ધાબડિયા માહોલ વચ્ચે ઝરમરિયાંનો દોર જારી

ભુજ, તા. 27 : સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ સચરાચર મહેર વરસાવી છે પણ કચ્છ પર મેઘકૃપા વરસાવવામાં મેઘરાજા કંજુસાઇ દેખાડી રહ્યા હોય તેમ અષાઢમાં અનરાધારના બદલે ઝરમર ઝાપટાં વરસાવી હાથતાળી આપી રહ્યા છે, તો ચોમાસું ફરી ઉત્તર ભારત તરફ સરકતાં ચારથી પાંચ દિવસ સુધી ભારે વરસાદ વરસવાની શક્યતા ધૂંધળી છે. વાદળિયા માહોલ વચ્ચે હળવો-મધ્યમ વરસાદ કેટલાક સ્થળે વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે.જિલ્લા કંટ્રોલરૂમમાં સત્તાવાર રીતે માંડવીમાં 7 મિ.મી. વરસાદની નોંધ થઇ હતી. જિલ્લામથક ભુજમાં ધૂંધળા માહોલ વચ્ચે દિવસ દરમ્યાન માર્ગો ભીંજાય તેટલા છાંટા પણ?માંડ વરસ્યા હતા. અન્ય વિસ્તારોમાં મોટાભાગે આવો જ માહોલ જોવા મળ્યો હતો.માહોલ બંધાય છે પણ ભેજના ઓછા પ્રમાણના લીધે વરસાદ વરસતો નથી, વળી વાદળોની ઘનતા ઓછી હોવા સાથે તે ઓછી ઊંચાઇ પર છવાતાં હોવાથી વરસાદની શક્યતા ઓછી રહેતી હોવાનું હવામાનશાત્રીઓ દ્વારા જણાવાયું હતું. વળી, સામાન્યથી વધુ ગતિએ ફુંકાતા પવનના લીધે વાદળો વરસાદ વરસાવે તે પહેલાં જ વિખેરાઇ?જાય છે. નોંધનીય છે કે, રાજ્યમાં ઝોન વાઇઝ સૌથી ઓછો વરસાદ કચ્છમાં પડયો છે. શુકન સાચવનારા મેઘરાજા હવે સાર્વત્રિક મહેર વરસાવે તેવી પ્રાર્થના દરેક કચ્છીમાડુ દ્વારા કરવામાં આવી રહી છે.ભુજ, કંડલા (એ.), કંડલા પોર્ટ અને નલિયા કેન્દ્રમાં મહત્તમ પારો 30થી 32 ડિગ્રી વચ્ચે રહેતાં વાતાવરણમાં ઉકળાટનો અનુભવ ઓછા પ્રમાણમાં થયો હતો. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer