નાના કપાયામાં કુહાડીથી ભાઇના હાથે ભાઇનું ખૂન

ભુજ, તા. 27 : મુંદરા નગરની ભાગોળે આવેલા નાના કપાયા ગામે પાંચ હજાર રૂપિયા આપવાની ના પાડવાના મુદ્દે હનિફ મામદ શેખ નામના યુવાનને કુહાડીના ઘા મારીને તેની તેના સગા ભાઇ આશિફ મામદ શેખે હત્યા કરી હતી. રવિવારે સવારે બનેલી આ ઘટનામાં ભોગ બનનારે આજે બપોરે સારવાર દરમ્યાન દમ તોડતાં ખૂનની કોશિશનો ગતરાત્રે નોંધાયેલો ગુનો હત્યામાં પલટાયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. બહાર આવેલી વિગતો અનુસાર કઠિયારા તરીકેનું કામ કરતો ભોગ બનનારો હનિફ રવિવારે સવારે નાના કપાયા ગામ પાસેના જંગલમાં લાકડાં કાપવા ગયો હતો. આ સમયે તેની પાછળ ગયેલા તેના ભાઇ આશિફે કુહાડી વડે હનિફને માથાના પાછળના ભાગે અને કપાળમાં ઘા માર્યા હતા. લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલા ભોગ બનનારને ત્યાં જ છોડી આરોપી નાસી ગયો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ પરિવારના સભ્યોની શોધ દરમ્યાન જંગલમાં ઝાડી વચ્ચે મળેલા હનિફને વધુ સારવાર માટે ભુજ ખસેડાયો હતો, પણ સારવાર દરમ્યાન ખાનગી હોસ્પિટલમાં આજે તેણે દમ તોડયો હતો. જેના કારણે ગતરાત્રે આ મામલામાં દાખલ થયેલો હત્યાના પ્રયાસનો કેસ ખૂનમાં પલટાયો હતો. મુંદરા પોલીસના તપાસનીશ ઇન્સ્પેકટર એમ.આર. બારોટે આરોપી આશિફની ધરપકડ કરી લીધી છે. દરમ્યાન ગતરાત્રે હનિફની પત્ની નઝમાબાનુએ લખાવેલી ફરિયાદ મુજબ તેનો જેઠ એવો આશિફ કોઇ કામધંધો કરતો ન હતો અને વાપરવા માટે અવારનવાર હનિફ પાસે રૂપિયા માગ્યા કરતો હતો. આ વચ્ચે તેણે રૂા. પાંચ હજારની માગણી કરી હતી. જે બાબતે ના પડાતાં તેણે આ બનાવને અંજામ આપ્યો હતો.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer