નખત્રાણાના માલધારીઓ કહે છે માલ કે ધ્રો કરાય ડિને...

નખત્રાણાના માલધારીઓ કહે છે માલ કે ધ્રો કરાય ડિને...
અશ્વિન જેઠી દ્વારા - નખત્રાણા, તા. 14 : સોમવારે આખો દિવસ સામાન્ય છાંટા બાદ ભાંગતી રાત્રે મેઘરાજાએ નખત્રાણા સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીંગી મહેર કરતાં દોઢથી બે ઇંચ વરસાદ થતાં નદી-નાળાં ઊભરાયા હતા અને કયાંક વરસાદી વોકળામાં જોશભેર પાલર પાણી વહ્યાં હતાં તો કોટડા જ. બાદ પશ્ચિમ વિસ્તારમાં માત્ર છાંટા જ પડયા હોવાના અહેવાલ છે. પાંચ-સાત દિવસથી વાતાવરણમાં વરસાદી આળંગ -બફારો-ગરમી બાદ દિવસ દરમ્યાન હળવા ઝાપટાં પડી રહ્યાં છે. તો રાત્રિના સમયે ભારે ગાજવીજના ઠાઠ-માઠ સાથે વરસાદ પડે તે માત્ર 5 કે 10 મિ.મી. જેટલો હોય છે. મેઘરાજા મન મૂકીને વરસતા નથી, પરંતુ સોમવારે એકસરખા એકાદ કલાક ચાલેલા ધીંગા વરસાદથી નદી, નગરની શેરીઓમાં જોશભેર પાણી વહ્યાં હતાં તો બસ સ્ટેશન પાસેનો છેલો મધ્યરાત્રિએ આવ્યો હતો તેવું છેલા પાસેનાૐકારેશ્વર મંદિરના પૂજારી કેશવગર ગોસ્વામીએ જણાવ્યું હતું. નખત્રાણાના જોડિયા ગામ સાંગનારા, બેરૂ, નાના અંગિયા, મોટા અંગિયા, ધાવડા, દેવપર (યક્ષ) -મોટા, પલીવાડ, સાંયરા, મંગવાણા, વિભાપર, વેસલપર, જડેશ્વર મહાદેવ, મોસુણા, ફોટ મહાદેવ વિસ્તાર, રામપર રોહા, પિયોણી વિસ્તારમાં બેથી વધુ ઇંચ વરસાદ પડતાં નદી-નાળાં ઊભરાયા હતા તો જડેશ્વર મહાદેવ, મોસુણા, ફોટ મહાદેવની નદી તથા પિયોણી મહાદેવ પાસેની નદી રાત્રે દોઢ વાગે જોશભેર આવતાં પિયોણી, નીલકંઠ ડેમ ઓગની ગયો હતો તો ફોટ મહાદેવની નદી આવતાં પાપડી પરથી પાણી વહેતાં નદીઓ જીવંત બની હતી તેવું સાંયરાથી લાખા તેજા સંઘાર, તેમજ રામપરથી ઇશ્વરભાઇ સાંખલા તેમજ પિયોણી મહાદેવના મહંત હંસગિરિજીએ જણાવ્યું હતું. મથલ, ટોડિયા, ખોંભડી, રસલિયા, નેત્રા પંથક, દેશલપર (ગુંતલી), મુરૂ, ઢોરો, લુડબાયમાં માત્ર ઝાપટાં જ પડયા હોવાનું મથલથી રાજેશ ગોર, નેત્રાથી કિશોર ચંદન તથા દેશલપર (ગુંતલી)થી કનૈયાલાલ બારૂએ જણાવ્યું હતું. હવામાન વિભાગની જિલ્લામાં ભારે વરસાદની આગાહીનાં પગલે મંગળવાર સવારથી જ નખત્રાણા સહિત તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. ગરમી તે પણ ભેજ સાથેની સાથે આકાશમાં નીકળતી વરસાદી વાદળોના લીધે હજુ સારો વરસાદ પડશે તેવું લોકો માની રહ્યા છે અને હવે થોડોક વરસાદ પડતાં જ માર્ગો પરથી પાણી વહી નીકળે એનો મતલબ કે અગાઉના વરસાદથી જમીન તૃપ્ત થઇ ગઇ છે. હવે ધોધમાર વરસાદ પડે, ડેમ, નદી-નાળાં છલકાઇ જાય તેવી લોકો વરુણદેવને લોકો પ્રાર્થના કરી રહ્યા છે. મોડીસાંજે પિયોણીનો નીલકંઠ ડેમ ઓગની જતાં મહંત નાળિયેર પધરાવી વધાવ્યો હતો.મામલતદાર ઓફિસના કન્ટ્રોલ રૂમમાંથી મળેલા આંકડા અનુસાર અગાઉના 301 મિ.મી. તેમજ મંગળવાર બપોરે ચાર વાગ્યા સુધી વધુ 29 મિ.મી. વરસાદ સાથે મોસમનો કુલ્લ વરસાદ 330 મિ.મી. સાડા તેર ઇંચ જેટલો થયો છે. હવે ધીરેધીરે તાલુકામાં કપિત-મોલ-પાક- પાણીનું ચિત્ર સુધરતું જાય છે, તો સિઝનનો વરસાદ નખત્રાણામાં 84.18 મિ.મી. થયો હોવાનું જાણવા મળ્યું હતું.મંગળવારે સાંજે 5-30 વાગ્યાથી શરૂ થયેલા વરસાદને પગલે નખત્રાણા તાલુકાના મોટા યક્ષથી ધાવડા, દેવપર, સાંયરા, સહિતના વિસ્તારમાં દોઢથી બે ઇંચ પાણી વરસતાં મોટા યક્ષની નદીમાં પાણી વહી નીકળ્યાં હતાં. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના આરંભે મીઠા નક્ષત્રથી પાલર પાણી ખેતીવાડીના મોલ તથા વનસ્પતિ-ઘાસચારાને ફાયદાકારક થશે તેવું જાણકારોએ જણાવ્યું હતું, તેવી મોટી વિરાણીથી છગનભાઇ આઇયાએ માહિતી આપી હતી. ડરામણા કડાકા-ભડાકા વચ્ચે મોટી વિરાણી, ભારાપર-સુખપર, નાની વિરાણી (વાંઢ), જાલુ, વંગ, ડાડોર, ધીણોધર, અરલ સહિતના ગામોમાં સૌથી વધુ એકથી દોઢ ઇંચ જેટલા વરસેલા વરસાદથી વાડી -ખેતરના કયારા ભરાઇ ગયા હતા, જ્યારે આજે સાંજે 5ાંચ વાગ્યા દરમ્યાન દેવપર, યક્ષ, પલીવાડ, મંગવાણા, મંજલ વિસ્તારમાં પોણાથી એક ઇંચ વરસાદ પડયો હતો. નાની બન્નીમાં ગત રાત્રિએ તથા આજનો મળી એક ઇંચ ધીમીધારે વરસાદ વરસ્યો હતો.`માલ કે ખાધેલાય ઘા ઘણે આય પણ પીધેલાય પાણી નાયે.' ચોમાસાની શરૂઆતથી આજ સુધી નાની બન્ની વિસ્તારના તલ, છારી, ફુલાય, પૈયા, લૈયારી, મોતીચૂર ગામો તથા જિંજાય, મૂરુ, ઐયર, આમારા, લુડબાય સમગ્ર વિસ્તારમાં ક્રમશ: ધીમીધારે વરસેલા વરસાદથી સીમાડામાં પશુઓને ચરવા ઘાસ સારા પ્રમાણમાં ઊગ્યો છે પણ ડેમ -તળાવોમાં પાણી ન ભરાતાં પશુપાલક માલધારીઓને પીવાનાં પાણીની ચિંતા થઇ છે. તેઓ ભારે વરસાદ થાય અને ડેમ-તળાવો ભરાય તેવી આશા સેવી રહ્યા છે. જ્યારે મોટી વિરાણીથી પ્રતિનિધિ ઉમર ખત્રીએ જણાવ્યું હતું કે નાની બન્નીના તલ, છારી, પૈયા, મોતીચૂર, લૈયારી, વિસ્તારમાં `વલો વાલીડો વરસ્યો' અને એકથી દોઢ ઇંચ પાણીનો માલધારીઓના ગામડાંઓમાં હેત વરસાવી ગયો હતો. રાત્રિના બે વાગ્યા બાદ આવેલા મેઘગર્જનાના કડાકા-ભડાકાથી લોકો નિંદરમાંથી જાગી ગયા હતા અને `ધ્રા ન પણ ધ્રો' કરાય એવી લાગણી વ્યક્ત થઇ હતી. અડધો કલાકમાં દોઢ ઇંચ જેટલો માલધારી મલકાય એટલો `મીં' પડયો હતો એવું અમીનભાઇ જત તથા ઇબ્રાહીમ જતે કહ્યું હતું. માલધારીઓની મુખ્યત્વે વસતીવારા ઝાલુ, ડાડોર વિસ્તારમાં અઢી વાગે ઓચિંતી આવેલી મેઘ મહેર અડધા કલાકમાં એકાદ ઇંચ વરસાદની રમઝટ બોલાવી ગઇ હતી. ઝાલુ પાસે આવેલા ડેમમાં મોટા પ્રમાણમાં પાણી આવ્યાનું જત ઇબ્રાહીમભાઇએ કહ્યું હતું. તો દેવીસર પંથકમાં પણ પોણો ઇંચના વાવડ વલાભાઇ ચાકીએ આપ્યા હતા. ભડલીમાં રાત્રિના સાડા બારના ટકોરે મેઘરૂપી મહેમાન ભડલી, અકાદના, રાણારા, થરાવડા પાચાડામાં ઇંચ જેટલા પાલર પાણીની મહેર કરી હતી એવું ભડલીના માજી સરપંચ ગુલામભાઇએ ફોન પર વાત કરી હતી. મથલ, ખાભલા, વિસ્તારમાં 13 મિ.મી. વરસાદ રાત્રિના વરસ્યો હોવાની વાતને જગદીશ વાઘેલાએ સમર્થન આપ્યું હતું. જિયાપરમાં અડધા કલાકમાં પાણી વહેવળાવી ગયાના વાવડ સરપંચ વિજયાબેન ગોસ્વામીએ આપ્યા હતા. કુરબઇમાં પણ વરસાદના વાવડ પ્રાપ્ત થયા હતા. સાંગનારા, સુખસાણ, ગોડજીપર પંથકમાં એક ઇંચ વરસાદથી પાણી શેરીઓમાં જોશભેર વહ્યાનું વેપારી અરવિંદભાઇએ કહ્યું હતું. ધામાય, ચરાખડા, જતાવીરા, જિંજાય, મુરુમા અડધો ઇંચનું ચતુરસિંહ સોઢાએ જ્યારે વજીરાવાંઢ, ઢોરા વિસ્તારમાં અડધો ઇંચ વરસાદના સમાચાર મળ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer