બેનમૂન ધોળાવીરા હવે વિશ્વની ધરોહર

બેનમૂન ધોળાવીરા હવે વિશ્વની ધરોહર
કચ્છના પ્રવાસનનો સૂરજ સોળે કળાએ ખીલશે - નવી દિલ્હી/ભુજ, તા. 27 : કચ્છના ખડીર બેટમાં પ000 વર્ષ પૂર્વેના હડપ્પીય સંસ્કૃતિના અવશેષો સાચવીને બેઠેલા અપ્રતીમ ધોળાવીરાને આજે યુનેસ્કોની હેરિટેજ સૂચિમાં સામેલ થવાનું ગૈરવ પ્રાપ્ત થતાં આ સ્થળની વૈશ્વિક ઓળખ ઓર મજબૂત થશે. વિશ્વ ધરોહર સમિતિના 44મા સત્રમાં ધોળાવીરાને વિશ્વ વિરાસત સ્થળની સૂચિમાં સામેલ કરી લેવાયું હોવાની જાહેરાત યુનેસ્કોએ એક ટ્વિટમાં કરી હતી. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ થનારું ધોળાવીરા ગુજરાતનું ચોથું અને દેશનું 40મું સ્થળ બન્યું છે. કચ્છ સહિત દેશ માટે આનંદદાયક આ ઘટનાક્રમને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ ખબર સાંભળીને ખુશ થયો છું. ધોળાવીરા એક મહત્વપૂર્ણ શહેરી કેન્દ્ર હતું. તે ભૂતકાળ સાથે આપણા સૈથી મહત્વના સંબંધો પૈકીનું એક છે અને ઈતિહાસ,સંસ્કૃતિ અને પુરાતત્વમાં રસ ધરાવનારાઓ માટે તે એક અનિવાર્ય યાત્રા સમાન છે. યુનેસ્કોએ ટ્વિટ કર્યું હતું કે ભારતનું હડપ્પીય શહેર ધોળાવીરા યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરાયું છે. અભિનંદન. કેન્દ્ર સરકારે ગયા વર્ષે જ ધોળાવીરાને વિશ્વ વિરાસત સ્થળમાં સામેલ કરવા માટે યુનેસ્કોને જરૂરી ડોઝિયર મોકલ્યું હતું તો યુનેસ્કોની ટીમે પણ થોડા સમય પહેલા ધોળાવીરામાં નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અગાઉ પાવાગઢનું ચાંપાનેર,પાટણની રાણીની વાવ અને ઐતિહાસિક અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વિટ કરીને આ ગૈરવશાળી હેવાલ આપ્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે, હું મારા વિદ્યાર્થીકાળમાં પહેલીવાર ધોળાવીરા ગયો હતો. એ સ્થળથી મંત્રમુગ્ધ થઈ ગયો હતો. ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં મને ધોળાવીરામાં હેરિટેજ સંરક્ષણ અને જીર્ણોદ્ધાર અંગેના પાસાઓ પર કામ કરવાની તક મળી હતી. દરમ્યાન, અમદાવાદથી પ્રતિનિધિના હેવાલ મુજબ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ ઘટનાને સમગ્ર ગુજરાત માટે ગૌરવવંતી ક્ષણ ગણાવતાં કહ્યું છે કે, ભારતની પ્રાચીન વિરાસત અને સંસ્કૃતિને વિશ્વ ફલક પર ઊજાગર કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાની ફલશ્રુતિ રૂપે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે કચ્છના ખડીર રણ વિસ્તારમાં વસેલું ધોળાવીરા આશરે 4500 વર્ષ પૂરાણી શ્રેષ્ઠ નગર રચનાનું એક આગવું દ્રષ્ટાંત છે. આ પ્રાચીન નગરના મકાનો, ઇમારતો અને સ્ટ્રકચરનું નિર્માણ તે સમયે મોહેજો દરો અને હડપ્પાની જેમ જ ઇંટ નહિ પરંતુ પથ્થરોથી કરવામાં આવેલું હતું. આ નગરમાં ભૂગર્ભ ગટર અને જળસંચય, જળસંરક્ષણની પણ સુઆયોજીત અને સક્ષમ વ્યવસ્થાઓ તત્કાલિન સમયે વિકસાવવામાં આવેલી હતી જે આજે પણ ઉદાહરણ રૂપ છે.  ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ થતાં ગુજરાતને ચાર-ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટસ ધરાવતા રાજ્યનું પણ ગૌરવ મળ્યું છે. આ અગાઉ ર004માં ચાંપાનેરને, ર014માં રાણકી વાવને, ર017માં અમદાવાદને વિશ્વના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીની ગૌરવ સિદ્ધિ મળેલી છે. હવે, ર0ર1માં યુનેસ્કોએ કચ્છના ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સમાવેશ કરીને વિશ્વ વિરાસત નકશામાં ગુજરાતને વધુ એકવાર ચમકવાની સિદ્ધિ આપી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer