ભાદરવો તપ્યો : ભુજ-માંડવી તાલુકામાં ઝાપટાં

ભાદરવો તપ્યો : ભુજ-માંડવી તાલુકામાં ઝાપટાં
ભુજ, તા. 17 : જિલ્લામાં ભાદરવા માસના આકરા તાપની આણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવા-ભારે ઝાપટાં વરસ્યા હતા. 37 ડિગ્રીએ ભુજ રાજ્યનું ગરમ મથક બનવા સાથે રાજ્યના મોખરાના ત્રણેય કેન્દ્રોમાં કચ્છના મથકોએ સ્થાન મેળવ્યું હતું. માંડવી તાલુકાના ગઢશીશામાં સાંજે 7 વાગ્યા બાદ અડધો કલાક સુધી ધોધમાર વરસાદ વરસતાં અડધોથી પોણો ઈંચ પાણી પડતાં ગામની ગલીઓમાં જોશભેર પાણી રેલાયા હતા. ભુજ તાલુકાના દેશલપર (વાંઢાય) અને આસપાસના ગામો તેમજ પટેલ ચોવીસીના કેરા-સૂરજપર સહિતના ગામોમાં વરસાદી ઝાપટાં વરસ્યાના અહેવાલો મળ્યા હતા. હવામાન વિભાગે જિલ્લામાં હજુ પાંચ દિવસ હળવા-મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરમ્યાન વરસાદી ગતિવિધિ મંદ પડયા બાદ જિલ્લામાં ભાદરવાએ પોતાનો અસલ મિજાજ દેખાડતાં જનજીવન આકુળ-વ્યાકુળ બન્યું છે. ભુજમાં એક જ દિવસમાં ત્રણ ડિગ્રીના વધારા સાથે મહત્તમ પારો 37 ડિગ્રીએ પહોંચતાં શહેરીજનો પરસેવે રેબઝેબ થયા હતા. ભુજ રાજ્યનું મોખરાનું, તો 35.2 ડિગ્રીએ કંડલા (એ) બીજા અને 34.8 ડિગ્રીએ નલિયા ત્રીજા નંબરનું ગરમ મથક બન્યું હતું. જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં આખો દિવસ તાપ-ઉકળાટનું સામ્રાજ્ય જારી રહેતાં લોકો આકુળ-વ્યાકુળ બન્યા હતા. લઘુતમ પારો પણ 26-27 ડિગ્રી જેટલો ઊંચો રહેતાં રાત્રિનાય ભારે ઉકળાટ વર્તાયો હતો. નોંધનીય છે કે, રાજ્યના અન્ય વિસ્તારોની તુલનાએ કચ્છમાં મહત્તમ પારો ઊંચો રહેતાં ગરમીની વધુ અનુભૂતિ થઈ હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer