ભુજના અનેક વિસ્તારો અંધકારમાં ગરકાવ

ભુજ, તા. 23 : લગભગ નવેક માસથી એલઈડી ન હોવાથી ભુજના અનેક વિસ્તારો અંધારામાં ગરકાવ પડયા છે. આ અંગે તપાસ કરતાં સુધરાઈની લાઈટ શાખામાં અંદાજે 300થી વધુ નવી લાઈટો નાખવાની અરજી પડતર પડી છે. ભુજમાં લાંબા સમયથી સુધરાઈ ખાતે લાઈટો ઉપલબ્ધ ન હોવાથી અનેક ફરિયાદો વણઉકેલ પડી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ ગત જાન્યુઆરી માસથી જ નવી લાઈટો આવવાનું બંધ થતાં હાલમાં સુધરાઈની લાઈટ શાખામાં 300થી વધુ અરજીઓ પડતર પડી છે.જો કે, શાખાના ચેરમેન હનીફ માંજોઠીએ આ બાબતે સુધરાઈ પ્રમુખ તથા મુખ્ય અધિકારીનું ધ્યાન દોર્યું છે અને નવી લાઈટો આવ્યે શહેરીજનોની ફરિયાદ સત્વરે ઉકેલાશે તેમ ઉમેર્યું હતું.જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર હાલમાં તો કોઈ જગ્યાએ સીએફએલ લાઈટ  પણ બંધ થઈ જાય તો તે બદલવા નવી લાઈટ પણ સુધરાઈ ખાતે ન હોવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે સત્તાધીશો સત્વરે આ સમસ્યા ઉકેલે તેવી માંગ ઊઠી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer