આડેસરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

આડેસરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
રાપર, તા. 14 : તાલુકાના આડેસર અને આસપાસના ગામોમાં મોડી સાંજે મેઘરાજાની ધમાકેદાર ઈનીંગથી  ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી હતી. સાંજે 6.30 વાગ્યા બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો. અંદાજે એક કલાક સુધી પવન અને વીજળીના  કડાકા ભડાકા સાથે  વરસાદ પડતા ગામના વિવિધ વિસ્તારોમાં જોશભેર પાણી વહી નીકળ્યા હતાં. અત્યાર સુધીમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હોવાનું ગ્રામજનોએ આનંદ સાથે જણાવ્યું હતું. અગાઉ વરસાદમાં ઝાપટા પડયા હતા. જેથી તળાવોમાં કે ખેતરોની તલાવડીમાં કયાંય પાણી ભરાયા ન હતાં. પરંતુ આજે સાંજે ધોધમાર હેલી વરસતા તળાવોમાં અને ખેતરોમાં પાણી ભરાયા હોવાનું  લોકોએ જણાવ્યું હતું. આ ઉપરાંત ભીમાસર, લાખાગઢ, ભગેરા, સણવા, મોડા, ટગા, વીજાપર, પંડયાગઢ, પલાંસવા સહીતના ગામોમાં પણ સાંજના અડધો એક કલાક સુધી ઝરમર હેલી વરસી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. આડેસરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા બાળકો આનંદીત થઈ ઉઠયા હતા. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તાર એવા હીંગોરજા વાસમાં  પાણીનો નીકાલ બંધ થઈ  જતા ઘરોમાં પાણી ભરાયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. જો કે પાણી નીકાલ માટે તુરંત કામગીરી કરાઈ હતી.  8 વાગ્યા બાદ ફરી ઝરમર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. આડેસરમાં અંદાજે અડધાથી પોણો ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. દરમ્યાન પવન સાથે ધોધમાર પડેલા વરસાદના પગલે  ગ્રામપંચાયત દ્વારા ગ્રામજનોને તકેદારીના પગલા રાખવા અને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સુચના આપતા વોઈસ મેસેજ કરાયા હોવાનું સરપંચ ભગાભાઈ આહીરે જણાવ્યું હતુ. દરમ્યાન રાપરમાં આજે બપોરના અરસામાં ઝાપટા પડયા બાદ  આખો દિવસ સુર્યપ્રકાશીત વાતાવરણ રહ્યું હતું. સાંજે  વીજળીની ગાજવીજ બાદ 8.30 વાગ્યાના અરસામાં 10 મીનીટ સુધી પવન સાથે ઝાપટું વરસ્યું હતું. ઝાપટાંના કારણે રાત્રીના માર્ગો ઉપર પાણી વહી નીકળ્યા હતા. જો કે રાત્રીના વરસાદી માહોલ બરકરાર રહ્યો હતો.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer