ભુજમાં બેકાબૂ બનેલી કારે જીવલેણ અકસ્માત સર્જવા સાથે મારી ગુલાંટી

ભુજમાં બેકાબૂ બનેલી કારે જીવલેણ અકસ્માત સર્જવા સાથે મારી ગુલાંટી
ભુજ, તા. 27 : શહેરમાં મુંદરા રોડ ઉપર પૂરપાટ જઇ રહેલી કાર બેકાબૂ બનવા સાથે ડિવાઈડર કૂદી બાઇક સાથે અથડાયા પછી ઊથલી પડતાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા બાઇકના ચાલક લક્ષ્મણભાઈ તેજા દાફડા (ઉ.વ. 68)એ જીવ ગુમાવ્યો હતો. રાત્રે આઇયાનગર નજીક બનેલી આ ઘટનામાં ડિવાઈડર કૂદીને આવેલી કારની ટક્કર લાગતાં ફંગોળાઇ જવા સાથે ગંભીર રીતે ઘવાયેલા બાઇકના ચાલક એવા ભુજમાં સાગર સિટી ખાતે રહેતા લક્ષ્મણભાઈને  સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં થોડી સારવાર બાદ તેમણે દમ તોડયો હતો. બનાવની જાણ થતાં પોલીસ સ્થાનિકે અને હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી. ફંગોળાઇ ગયેલી બાઇક અને ઊંધી વળેલી કારને જોવા લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં. બનાવ બાબતે ગુનો દાખલ કરવા સહિતની આગળની કાયદાકીય કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી. મરનાર ભુજમાં રાવલવાડી રઘુવંશી ચાકડી ખાતે એક્યુપ્રેશર ઉપચાર કેન્દ્ર સાથે સંકળાયેલા હતા. આજે કામ પૂર્ણ કરીને તેઓ ઘરે જવા નકળ્યા ત્યારે તેમને આ અકસ્માત નડયો હતો. અકસ્માત સર્જનારી કાર ડિવાઈડર કૂદ્યા બાદ અન્ય કાર સાથે અથડાયા પછી બાઈકમાં ભટકાઈ હતી. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer