ગાંધીધામ શહેર - તાલુકામાં મોદીનો જન્મદિન ઉજવાયો

ગાંધીધામ શહેર - તાલુકામાં મોદીનો જન્મદિન ઉજવાયો
ગાંધીધામ, તા. 17 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિન નિમિત્તે આ તાલુકા, શહેરમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જુદી જુદી યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને ગેસનાં જોડાણ, ચેક અર્પણ, સન્માનપત્ર વગેરે આપવામાં આવ્યાં હતાં. શહેરમાં સફાઇ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી હતી તેમજ આદિપુરના ખાટુશ્યામ મંદિરમાં હોમ હવનનું પણ આયોજન કરાયું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસને યાદગાર બનાવવા સરકાર તથા અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા લોકસેવાના વિવિધ કાર્યો કરી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના દીનદયાળ હોલ ખાતે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, નગરપાલિકા પ્રમુખ ઇશિતાબેન ટીલવાણી, ઉપપ્રમુખ બળવંતભાઇ ઠક્કર વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અગ્રણીઓએ દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો, જેમાં  વડાપ્રધાનને ગરીબોના બેલીનું બિરુદ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં વકતવ્યના જીવંત પ્રસારણનો ઉપસ્થિતોએ લાભ લીધો હતો. શહેરના ટાઉનહોલમાં પણ આ દિવસની એકીસાથે ઉજવણી કરાઇ હતી. અહીં પાલિકાના કારોબારી ચેરમેન પુનિત દુધરેજિયા, શાસક પક્ષના નેતા વિજયસિંહ જાડેજા, દંડક પપ્પુભાઇ ધેડા વગેરે હાજર રહ્યા હતા. અહીં પણ  લાભાર્થીઓને  લાભ આપવામાં આવ્યા હતા. તાલુકા કક્ષાનો કાર્યક્રમ શિણાય ખાતે યોજાયો હતો, જેમાં  તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ જાડેજા, મામલતદાર ચિરાગભાઇ હિરવાણિયા, તાલુકા વિકાસ અધિકારી પિન્કીબેન ચૌધરી, નાયબ મામલતદાર હરેશભાઇ જોશી, તાલુકા પંચાયતના મહેશભાઇ  ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રણેય કાર્યક્રમોમાં મુખ્યમંત્રી બાળ સહાય યોજનાના બે લાભાર્થીને લાભ અપાયા હતા. ઉજ્જવલા યોજના અંતર્ગત ગ્રામ્યમાં 100 અને શહેરમાં 127 એમ 227 લાભાર્થી બહેનોને લાભ આપવામાં આવ્યો હતો. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 3 લોકોને ગ્રામ્ય વિસ્તારમાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં. શહેર અને ગ્રામ્ય વિસ્તારના કાર્યક્રમમાં 90 લાભાર્થીઓને પાંચ કિલોની રાશન કિટ અર્પણ કરવામાં આવી હતી. શહેરમાં વિધવા સહાયના 180 ચેક અર્પણ કરાયા હતા. પાંચ સખી મંડળને પણ ચેક અપાયા હતા. કોરોનાકાળ દરમ્યાન માતા અને પિતાની છત્રછાયા ગુમાવનારા એક બાળકને  ગ્રામ્ય વિસ્તારમાં મંજૂરીપત્ર આપવામાં આવ્યો હતો. 100 ટકા રસીકરણ થયું હોય તેવા ગામના સરપંચનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ તમામ કાર્યક્રમો દરમ્યાન સરકારી હોસ્પિટલ રામબાગ દ્વારા રસીકરણનો કાર્યક્રમ પણ યોજાયો હતો.તેમજ અહીંની પાલિકા દ્વારા સવારે  આદિપુર અને ગાંધીધામમાં સફાઇ ઝુંબેશ પણ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ગાંધીધામ શાખા દ્વારા  આ પ્રસંગે આદિપુર ખાટુશ્યામ મંદિરે કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યમાં 71 જગ્યાઓની સાથે અહીં પણ વૈદિક મંત્રો દ્વારા હવન યોજાયો હતો. આ વેળાએ જનાર્દનભાઉ, સોઢાભાઇ, પૂજાબેન, વિરલભાઇ, ભરતભાઇ ઠક્કર, દિનેશભાઇ, પંકજભાઇ, સંજયભાઇ, મુકેશભાઇ, રચનાબેન જોશી, મનિષાબેન સેવક વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer