મુંદરામાં પી.જી.વી.સી.એલ.નું બીજું ડિવિઝન આપો

મુંદરા, તા. 27 : સ્થાનિક પી.જી.વી.સી.એલ. કચેરીનો વહીવટ એક જ ડિવિઝન દ્વારા ચાલે છે, જે નિયમ મુજબ ન હોઇ બીજા ડિવિઝનને મંજૂર કરવામાં આવે તેવી માગણી ઊઠી છે.ત્રણ પાનાના પત્રમાં જણાવવામાં આવ્યું છે કે મુંદરા મામલતદારે આ માગણીને ગ્રાહ્ય રાખી છે. ઉપરાંત માંડવી કાર્યપાલક ઇજનેરે ફેબ્રુઆરી-19માં રાજકોટ ખાતે કોર્પોરેટ કચેરીને બીજું ડિવિઝન મંજૂર કરવાની દરખાસ્ત કરી છે. મુંદરા પી.જી.વી.સી.એલ.નું મહેકમ માળખું 1962થી યથાવત છે, જેના લીધે મુંદરામાં સબડિવિઝન 1 છે. જ્યારે ગ્રાહકોની સંખ્યા 32000થી વધુ છે. કંપનીના નિયમ અનુસાર 17,000 ગ્રાહકો માટે એક ડિવિઝનનો નિયમ છે. ગ્રાહકોની સંખ્યા બમણી છે. ઉપરાંત એસ.ઇ.ઝેડ. અને ધ્રબ જી.આઇ.ડી.સી.નો કાર્યભાર પણ એક જ ડિવિઝનને ખમવો પડે છે. ફક્ત મુંદરા સિટીમાં 18 હજારથી વધુ ગ્રાહકો છે. આ તમામની રોજિંદી ફરિયાદોના નિરાકરણ માટે ફક્ત બે જ હેલ્પર ફરજ બજાવે છે. તેઓ ભારે પરિશ્રમ કરે છે તેમ છતાં ફરિયાદોનો સમયસર નિકાલ આવતો નથી. કચેરીના વહીવટી કર્મચારીઓ બમણાં કામ સાથે કામ કરે છે અને તે પણ 50 ટકા મહેકમ ખાલી સાથે. આમ સમગ્ર રીતે જોતાં નવા સબ-ડિવિઝનની માગણી વ્યાજબી છે અને અમે 4 વર્ષથી માગણી કરતા આવ્યા છીએ.જિ.પં.ના પૂર્વ સદસ્ય હાજી સલીમ જતે લખેલા પત્રમાં આગળ જણાવાયું છે કે કચ્છમાં નવા સબ-ડિવિઝનને મંજૂરી મળી છે. અમારી 4 વર્ષ જૂની વ્યાજબી અને કંપનીના નિયમ મુજબની માગણીને બાજુ પર રાખી ભુજ તાલુકાના ભુજોડી અને અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામોને નવા સબ-ડિવિઝન મંજૂર કર્યા છે. મુંદરાની માગણીની બાદબાકી કરી વિકસતા મુંદરાને જેને તાજેતરમાં વસ્તી વધારા નજરે નગરપાલિકાનો દરજ્જો મળ્યો છે-તેમ છતાં આપની કંપનીએ અન્ય નાના ગ્રામ્ય માળખાને ડિવિઝન-નવું ડિવિઝન ન ફાળવી અન્યાય કર્યો છે. આ અન્યાય નિવારવા વિના વિલંબે મુંદરાને બીજું સબ-ડિવિઝન મંજૂર કરવા વિનંતી. જો આ માગણી ધ્યાને લેવામાં નહીં આવે તો મુંદરાના ગ્રાહકો ઉગ્ર લડતના મંડાણ કરી ન્યાયાલયના બારણે કાનૂની લડતના મંડાણ કરશેનું શ્રી જતના પત્રમાં જણાવવામાં આવ્યું છે. જ્યારે અન્ય સૂત્રો વિગત જણાવે છે કે નગરમાં જર્જરિત વીજરેષા પુરવઠાને અસર કરે છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer