વાગડ અને પ્રાંથળનો વિકાસ વેગવાન બનશે

વાગડ અને પ્રાંથળનો વિકાસ વેગવાન બનશે
ઉદય અંતાણી દ્વારા -  રાપર, તા. 27 : હડપ્પન સંસ્કૃતિના પ000 વર્ષ જુના અવશેષ સચવાયેલા છે તે ભચાઉ તાલુકાના ધોળાવીરાને આજે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરાતા વિશ્વની 40 ઐતિહાસિક ધરોહર પૈકી એક ધોળાવીરા સાઈટ કચ્છની પ્રથમ સાઈટ બની છે. આ નિર્ણયથી પ્રાંથળ અને વાગડ વિસ્તારમાં હર્ષની લાગણી પ્રસરી છે. આ વિસ્તારના આગેવાનોએ  આ જાહેરાતને ઉમળકાભેર આવકારી છેવાડે રહેલા રાપર તાલુકાને વૈશ્વિક ઓળખ મળશે તેવી લાગણી વ્યકત કરી હતી. - મોં મીઠું કરો.... : ધોળાવીરાના સરપંચ જીલુભા સોઢાએ આ જાહેરાતને ઉમળકાભેર આવકારતા તેમણે  રાહતકામ  દરમ્યાન મળેલા શીલથી વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર થઈ ત્યાર સુધીની સફરની વાત  હર્ષ સાથે કરી હતી. તેમણે  આજે ગામમાં ખુશીનો માહોલ હોવાનું અને સૌએ મીઠું મેં કરીને આનંદની લાગણી વ્યકત કરી હોવાનું જણાવ્યું હતું. 1971માં દુકાળના સમયમાં અછતના કામ દરમ્યાન મસ્ટર કલાર્ક શંભુદાન ગઢવીને એક શીલ મળ્યું હતું. જે ધોળાવીરાના તે સમયના સરપંચ વેલુભા સોઢા ભુજ લઈ ગયા અને કચ્છ મ્યુઝીયમના કયુરેટરને આપ્યું અને ત્યાંથી સાઈટનો ઉદભવ થયો  હોવાનું જણાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી આ સાઈટ વિકાસ ઝંખતી હતી. હવે  વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર થતા અહીં આવવા માટે રસ્તા સારા બનશે. ઘડુલી સાંતલપુર માર્ગનું કામ ઝડપી બનશે. તાલુકા મથક ભચાઉ નજીક થાય તે એકલ બાંભણકા માર્ગનું પડતર કામ ત્વરાએ શરૂ થાય, ખડીરના તળાવો ભરવામાં આવે, વીજળીની જટીલ સમસ્યા ઉકેલવા મંજુર થયેલું સબ સ્ટેશન  કાર્યરત કરાય, બેન્કની શાખા, એ.ટી.એમ., પોસ્ટ ઓફીસ સહીતની સુવિધા માટે 100 કીમી રાપર જવું પડે છે તે અહીં જ વિકસાવાય, રેલવે, એરપોર્ટની સુવિધા વિકસાવવાની દિશામાં કામગીરી થાય તેવી લાગણી તેમણે વ્યકત કરી હતી. વાહન વ્યવહારની સુવિધા વધારવી જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું. ધોળાવીરાનો પ્રત્યેક રહેવાસી આનંદિત હોવાનું જણાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છના વહીવટી તંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. - કેન્દ્ર-રાજ્યનો આભાર : રાપરના ધારાસભ્ય સંતોકબેન ભચુભાઈ અરેઠીયાએ ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર થવા બદલ આનંદની લાગણી વ્યકત કરી હતી અને આ માટે કેન્દ્ર અને રાજય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. આ જાહેરાતથી  રાપર તાલુકાના વિકાસને વધુ વેગ મળશે તેવી લાગણી તેમણે વ્યકત કરી હતી. - વાગડ ગૌરવ દિન : રાપરના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પંકજભાઈ મહેતાએ આ આજનો દિવસ વાગડ માટે ગૌરવનો દિવસ હોવાનું જણાવ્યું હતું.  વિશ્વની 40 વર્લ્ડ  હેરિટેજ સાઈટ પૈકી એક સાઈટ કચ્છ અને વાગડની ભૂમિ ઉપર હોય તે આનંદની વાત છે. આ નિર્ણયથી વાગડના વિકાસને વધુ ગતિ મળશે તેવું તેમણે જણાવ્યું હતું. તેમણે કેન્દ્ર અને રાજય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. - રેલવે સેવા મળશે : બેલાના વતની અને રાડાના પૂર્વ ચેરમેન કેશુભા વાઘેલાએ આનંદની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે આ જાહેરાતથી ધોળાવીરાની સાથોસાથ  રાપર તાલુકાનો પણ વિકાસ થશે અને રેલવે અને વિમાની સેવા સહીતની સગવડતાથી આ તાલુકો જોડાશે તેવું જણાવ્યું હતું. - પ્રાંથળમાં આનંદ : બાલાસરના સરપંચ દાનાભાઈએ આ નિર્ણયથી  ખુશી વ્યકત કરતા જણાવ્યું હતું કે આ જાહેરાતથી  પ્રાંથળના હેડકવાર્ટર સમા બાલાસરના વિકાસને વેગ મળશે અને પ્રવાસીઓની અવરજવર વધવાથી ધંધા રોજગારમાં સારો વધારો થશે. તમામ સ્તરે આ વિસ્તારનો વિકાસ થશે તેવું કહ્યું હતું. - જે જોઈતું હતું ઇ મળ્યું : જાટાવાડાના સમરથસિંહે જણાવ્યું હતું કે પ્રાંથળને જે જોઈતું હતું તે મળી ગયું. આ થકી આ વિસ્તારમાં સારી માળખાકીય સુવિધા વધશે. હવે નર્મદાનાં નીર અહીં પહોંચી આવે  એટલે તમામ માંગ પુરી થઈ જશે તેવું કહ્યંy હતું. - સોનાનો સૂરજ ઉગ્યો : બાલાસર સેવા સહકારી મંડળીના મંત્રી જયેન્દ્રસિંહ ખોડુભાએ જણાવ્યું હતું કે ધોળાવીરા વર્લ્ડ હેરિટેજ સાઈટ બનતા  બાલાસરનો વિકાસ અને પ્રાંથળનો વિકાસ સારો થશે. પ્રાંથળ માટે આ જાહેરાતથી સોનાનો સુરજ ઉગશે. પ્રવાસીઓની અવરજવરથી ધંધા રોજગારનો સારો વિકાસ થશે તેવું ઉમેર્યું હતું. - બાલાસર ચમકશે : કુંભા મહારાજે રાપર તાલુકાનું બાલાસર ભચાઉ તાલુકાના સામખિયાળીની જેમ મહત્વનું મથક બનશે તેવી લાગણી વ્યકત કરી હતી. પ્રાંથળમાં વિકાસ ઝડપી બનશે અને પ્રાંથળના સરહદી ગામોને નવી ઓળખ મળશે તેવું તેમણે જણાવ્યું હતું. - કચ્છના માથે વધુ એક યશકલગી : સાંસદ કચ્છના ખડીર બેટ પર આવેલા વિશ્વપ્રસિદ્ધ સિંધુ સરસ્વતી સભ્યતાના મહત્ત્વપૂર્ણ શહેર ધોળાવીરા દેશનું 39મું વિશ્વ વિરાસત શહેર બન્યું છે. ત્યારે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ ભારત સરકારનો આભાર માની કચ્છીઓને અભિનંદન આપી ઉમેર્યું કે, ભારત સરકારે ગત વર્ષે ધોળાવીરાને યુનેસ્કોને વર્લ્ડ હેરિટેજ સાઈટ માટે સામેલ કરવા ડોઝિયર મોકલ્યું હતું. ત્યારબાદ યુનેસ્કોની ટીમે ધોળાવીરા સાઈટનું નિરીક્ષણ કર્યું અને આજે ધોળાવીરાને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. આમ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય સંસ્કૃતિને વિશ્વ ફલક પર ઉજાગર કરી કચ્છના માથે વધુ એક યશકલગી ઉમેરી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer