થાન જાગીરમાં યોજાશે ખડગ અનુષ્ઠાન

થાન જાગીરમાં યોજાશે ખડગ અનુષ્ઠાન
મોટી વિરાણી, તા. 14 : નખત્રાણા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ સિદ્ધ ધોરમનાથદાદાની તપોભૂમિ ધીણોધર ડુંગરની પૂર્વ તળેટીમાં નાથ સંપ્રદાય પરંપરાનું ધર્મસ્થાનક પ્રાચીન થાન જાગીર નગરીમાં આશ્વિન નવરાત્રિ દરમ્યાન આશાપુરા માતાજીના મંદિરે પરંપરાગત યોજાતા ખડગ તપશ્ચર્યા અનુષ્ઠાન આ વર્ષે યોજાશે તેવો નિર્ણય લેવાયો હતો. થાન જાગીરમાં પીર યોગી સોમનાથજીની અધ્યક્ષતામાં ધીણોધર શિખર ઉપરના મહંત મહેશનાથજીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં સાધુ સંતો, પાંચાડાના અગ્રણીઓ, ભાવિકોને ખડગ અનુષ્ઠાન સંદર્ભે સોમનાથજીએ નિર્ણયની જાણ કરતા જણાવ્યું હતું જે અનુસંધાને સાધુસંતો, ભાવિકોએ ધર્મકાર્યને આવકારી આયોજનમાં સંમતિ આપતા તે અંગે ઠરાવ કરવામાં આવ્યો હતો. 1961થી 1975 બાર વર્ષ સુધી પીર યોગી સોમનાથજી દાદા દ્વારા ખડગ અનુષ્ઠાનની અલભ્ય નવરાત્રિના નવ દિવસ સુધી નિર્જલ મૌન એક જ આસને આકરી તપશ્ચર્યાનો સંકલ્પ મુજબ સંપન્ન કરાયા બાદ ગત વર્ષે 1976ની નવરાત્રિમાં કોરોના મહામારીના કારણે કાર્યક્રમ મોકૂફ રખાયા બાદ આગામી નવરાત્રિના યોગી સોમનાથજીના શિષ્ય યોગી મોજનાથજી સૌપ્રથમ ખડગ આસન પર આકરી તપશ્ચર્યા આદરશે. આ નિર્ણયને ઉપસ્થિત સંતો, અગ્રણી, ભાવિકોએ વધાવી લઈ કાર્યક્રમમાં તન, મન, ધનથી સહયોગ આપવા તૈયારી બતાવી હતી. બેઠકમાં સંતો જ્યોતિનાથજી, હરિદાસજી, શિવનાથજી, પૂનમનાથજી, અગ્રણીઓ ખાનજી જાડેજા, હાજાભાઈ રબારી, રબારી વેરશીભાઈ, મહેન્દ્રસિંહ સોઢા, દેવાભાઈ રબારી, દલપતસિંહ સોઢા સહિત ચંદ્રનગર, ખારડિયા, ગોધિયાર, બિબ્બર, દેવીસર, હીરાપર, વંગ વગેરે ગામોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરંભમા ભવાનીસિંહ સોઢાએ સ્વાગત પ્રવચન કરતા સાથે જણાવ્યું હતું કે, ખડગ અનુષ્ઠાન દરમ્યાન કોરોનાના નિયમોમાં છૂટછાટ નહીં હોય તો સરકારના નિયમોને આધિન રહી કાર્યક્રમ યોજાશે. આભારવિધિ શુરસિંહ સોઢાએ કરી હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer