ કળા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીઓને પકડી પાડવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer