અંધૌની સીમમાં જંગલ ખાતાએ રોપા વાવી દબાણ કર્યાનો આક્ષેપ

ભુજ, તા. 23 : તાલુકાના અંધૌ ગામે સરકારી પડતર જમીન ઉપર જંગલ ખાતાએ પંચાયત કે ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વિના રોપા વાવવાની કામગીરી શરૂ?કરી દેતાં ગ્રામજનો સાથે સંઘર્ષ થાય તેવી ભીતિ પંચાયતે વ્યક્ત કરી જંગલ ખાતા દ્વારા થતા આ દબાણને દૂર કરવાની માંગ કરી છે. અંધૌ જૂથ ગ્રા.પં.ના સરપંચ ખતીજાબેને જિલ્લા વન વિભાગ અધિકારીને પત્ર પાઠવી જણાવ્યું છે કે, વન વિભાગ દ્વારા રોપા વાવવાની કામગીરી થકી પશુઓ સીમાડા તરફ જઇ શકતા નથી. જંગલ ખાતાએ આ કામગીરી પહેલાં આ સરકારી જમીન વન વિભાગમાં નીમ કરવાની હોય છે પરંતુ તેમ કરવાની જગ્યાએ કોઇ હુકમ લીધા વિના સીધે સીધી કામગીરી કરી દઇ વન વિભાગ દ્વારા દબાણ કરવામાં આવ્યો હોવાનો પત્રમાં આક્ષેપ કરાયો છે.અગાઉ પણ અંધૌની ગૌચર જમીન ઉપર વન વિભાગ દ્વારા દબાણ કરી કામગીરી કરવામાં આવી હતી જે પંચાયતના ધ્યાને આવતા ડી.એલ.આર.ની ટીમો તથા આર.એફ.ઓ. અને નાયબ મામલતદારને સાથે રાખીને ખરાઇ કરતાં અંધૌની ગૌચર જમીન માલુમ પડતાં ત્યાં કામગીરી બંધ કરવામાં આવી હતી. થોડાક દિવસો બાદ ફરીથી ગામની પૂર્વ બાજુના સાધારા સેડાથી અંધૌની સીમમાં દબાણ કામગીરી શરૂ?કરી છે, જે જંગલ ખાતામાં આવતી નથી. આથી આ દબાણ દૂર કરવામાં આવ તેવી માંગ સરપંચે પત્રમાં કરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer