ભચાઉ પાસે ચોરાઉ સળિયાના જથ્થા સાથે બે જણ ઝડપાયા

રાપર, તા. 17 : ભચાઉ નજીક ચોરાઉ મનાતા સળિયાના જથ્થા સાથે પોલીસે બે શખ્સને ઝડપી પાડયા હતા. આ કાર્યવાહી દરમ્યાન પાંચ લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ જિલ્લામાં મિલકત સબંધી ગુનાઓને શોધવા માટે એલ.સી.બી.ની ટુકડી ભચાઉ સામખિયાળી વચ્ચે પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન મળેલી બાતમીના આધારે  ભચાઉ સામખિયાળી ધોરીમાર્ગ ઉપર બજરંગ હોટેલ રાજસ્થાનનીપાછળ આવેલા રાજુભા મારવાડીના ભંગારના વાડામાં  દરોડો પાડયો હતો. આ કાર્યવાહી દરમ્યાન ભંગારના વાડામાંથી આરોપી મીઠાલાલ ઉર્ફે રાજુ રામલાલ ગુર્જર (રહે. રાજસ્થાન) અને રોહલત આત્મજ રામકરણને પોલીસે ઝડપી પાડયા હતા.આરોપીઓના કબ્જામાંથી 9020 કિલોગ્રામ લોખંડના સળિયા (ખીલાસરી) પોલીસે કબ્જે કર્યા હતા. આરોપીઓ આ જથ્થા અંગેના કોઈ આધાર-પુરાવા રજૂ કરી શકયા ન હતા. પોલીસે ચોરાઉ મનાતા સળિયા ઉપરાંત રૂા. 5000ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ કબ્જે કર્યો હતો. આ કાર્યવાહીમાં એલ.સી.બી.ના ઈન્ચાર્જ પી.આઈ. કે.એન. સોલંકી અને સ્ટાફ જોડાયો હતો.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer