લવલીનાનો વિજયી મુક્કો: ચંદ્રકથી એક જીત દૂર

ટોક્યો, તા.27: ટોક્યો ઓલિમ્પિકમાં મંગળવારના દિવસે ભારતની જોળીમાં કોઈ ચંદ્રક આવ્યો ન હતો પણ 23 વર્ષીય મહિલા મુક્કેબાજ લવલીનાએ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચીને ચંદ્રકની આશા બનાવી છે. નિશાનેબાજોનું નિરાશાજનક પ્રદર્શન આજે પણ યથાવત્ રહ્યંy હતું. શૂટિંગમાં ભારતને ઓછામાં ઓછા ચાર મેડલની આશા હતી પણ આપણા નિશાનેબાજો નિશાન ચૂકી રહ્યા છે. ટેબલ ટેનિસમાં પણ ભારતના પડકારનો અંત આવ્યો છે. અનુભવી અચંતા શરથ કમલની રિયોના ગોલ્ડ મેડલિસ્ટ ચીની ખેલાડી સામે ત્રીજા રાઉન્ડમાં હાર થઈ હતી. બીજી તરફ પુરુષ હોકી ટીમે ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ આજે સફળ વાપસી કરીને સ્પેન વિરુદ્ધ 3-0થી જોરદાર જીત મેળવીને ક્વાર્ટર ફાઇનલ ભણી આગેકૂચ કરી છે. ટેનિસમાં મિક્સ્ડ ડબલ્સમાં ભારતીય જોડી સાનિયા મિર્ઝા અને સુમિત નાગલને આજે રેન્કિંગના આધારે જાહેર થયેલા ડ્રોમાં જગ્યા મળી ન હતી. આથી ટેનિસમાં ભારતની ચુનૌતીનો નિરાશા સાથે અંત આવ્યો છે.લવલીના જર્મન મુક્કેબાજને પછાડી કવાર્ટરમાં રસાકસી બાદ 3-2થી વિજય 23 વર્ષીય લવલીના બોરગોહેને 69 કિલો વર્ગના અંતિમ-16ના રાઉન્ડમાં પોતાનાથી 12 વર્ષ મોટી જર્મનીની બોકસર નેદિન અપેટને 3-2 પોઇન્ટના અંતરથી પછાડી હતી. લવલીનાને પાંચ જજની પેનલે ક્રમશ: 28, 29, 30, 30 અને 27 પોઇન્ટ આપ્યા હતા જ્યારે જર્મની મુક્કેબાજ નેદિમને 29, 28, 27, 27 અને 30 પોઇન્ટ મળ્યા હતા. લવલીના અને નેદિમ વચ્ચેનો મુકાબલો છેલ્લે સુધી રસાકસીભર્યો રહ્યો હતો. દબાણભર્યા આ મુકાબલામાં લવલીનાએ શાનદાર જુસ્સો બતાવીને જીત મેળવી હતી. લવલીનાની ક્વાર્ટર ફાઇનલમાં શુક્રવારે તાઇવાનની મુક્કેબાજ નીન ચેન ચેન વિરુદ્ધ ટક્કર થશે. જે પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન છે અને ટોક્યોમાં તેણીને ચોથો ક્રમ અપાયો છે. ચેન 2019 એશિયન ચેમ્પિયનશિપની રજત ચંદ્રક વિજેતા ખેલાડી છે.તેણીએ પ્રી. કવાર્ટર ફાઇનલમાં ઇટાલીની ખેલાડી એન્જેલા કરીનીને 3-2થી હાર આપી હતી. લવલીના ઓલિમ્પિકમાં પહેલીવાર ભાગ લઈ રહી છે. ચેન સામેનો જંગ જીતવાથી લવલીના સેમિ ફાઇનલમાં પહોંચી જશે. આથી તેના માટે ઓછામાં ઓછો કાંસ્ય ચંદ્રક નિશ્ચિત બની જશે. બોક્સિંગમાં બન્ને સેમી ફાઇનલના હારનાર મુક્કેબાજને કાંસ્ય ચંદ્રક મળે છે.નિશાનેબાજો ફરી નિશાન ચૂક્યા ટોક્યો ઓલિમ્પિકના પાંચમા દિવસે પણ નિશાનેબાજીમાં ભારતને ફટકો પડયો હતો. 10 મીટર એર પિસ્તોલ મિક્સડ ટીમ ઇવેન્ટમાં ભારતની સ્ટાર યુવા જોડી મનુ ભાકર અને સૌરભ ચૌધરી ટોચની ચાર જોડીમાં જગ્યા બનાવી શકી ન હતી. બીજા રાઉન્ડમાં મનુ-સૌરભનો સ્કોર 380 રહ્યો હતો અને સાતમા સ્થાને રહી હતી. આ પહેલા આ ભારતીય જોડીએ ક્વોલીફાઇ રાઉન્ડમાં શાનદાર દેખાવ કરીને ટોચનું સ્થાન મેળવ્યું હતું. ભારતની બીજી જોડી અભિષેક વર્મા-યશસ્વિની દેસવાલ પહેલા રાઉન્ડમાં જ હારીને બહાર થઈ હતી જ્યારે 10 મીટર એર રાયફલની મિક્સ્ડ ઇવેન્ટમાં દિવ્યાંશ પંવાર અને ઇલાવેનિલ વાલારિવન (ગુજરાતની ખેલાડી) ક્વોલીફાઇ રાઉન્ડમાં 12 સ્થાને રહી હતી. અંજુમ મુદગિલ-દીપકકુમારની જોડી 18મા નંબર પર રહી હતી. બેડમિન્ટનમાં સાત્ત્વિક-ચિરાગની પ્રોત્સાહક જીત બેડમિન્ટનમાં ભારતીય જોડી સાત્ત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટી ગ્રુપ એની તેની આખરી મેચમાં શાનદાર દેખાવ કરવામાં સફળ રહ્યા હતા પણ આ જીત છતાં તેમની ટોક્યોની સફર સમાપ્ત થઈ છે. સાત્ત્વિક-ચિરાગે આજે આખરી લીગ મેચમાં બ્રિટનની જોડી બેન લેન અને સીન વેંડીને 21-17 અને 21-19થી હાર આપી હતી. ગ્રુપ રાઉન્ડમાં ભારતીય જોડીની આ બીજી જીત હતી પણ અન્ય એક મેચમાં નંબર વન ઇન્ડોનેશિયાની જોડી સામે ચીની તાઇપેની જોડીનો વિજય થયો હતો. આથી આ બે જોડી ગ્રુપ એમાંથી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. ટેબલ ટેનિસમાં પડકાર સમાપ્ત: શરથ કમલની હાર ટેબલ ટેનિસમાં ભારતના પડકારનો અંત આવ્યો છે. ત્રીજા રાઉન્ડની મેચમાં ભારતના અનુભવી ખેલાડી અચંતા શરથ કમલનો વર્તમાન ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયન ચીની ખેલાડી મા લાંગ વિરુદ્ધ 1-4થી પરાજય થયો હતો. સ્કોર 7-11, 11-8, 11-13, 4-11 અને 4-11 રહ્યો હતો. શરથ કમલ મેચ હારી ગયો હતો પણ તેણે રમતપ્રેમીઓના દિલ જીતી લીધા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer