મેઘાની મહેરબાનીએ સર્જ્યો કુદરતી કરિશ્મા

મેઘાની મહેરબાનીએ સર્જ્યો કુદરતી કરિશ્મા
નિરોણા (તા. નખત્રાણા), તા. 14 : કચ્છ ધરા પર મેઘરાજા મહેરબાન થાય તો અનેક કૌતુક રૂપ કરિશ્માનું સર્જન પણ થાય છે. ડુંગરોની કોતરો પરથી ખળ-ખળ વહેતાં પાલર પાણી ધોધરૂપ નીચે પડે ત્યારે એ પાલર પાણીના રંગ જેવી ફીણની જમાવટ તો ઘણાએ જોઇ હશે પરંતુ ધોધરૂપે નહીં માત્ર પાપડીના પાઇપમાંથી વહેતાં પાલર પાણીમાં કપાસ જેવાં સફેદ રંગનાં ફીણનો ગંજ અજીબો ગરીબ નજારો ખડો કરે ત્યારે ક્ષણભર એ કુદરતી દ્રશ્યને માણવાનું મન જરૂર થાય.આજે સવારે નખત્રાણા તાલુકાના દેવીસરથી માંડી વિરાણી મોટી, નખત્રાણા સુધીના પટ્ટામાં ઇંચ-સવા ઇંચ જેવો વરસાદ પડયો. જેને લઇ દેવીસરથી વિરાણી સુધીના દક્ષિણે ડુંગરાળ પંથકમાંથી પાલર પાણી રસ્તા વચ્ચેની પાપડી કે પુલ આ નીચેથી વહી રહ્યો હતા. વિરાણી મોટી ગામની નજીક પૂર્વે ગંગાજી વહે છે. એ ગંગાજી નજીક રસ્તા પરથી નીકળતાં વોકળા પર હાલમાં જ પુલીયો બન્યો છે. જેની નેચેના પાઇપોમાંથી વરસાદી પાલર પાણી વહી રહ્યાં હતાં. ત્યારે એ પાઇપના મુખ આગળ લાલ-પીળા કલરના બદલે સફેદ રંગની ફીણનો મોટો જમાવડો જોવા મળ્યો હતો. કુદરતી નિયમ પ્રમાણે પાણીના પ્રવાહ આગળ એકત્ર થતી ફીણ પાણી વહેણ સાથે વહી જવી જોઇએ. પરંતુ અહીં તો શ્વેતફીણ જમા થઇ મોટો ગંજ ખડકાયો હતો. ફીણની ઊંચે ચડયાં પછી વા'તા પવનની લહેરમાં ફીણના ગંજમાંથી ફીણોટાના મોટા ગોટા હવા લહેરાઇ આકાશ ભણી ઉડતા જોઇ રોડ પરથી માણવા થંભી ગયાં હતાં. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer