ભુજમાં વિધુર શખ્સ અને કોટડા (મઢ)માં યુવાનની છરીના ઘા મારી હત્યાની કોશિશ

ભુજ, તા. 27 : શહેરમાં મહાદેવ નાકા નજીકના વિસ્તારમાં છરી વડે હુમલો કરીને મહેશ જેઠાલાલ મકવાણાની હત્યાનો પ્રયાસ કરાયો હતો. તો બીજીબાજુ લખપત તાલુકાના કોટડા (મઢ) ગામે પણ બાવીસ વર્ષની વયના ગોપાલનાથ ચમનનાથ વાદીને છરીના ઘા મારીને તેના ખૂનની કોશિશ કરાઇ હતી. આ બન્ને કિસ્સામાં બનાવ પછવાડે પ્રેમ સબંધ નિમિત હોવાની વિગતો સપાટીએ આવી છે. તો ભુજના પ્રકરણમાં હુમલો કરનારા આરોપીના ઘરમાંથી પોલીસને શરાબની બાટલીઓ પણ મળી આવી હતી.પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ ભુજમાં કોટ અંદરના વિસ્તારમાં આશાપુરા મંદિર રોડ ઉપર રહેતા મહેશ મકવાણા નામના વિધુર શખ્સની ગઇકાલે સાંજે મહાદેવ નાકા નજીક જુની જયહિન્દ ટોકિઝ પાસે હત્યાનો પ્રયાસ કરાયો હતો. આ મામલે ભુજમાં રાવલવાડી વિસ્તારમાં ગણેશ મંદિર પાસે રહેતા હાર્દિક હરેશ ચાવડા સામે 307 સહિતની કલમો તળે ગુનો દાખલ કરાયો છે.દરમ્યાન, આજે આ કામના આરોપી હાર્દિકને સ્થાનિક  ગુના શોધક શાખાએ વ્યાયામશાળા ખાતે દબોચી લઇ એ-ડિવીઝન પોલીસને સોંપ્યો છે.પાંચ વર્ષ પહેલા કેન્સરની બિમારીમાં પત્ની શોભનાનું અવસાન થયા બાદ હાલે ભોગ બનનાર મહેશ મકવાણા એક મહિલાના પ્રેમસબંધમાં હતો. ગઇકાલે આ મહિલા અને તે અરજી ટાઇપ કરાવવા માટે મહાદેવ નાકા નજીકની એક ઓફિસે ગયા હતા ત્યારે એકટિવા ઉપર આવેલા આરોપીએ છરી વડે આ જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીને આ પ્રેમસબંધ અને લગ્ન થાય તે પસંદ ન હોવાથી આ કૃત્ય કરાયું હતું તેવી તેવી વિગતો ફરિયાદમાં લખાવાઇ છે. ભોગ બનનારને છરી વડે છાતી અને પીઠમાં ઘા કરાયા હોવાનું પણ ફરિયાદમાં લખાવાયું છે.દરમ્યાન આ જીવલેણ હુમલાના કિસ્સા બાદ સબંધિત એ. ડિવિઝન પોલીસ મથકની ટુકડી આરોપીને પકડવા તેના ઘરે ગઇ ત્યારે આરોપી હાર્દિક ચાવડા મળ્યો ન હતો જે બાદમાં ઝડપાયો હતો. પણ તપાસ દરમ્યાન તેના ઘરમાંથી રૂા. 4200ની કિંમતની શરાબની બાર બાટલીઓ મળી આવી હતી. આ બાબતે તેની સામે અલગથી ગુનો દાખલ કરાયો હતો.બીજીબાજુ કોટડા (મઢ) ગામે  યુવાન ગોપાલનાથ વાદી ઉપર ગળા અને ડાબા હાથની આંગળીઓ ઉપર છરીના ઘા મારીને તેને મારી નાખવાની કોશિશ કરાઇ હોવાનો કિસ્સો પણ ગઇકાલે બન્યો હતો. આ બાબતે  નખત્રાણા તાલુકાના બાંડીયારા ગામના ધુલાનાથ ગોમનાથ વાદી સામે ખૂનના પ્રયાસ સહિતની કલમો તળે નલિયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો હતો. હુમલા બાદ આરોપી નાસી ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદને ટાંકીને પોલીસે આ વિગતો આપતા જણાવ્યું હતું કે આરોપીએ ભોગ બનનારને તેને ગમતી યુવતી સાથે મેળાપ કરાવી આપવા જણાવ્યું હતું. જે બાબતે ના પાડતા તે અન્વયે હુમલાની આ ઘટના બની હતી.  

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer