ભુજમાં નખાયેલી નવી ગટરની લાઈન અમૃત યોજનામાં રદ!!

ભુજ, તા. 27 : શહેરના વોર્ડ નં. એકમાં આવેલા જિલાની નગરમાં એકાદ વર્ષ પહેલાં જ નખાયેલી ગટરની મુખ્ય લાઈન અમૃત યોજના હેઠળનાં કામમાં રિજેકટ કરાતાં માતબર ખર્ચ માથે પડયો હોવાનું જાગૃતોમાં ચર્ચાઈ રહ્યું છે તેમ જ આડેધડ કરાયેલા એ કામમાં જવાબદારો સામે પગલાં ભરાય તેવી માંગ ઊઠી છે.સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર ભુજમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગટરની સમસ્યા લોકો માટે ભારે ત્રાસદાયક બની છે. કરોડોનું આંધણ થવા છતાં હજુ સુધી સમસ્યા હલ થતી નથી. વળી, અમુક જગ્યાએ તો વારંવાર કામગીરી કરવી પડી હોવાનું પણ જાગૃતોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે એકાદ વર્ષ પહેલાં જ ભુજના વોર્ડ નં. એકમાં આવેલા જિલાની નગરમાં ગટરની મુખ્ય લાઈન નવી જ નખાઈ હતી. તાજેતરમાં અમૃત યોજના હેઠળની કામગીરી એ વિસ્તાર સુધી પહોંચતા માપ મેઝરમેન્ટ વિના આડેધડ થયેલી કામગીરીને પગલે એ લાઈન બિનઉપયોગી સાબિત થઈ અને હવે તેને બદલે નવી લાઈન નાખવાની નોબત આવી છે. જેથી એ ખર્ચ એળે ગયો હોવાનું જાગૃતોમાં ચર્ચાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજમાં ગટરના અમુક કામોએ થોડા સમયમાં જ પોત પ્રકાશતાં ફરીવાર કરવા પડયા છે ત્યારે આ કામમાં જવાબદારી નકકી કરી નબળું કામ કરનારાઓ પાસેથી નગરપાલિકા ખર્ચ વસૂલી ધાક બેસાડતી કામગીરી કરે તેવી લોકમાંગ પણ ઊઠી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer