ગાંધીધામમાં ખાલી ઠેકો જ ઠેકેદારનો, વાહનો, કર્મચારી બધું જ પાલિકાનું હોય !

ગાંધીધામમાં ખાલી ઠેકો જ ઠેકેદારનો, વાહનો, કર્મચારી બધું જ પાલિકાનું હોય !
ગાંધીધામ, તા. 14 : અહીંની નગરપાલિકા ભ્રષ્ટાચારમાં ખદબદતી હોવાના અગાઉ અનેક વખત આક્ષેપ થયા છ, જેના કોઈ જ જવાબ પાલિકા પાસે નથી. અહીંની પાલિકાએ લગભગ તમામ કામ ઠેકા ઉપર આપી દીધા છે છતાં પણ આવા ઠેકાવાળી જગ્યા ઉપર પાલિકાના કર્મીઓ અને વાહનો જ કામ કરતા હોવાનું પણ બહાર આવ્યું છે. શહેરના ટાગોર રોડ નજીક પાલિકાના બે ટ્રેક્ટરો કચરો નાખવા જતાં તેમને પકડી પાડવામાં આવ્યા હતા. તેમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કર્યા વગર જવા દેવામાં આવ્યા હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. `અ' વર્ગમાં આવતી અહીંની પાલિકાએ લગભગ તમામ કામ ઠેકેદારોને સોંપી દીધા છે, જેમાંથી અમુક જ ઠેકેદારો નીતિમતા બતાવી પોતાના કામદારો રાખી પોતાના વાહનોનો ઉપયોગ કરતા હોય છે. બાકીના અમુક ઠેકેદારોના કામ પણ નગરપાલિકાના હંગામી કર્મીઓ જ કરતા હોય છે તેવા આક્ષેપ થતા હોય છે. ઉલ્લેખનીય છે કે, આવા ઠેકા નગરસેવકોના સંબંધિતોને જ આપવામાં આવે છે. જો પાલિકાનો હંગામી કર્મી કામ કરવાની ના પાડે તો બીજા દિવસે તેને ઘરે બેસાડી દેવાતો હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આવા કર્મચારીઓની સાથોસાથ ઠેકેદારો વાહનો પણ પાલિકાના જ વાપરતા હોય છે. કામ પાલિકાનું, માણસો પાલિકાના, વાહનો પાલિકાના અને નામ ઠેકેદારનું તથા મલાઈ ઠેકેદારની તેવી અણિયાળી ટીખળ પણ પાલિકામા સાંભળવા મળતી હોય છે. આદિપુર, ગાંધીધામમાં પાણીના ટ્રેક્ટર (ટેન્કર) પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નગરસેવકોના જ ચાલતા હોવાનો હોબાળો મચ્યો હતો. આવા નગરસેવકો પાણીના ટેન્કર પહોંચાડવા પણ પોતાની મનમાની કરતા હોવાનો ગણગણાટ ખુદ નગરસેવકોમાં સાંભળવા મળે છે. આદિપુરમાં ટાગોર રોડની નજીક આવેલો એક બગીચો ઠેકેદારને આપવામાં આવ્યો છ, જેમાં પાલિકાના માણસો કામ કરતા હોવાનું અને વાહનો પાલિકાના ઉપયોગમાં લેવાતા હોવાનું સામે આવ્યું હતું. આ મોટા બગીચામાંથી આજે સવારે પાલિકાના બે ટ્રેક્ટરોમાં સૂકું, ભીનું ઘાસ ચડાવવામાં આવ્યું હતું. આ બંને ટ્રેક્ટરચાલકો વાહનો લઈ ટાગોર રોડ નજીક ડી.પી.ટી.ની જગ્યામાં ખાલી કરવા ગયા હતા. તેમણે કચરો, મલબો ખાલી કરી નાખ્યો હતો તેવામાં પાલિકાના અમુક ઉપરી અધિકારીઓ પહોંચી આવ્યા હતા અને બંનેને પકડી પાડયા હતા. બાદમાં આ કચરો પરત વાહનોમાં ભરાવવામાં આવ્યો હતો. આ અંગે ઉપરી અધિકારીઓએ મુખ્ય અધિકારીનું ધ્યાન પણ દોર્યું હતું ને તેમને જાણ પણ કરાઈ હતી, પરંતુ ઠેકેદાર હસ્તકના આ બગીચામાં કામ કરનારા તથા જાહેરમાં કચરો ફેંકનારા આ કર્મીઓ સામે હાલમાં કોઈ જ પગલાં લેવાયાં નહોતાં, તો બીજી બાજુ ઠેકેદાર તો આબાદ સરકી ગયા હતા. અગાઉ આ ટાગોર રોડ નજીક અમુક લોકોએ કચરો ઠાલવ્યો હતો ત્યારે પાલિકાએ આવા લોકોને રૂા. 1000નો દંડ ફટકાર્યો હતો. ત્યારે પોતાના જ કર્મીઓ સામે કોઈ પગલાં ન લેવાતાં ભારે ચકચાર પ્રસરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer