ગાંધીધામ સંકુલમાં ઝાપટાંરૂપે અડધો ઇંચ

ગાંધીધામ સંકુલમાં ઝાપટાંરૂપે અડધો ઇંચ
ગાંધીધામ, તા. 14 : આ શહેર અને સંકુલમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાની સતત હાજરીના કારણે લોકો આનંદિત થયા છે. ગત મોડી રાત્રે જોરદાર ઝાપટાં બાદ બપોર સુધી મેઘાએ પોરો ખાધો હતો અને બપોરે ફરી પાછા લોકોના હૃદયને મેઘરાજાએ ભીંજવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી આ સંકુલમાં મેઘરાજા સતત હાજરી પુરાવી રહ્યા છે. તેમ છતાં હજુ પણ ભેજનું પ્રમાણ વધારે રહેતાં લોકોને  અકળામણ થતી હોય છે. ક્યારેક ધીમી ધારે તો ક્યારેક જોરદાર  ઝાપટારૂપે આવતા મેઘાને જોઇને લોકો ખુશ થઇ રહ્યા છે. સાથો સાથ નીચાણવાળા વિસ્તારોમાં સફાઇના  અભાવે કાદવ કિચડથી લોકો પરેશાન થઇ રહ્યા છે. અનેક જગ્યાએ પાણી નિકાલની સુચારૂ વ્યવસ્થાને અભાવે લોકોને ભોગવવાનો વારો આવે છે. અનેક જગ્યાએ  પાણી ભરાયેલા હોવાથી અને આવી જગ્યાએ ઢાંકણા વગરની ગટરની ચેમ્બરોમાં મૂંગા પશુઓ પડી જવાના બનાવો પણ બન્યા છે તેમજ ઘણી જગ્યાએ ગટરની લાઇનો બંધ (ચોક) થઇ જતાં ગટરના ગંદા પાણી આગળ વધ્યા નહોતાં અને લોકોના  ઘરોમાંથી કે રસ્તા ઉપર આવા ગંદા પાણી ફરી  વળ્યા હતા. જેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. ગત મોડી રાત્રે મેઘાએ જોરદાર ઝડી વરસાવતાં લોકોની ઊંઘ ઉડી ગઇ હતી. આ રાત્રિ  દરમ્યાન અહીંની  મામલતદાર કચેરીમાં 10 મિ.મી. વરસાદ નોંધાયો હતો. આજે સવારથી ધરતીના ધણીએ પોરો ખાધો હતો અને ઘણા સમય પછી સૂર્ય દેવતાની હાજરી પુરાઇ હતી. સવારથી બપોર સુધી તડકો, ગરમી, ભેજ, ઉકળાટ બાદ બપોરે ફરી પાછી મેઘસવારી આવી પહોંચી હતી. આ જોરદાર ઝડીથી માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં હતાં અને  સરકારી દફતરે  6 મિ.મી. વરસાદ નોંધાતાં સિઝનનો કુલ વરસાદ 329 મિ.મી. રહ્યો હતો. સતત ભીંજાવાના કારણે અમુક જૂના ઝાડના મૂળિયા ઉખડી ગયા હોવાનું પણ સામે આવ્યું હતું. શહેરના  ભાઇપ્રતાપ સર્કલ નજીક નવજીવન હોસ્પિટલની સામે  ડીવાઇડરમાં વર્ષો પહેલાંના જૂના ઝાડ આવેલા છે. આજે બપોરે વરસાદ અને પવનની એક થપાટ લાગતાં એક જૂનું ઝાડ ધરાશાયી થયું હતું. આ વેળાએ ડિવાઇડર પાસે બાઇક ઉપર એક યુવાન બેઠો હતો. ઝાડ પડવાનો અવાજ થતાં આ યુવાને સતર્કતા વાપરી પોતાનું બાઇક મૂકીને  તે બાજુએ થઇ ગયો હતો અને તોતિંગ ઝાડ તેના બાઇક ઉપર પડતાં તેનું બાઇક ઝાડ નીચે દબાઇ ગયું હતું, પરંતુ યુવાનનો આબાદ બચાવ થયો હતો. આ બનાવને પગલે પાલિકાની ટીમ અહીં ધસી આવી હતી અને તાત્કાલિક ઝાડનું કટિંગ કરાવી રસ્તો સાફ કરાવ્યો હતો. ગાંધીધામ, આદિપુરમાં બપોરથી સાંજ સુધી વરસાદે પોરો ખાધો હતો, પરંતુ આકાશમાં કાળા ડિબાંગ વાદળ છવાયેલા જ હતા. તેવામાં રાત્રે 8 વાગ્યાની આસપાસ વીજળીના કડાકા-ભડાકા સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. ટ્રેનની ગતિ ધીમે ધીમે આગળ વધે તેમ મેહુલિયાની ગતિ પણ વધી હતી. ધીમીધારે શરૂ થયેલો મેઘો બાદમાં ધોધમાર વરસી પડયો હતો. આ સમયે લોકો કામ, ધંધાથી ઘરે જઇ રહ્યા હતા ત્યારે પલળતા-પલળતા ઘરે પહોંચ્યા હતા. ગાજવીજ સાથે આવેલા મેઘરાજાના કારણે માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા તો વીજળીના કડાકા-ભડાકાથી રાત્રે પણ દિવસ જેવો માહોલ ખડો થઇ રહ્યો હતો. આંખો આંજી દે તેવી વીજળી અને ભલભલાના કાળજાં કંપાવી દે તેવી ગાજ સાથે મેહુલિયો સતત વરસતો રહ્યો હતો. રાત્રે એકાદ કલાકમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હોવાનું અનુમાન લગાવાયું હતું. જો કે, મામલતદાર કચેરી ખાતે રાત્રે 8થી 9 વચ્ચે 15 મિ.મી. વરસાદ નોંધાયો હતો અને સિઝનનો કુલ વરસાદ રાત સુધીમાં 344 મિ.મી. રહ્યો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer