ધરખમ માથાંઓ પર બાકાતીની તલવાર વીંઝાશે

અમદાવાદ, તા. 14 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ 16 સપ્ટેમ્બરને ગુરુવારના યોજાશે. રૂપાણી સરકારના તમામ મંત્રીઓનાં રાજીનામાં બાદ નવી સરકારમાં અન્ય 19 મંત્રીઓના શપથવિધિ થવાની શક્યતાઓ છે. શપથવિધિ બાબત રાતે અમિત શાહે દિલ્હી જતાં પહેલાં અમદાવાદ શાહીબાગ સર્કિટ હાઉસમાં ભૂપેન્દ્ર યાદવ સાથે નવા મંત્રીમંડળની રચના અંગે અચાનક જ બેઠક કરી હતી, ગુરુવારના નવા મંત્રીઓની શપથવિધિ યોજાશે. બીજી તરફ, આનંદીબેન પટેલ પણ શનિવારે ઉત્તર પ્રદેશથી ગુજરાત આવવાના છે. નોંધનીય છે કે, મુખ્યપ્રધાનના કાર્યાલયમાં ક્યા સચિવોને રાખવા તે અંગેનો નિર્ણય આનંદીબેન પટેલ આવ્યા બાદ લેવામાં આવે તેવી સંભાવના વર્તાઇ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ગુરુવારે નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનો શપથવિધિ યોજવામાં આવ્યો છે. ત્યારે રૂપાણી સરકારના 22 મંત્રીઓના કદને ઘટાડી 19 મંત્રીઓ શપથ લે તેવી શક્યતાઓ દર્શાવાઇ રહી છે. જેમાં રૂપાણી સરકારના 11 કેબિનેટ મંત્રીઓમાંથી માત્ર દિલીપ ઠાકોર, જયેશ રાદડિયા સહિત સૌરભ પટેલને રિપીટ કરવામાં આવે તેવી શક્યતાઓ છે, જ્યારે રાજ્યકક્ષાના રૂપાણી સરકારના 11માંથી 7ની બાદબાકી કરીને માત્ર 4 મંત્રીને સ્થાન આપવામાં આવી શકે છે. અમદાવાદના અમરાઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલ અથવા વિસનગરના ધારાસભ્ય ઋષીકેશ પટેલને પ્રદીપાસિંહ જાડેજાને બદલે રાજ્યકક્ષાના ગૃહમંત્રી બનાવવામાં આવે તેવી શક્યતાઓ છે. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં બે મહિલાને પણ સ્થાન આપવામાં આવી શકે છે. નવા મંત્રીઓમાં સૌથી વધુ 65 વર્ષથી નીચેની ઉંમરના ધારાસભ્યોને મંત્રીપદ આપવામાં આવે તેવી શક્યતાઓ છે. પૂર્વ કેબિનેટ મંત્રી સૌરભ પટેલને નાણાં ખાતુ સોંપાય તેવી શક્યતાઓ દર્શાવાઇ રહી છે.સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, નવું મંત્રીમંડળ ઘણા નવા ચહેરા અને પ્રયોગોવાળું હશે. હાલ જ્યાં મંત્રીમંડળમાં એક જ મહિલા ધારાસભ્ય છે. ભાજપની સરકાર સામે શાસક વિરોધી લહેર છે, તેને ખાળવા માટે જ ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી બની જાય એવા હશે. આ ઉપરાંત સ્વાભાવિકપણે જ જ્ઞાતિ અને પ્રદેશનું સંતુલન જાળવવાનો ભરપૂર પ્રયાસ કરાશે.સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી મુજબ નવા મંત્રીમંડળમાં ઝોનવાઇઝ જોતાં ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાંથી દિલીપ ઠાકોર, અમદાવાદમાંથી જગદીશ પટેલ, વિસનગરમાંથી ઋષીકેશ પટેલ, ડીસામાંથી શશિકાંત પંડ્યા અને પ્રાંતિજમાંથી ગજેન્દ્રાસિંહ ચૌહાણનો સમાવેશ થાય તેવી શક્યતા છે. મધ્ય ગુજરાતમાંથી વડોદરાના રાવપુરાના રાજેન્દ્ર ત્રિવેદી, હાલોલમાંથી જયદ્રથાસિંહ પરમાર, દેવગઢ બારિયામાંથી બચુભાઇ ખાબડ, ખંભાતમાંથી મયૂર રાવલ, નડીયાદમાંથી પંકજ દેસાઇનો સમાવેશ થાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનમાં ભુજમાંથી ડો. નીમાબેન આચાર્ય, ભાવનગરમાંથી જીતુભાઇ વાઘાણી, જેતપુરમાંથી જયેશ રાદડિયા, બોટાદના સૌરભ પટેલ, ભાવનગર જિલ્લામાંથી પરષોત્તમ સોલંકી, જામનગર જિલ્લામાંથી હકુભા જાડેજા ઉપરાંત જૂનાગઢ જિલ્લામાંથી જવાહર ચાવડાની પસંદગી થાય તેવી ધારણા છે. દક્ષિણ ગુજરાતમાંથી ભરૂચના દુષ્યંત પટેલ,  બારડોલીના ઇશ્વર પરમાર, સુરતમાંથી હર્ષ સંઘવી, ડાગમાંથી વિજય પટેલની પસંદગી થાય તેવી શક્યતા છે. જ્યારે પૂર્વ કેબિનેટ પ્રધાન ગણપત વસાવાને અધ્યક્ષપદનું સ્થાન સોંપાય તેવી સંભાવના છે. વિજય રૂપાણીની સરકારના સિનિયર મંત્રીઓ કૌશિક પટેલ, નીતિન પટેલ, આર.સી. ફળદુ, કુંવરજી બાવળિયા, ભૂપેન્દ્રાસિંહ ચૂડાસમા તેમજ ઇશ્વર પરમાર, યોગેશ પટેલ, કુમાર કાનાણી, પ્રદીપ સિંહ જાડેજા, ઇશ્વર પટેલ, વાસણભાઇ આહીર, વિભાવરી દવે અને રમણ પાટકરને પડતા મુકાય તેવી શક્યતાઓ છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer