મોરાયની શાળા મર્જ થતાં વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત

નખત્રાણા, તા. 17 : તાલુકાના નાના એવા મોરાય ગામની પ્રાથમિક શાળાના વર્ગો મર્જ કરાતાં ગામના વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહ્યા હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરી હતી. મોરાય ગામની શાળા કોમ્પ્યુટર લેબ સાથે કાર્યરત છે, પરંતુ તાજેતરમાં  સરકારના નિર્ણયો મુજબ ઓછી સંખ્યા ધરાવતી શાળાઓ મર્જ કરી અન્ય શાળાઓમાં  સામેલ કરાતાં આ નાના એવા ગામના નાના બાળકો-વિદ્યાર્થીઓ અભ્યાસ વિના વંચિત રહી ગયા છે.મોરાયથી ઉગેડી 3.10 કિ.મી. દૂર છે. ખોંભડી 5 કિ.મી. તથા દેશલપર (ગુંતલી) 5 કિ.મી.ના અંતરે  છે. તેમજ સમયસર વાહનની પણ વ્યવસ્થા ન હોતાં અભ્યાસકાળથી વધુ સમયનો વ્યય થતો હોવાથી ઘણા વિદ્યાર્થીઓ છતી શાળાએ અભ્યાસ કરી શકતા નથી. ગ્રામજનોએ વિસ્તૃત રજૂઆતો કરી હોવા છતાં કોઇ અસરકારક નિર્ણય લેવામાં આવતો નથી. રાજકીય રીતે ચૂંટાયેલાઓ ખાલી ચૂંટણી વખતે જ ગામમાં આવતા હોય છે, પરંતુ પછી કોઇ પૂછા પણ કરતું નથી તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓના પ્રશ્ને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતે આગળ આવે અને ગામના તમામ વિદ્યાર્થીઓ અહીં ગામમાં જ સ્થાનિક અભ્યાસ કરે તેવી વ્યવસ્થા કરવાની રાજ્ય તેમજ જિલ્લા સ્તરે કરવામાં આવી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer