બીજી ઓક્ટોબર સુધી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવે તો નાછૂટકે આંદોલન

ભુજ, તા. 14 : જિલ્લા પંચાયત હસ્તકના ચોથા વર્ગના કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતાં આગામી બીજી ઓક્ટોબરથી નાછૂટકે આંદોલન કરવાનીચીમકી કર્મચારીમંડળ દ્વારા આપવામાં આવી છે.ગત જાન્યુઆરીમાં જિલ્લા વિકાસ અધિકારી સાથે જિલ્લા પંચાયત ચોથા વર્ગ કર્મચારી મંડળના હોદ્દેદારોની બે વખત બેઠક યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત તમામ અધિકારીઓને મંડળના પ્રશ્નોના નિરાકરણ માટે અમલવારી કરવા સૂચના અપાઈ હોવા છતાં આજ દિન સુધી તેનો ઉકેલ ન આવતાં મંગળવારે ફરી જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા તથા પ્રમુખ પારૂલબેન કારાને પત્ર પાઠવી આગામી બીજી ઓક્ટોબર સુધી નિરાકરણ લાવવા અન્યથા આંદોલનાત્મક કાર્યક્રમો યોજવાની ચીમકી અપાઈ હતી.આ રજૂઆતમાં કર્મચારીઓના ઉચ્ચ પગારધોરણના સ્ટીકરમાં વિલંબ, કોરોના દરમ્યાન કપરી કામગીરી બજાવનારા કર્મચારીઓને `મુખ્યમંત્રી કોરોના વોરિયર્સ સન્માન યોજના'નો લાભ ન મળવો, છેલ્લા બે-ત્રણ વર્ષથી સિનિયોરિટી લિસ્ટ બહાર ન પડવું, સર્વિસ બુકમાં નોંધ ન થતાં કર્મચારીઓને નિવૃત્તિ વખતે પડતી મુશ્કેલી, ડીડીઓની સૂચના છતાં ડુપ્લિકેટ સર્વિસ બુક ન બનાવવી, કર્મચારીઓને ગણવેશ ન મળવા સહિતના અનેક પડતર પ્રશ્નોની સત્તા સ્થાનિકે હોવા છતાં ઉકેલ લાવવામાં અધિકારીઓ વિલંબ કરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.આ પ્રશ્નો નહીં ઉકેલાય તો મંડળ દ્વારા નાછૂટકે ઘંટનાદ, ધરણા, કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવી સહિતના કાર્યક્રમો અપાશે તેવું પ્રમુખ બિપિન ગોર, મંત્રી હરદેવસિંહ જાડેજા, ઉપપ્રમુખ સંજય રાઠોડ, વીણાબેન ઢાલવાણી અને કીર્તિ પરમારની યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer