મોદીને મળ્યા બાદ દીદીએ ઉઠાવ્યો જાસૂસીનો મુદ્દો

આનંદ કે. વ્યાસ તરફથી - નવી દિલ્હી, તા. 27 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પેગાસસ સ્પાયવૅરના માધ્યમથી કથિત જાસૂસી કાંડની સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ થવી જરૂરી છે. તાજેતરમાં બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ વચ્ચે આક્રમક પ્રચાર યુદ્ધ બાદ પોતાની સત્તા જાળવી રાખનારા મમતા દીદી આજે દિલ્હી આવીને પહેલીવાર વડાપ્રધાનને ઘરે જઇને મળ્યા હતા.બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં દીદીએ કહ્યું હતું કે પેગાસસ જાસૂસી કાંડની સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસ જરૂરી છે કેમ કે ઇઝરાયલી કંપનીનું પેગાસસ સ્પાયવૅર માત્ર કોઇ પણ દેશની સરકાર જ ખરીદી શકે છે અને ભારતના કેટલાક વિપક્ષી નેતાઓ, બે કેન્દ્રીય પ્રધાનો તેમ જ 40 જેટલા પત્રકારો આ જાસૂસી કાંડના શિકારની યાદીમાં છે. મમતા દીદીના ભત્રીજા અભિષેક બેનરજી અને બંગાળના અન્ય કેટલાક નેતાઓના નામ પણ આ યાદીમાં છે. પહેલીવાર પેગાસસ મામલે દીદીએ ગઇ કાલે સુપ્રીમ કોર્ટ અને હાઇ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોની સમિતિ બનાવીને તપાસના આદેશ આપ્યા હતા.વડાપ્રધાન સાથેની બેઠક સંબંધે દીદીએ કહ્યું હતું કે આ એક શુભેચ્છા મુલાકાત હતી. વડાપ્રધાન સાથે કોરોનાની પરિસ્થિતિ, બંગાળને વૅક્સિન અને દવાની સપ્લાય વિષયક વાતચીત કરવા ઉપરાંત બંગાળનું નામ બાંગલા કરવાનો પ્રસ્તાવ પણ સુપરત કર્યો હતો. જો કે વડાપ્રધાને શું કહ્યું એ વાત હું કહેવાની નથી.દીદીએ કહ્યું હતું કે મારી ઇચ્છા તો રાષ્ટ્રપતિને મળવાની પણ હતી, પરંતુ મેં રસીના બંને ડૉઝ લીધા હોવા છતાં તેમને મળતા પહેલાં મને આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનું જણાવાયું, આ ટેસ્ટ માટે હું દિલ્હીમાં ક્યાં જાઉં? ચાર દિવસની દિલ્હી મુલાકાતે આવેલા મમતા દીદી વિપક્ષના લગભગ તમામ નેતાઓને મળવાના છે. આવતી કાલે દીદીને કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીનું નિમંત્રણ છે. ગુરૂવારે દીદી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને મળશે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે પણ દીદીની મુલાકાત થશે. દીદીએ પત્રકારોને જણાવ્યું હતું કે હું જાવેદ અખ્તર અને શબાના આઝમીને પણ મળીશ. તાજેતરમાં બંગાળની ચૂંટણીમાં ભાજપ સામે ઝળહળતા વિજય સાથે મમતા દીદી રાષ્ટ્રીય સ્તરે વિપક્ષના મોટા ગજાના નેતા તરીકે જાણીતા થયા છે. વર્ષ 2024માં લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટક્કર આપવા વિપક્ષી મોરચાની સંભવિત ચર્ચામાં દીદી એક મહત્ત્વની ભૂમિકા ભજવશે એવી અટકળો ચાલી રહી છે. દીદી સંસદસભ્ય ન હોવા છતાં ગયા અઠવાડિયે સંસદમાં તૃણમૂલ કૉંગ્રેસના સંસદીય દળના નેતા તરીકે તેમની વરણી કરાઇ હતી એ દર્શાવે છે કે તેઓ હવે બંગાળની બહાર રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની ભૂમિકા માટે સજ્જ થઇ રહ્યાં છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer