બેઝ ઓઇલના વેપલા સંદર્ભે ત્રણ જણ વિરુદ્ધ ગુના નોંધાયા

ગાંધીધામ, તા. 27 : શહેરના કાસેઝ નજીક સતગુરૂ વે બ્રિજની પાછળ પાર્કિંગમાં ગેરકાયદેસર રીતે બેઝ?ઓઇલનો ધંધો કરનારા શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. તેમજ તાલુકાના પડાણા નજીક ગેરકાયદેસર રીતે બેઝ ઓઇલનો  કારોબાર કરનારા શખ્સ વિરુદ્ધ પણ ગુન્હો નોંધાયો હતો. જ્યારે ગળપાદરમાં ટેમ્પોમાં બાયોડીઝલ ભરી તેનું ગેરકાયદેર રીતે વેંચાણ કરતા શખ્સ સામે પણ ફોજદારી ગુન્હો નોંધાયો હતો. શહેરના કાસેઝ બાજુ  જતા રોડ ઉપર આવેલા સતગુરૂ વે બ્રિજની પાછળ પ્લોટ નંબર  3-એ.માં પોલીસ પૂર્વ બાતમીના આધારે પહોંચી ગઇ હતી. આ જગ્યાએ આવેલા ટાંકાઓમાં પેટ્રોલિયમ પદાર્થ સંગ્રહ કરાયો હોવાની શંકાના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં ઉભેલા ટેન્કર નંબર જી.જે. 12-એ.ટી.-9798 તથા જી.જે. 12-ડબલ્યુ. 0101માં પેટ્રોલિયમ પદાર્થ હોવાનું બહાર આવ્યું હતું. આ બંને ટેન્કરો અને જુદા જુદા ટાંકા નરેન્દ્ર ભંવરલાલ નિમાવતના હોવાનું જે-તે સમયે ખુલ્યું હતું. ગત તા. 3-7ના પોલીસે આ કાર્યવાહી કરી મામલતદારને તેની જાણ કરી હતી. અહીં આવેલા એક મોટા ટાંકામાં બે ટન તથા બીજા ટાંકામાં 7થી 8 ટન બેઝ ઓઇલ ભરેલું હોવાનું પણ બહાર આવ્યું હતું. મામલતદારે આ તેલના નમૂના લેવડાવી એફ.એસ.એલ. માટે મોકલાવી દીધા  હતા. અને ઝડપાયેલો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. આ જગ્યાએ અગ્નિ સુરક્ષાના સાધનો વસાવાયાં નહોતા તથા અગ્નિ બાબતના ના વાંધા પ્રમાણપત્ર પણ રજૂ કરાયા નહોતા. આવી જ વધુ  એક કાર્યવાહી ગત તા. 6-7નાં પડાણા પંચરત્ન માર્કેટ પાછળ સર્વે નંબર 131 પ્લેટ નંબર 7માં કરવામાં આવી હતી. કિડાણામાં રહેનારો રમેશ ધના ઝરૂ નામનો શખ્સ ટેન્કરમાં પેટ્રોલિયમ પદાર્થ ભરી તેનું વેંચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે જે-તે સમયે કાર્યવાહી કરી હતી.આ જગ્યાએ ટેન્કર નંબર જી.જે. 12-વાય. 8871માં ઇંધણ ભરવા માટે નોઝલ મીટર, વિજ મોટર બેસાડવામાં આવી હતી. તેમજ આ  ટેન્કરમાંથી રૂા. 5,20,000નું 8000 લીટર બાયોડીઝલ મળી આવ્યું હતું. જે સીઝ કરવામાં આવ્યું હતું. મામલતદારે આ જગ્યાએથી તેલના નમૂના લઇ એફ.એસ.એલ. માટે મોકલાવી દીધા હતા. અહીં પણ અગ્નિ સુરક્ષાના કોઇ જ સાધનો વસાવાયા નહોતા તેમજ અગ્નિ અંગેનું ના વાંધા પ્રમાણપત્ર પણ રજૂ કરાયું  ન હતું. આવા પ્રકારનાં ધંધા કરવા માટે કેન્દ્ર, રાજ્ય સરકારના ધારાધોરણ મુજબના પ્રમાણપત્રોની જરૂરિયાત હોય છે. કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ લેવાના થતાં ના વાંધા પ્રમાણપત્ર, અન્ય સૂચનાઓનું પાલન, બેઝ ઓઇલ, બાયોડીઝલ કે પેટ્રોલિયમ પદાર્થનું વેચાણ કરવા માટે સરકારી પરવાનો મેળવવો જરૂરી છે. પેટ્રોલિયમ પદાર્થની માન્યતા ધરાવતો વિસ્ફોટક પરવાનો (એકસપ્લોઝિવ લાયસન્સ) જરૂરી છે, ડેન્સીટી રજીસ્ટર તથા તેના સંલગ્ન સાધનો ઉપલબ્ધ રાખવાના હોય છે. રાજ્ય સરકારના ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી  ના વાંધા પ્રમાણપત્ર, જગ્યા ઉપર સુરક્ષાના સાધનો રાખવા જરૂરી છે. નરેન્દ્ર નિમાવત તથા રમેશ ઝરૂ નામના શખ્સોને આ અંગેની જાણ કરી જરૂરી આધાર પુરાવા આપવા જણાવાયું હોવા છતાં આ શખ્સોએ પુરાવા રજૂ ન કરતા આ બંને વિરુદ્ધ ગુન્હો નોંધાયો હતો. પૂર્વ કચ્છમાં હજુ પણ આવા  ઘણા પોઇન્ટ હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. વધુ એક કાર્યવાહી એ ડિવીઝન પોલીસે ગત તા. 9-7નાં ગળપાદરની નાગેશ્વરી સોસાયટી સામે વાડામાં કરી હતી. આ વાડામાં ભચાઉના નેર ગામનાં મહાદેવા રામજી આહીર નામના શખ્સે ટેમ્પો નંબર જી.જે. 12-વાય. 7226 વાળો રાખ્યો હતો. જેમાં 900થી 1000 લીટર બાયોડીઝલ ભરવામાં આવ્યું હતું. આ વાહનમા મીટર લગાવી અન્ય વાહન ચાલકોને બાયોડીઝલ ભરી આપવામાં આવતું હતું. પોલીસે કાર્યવાહી કરી મામલતદારને જાણ કરી હતી. મામલતદારે તેલના નમૂના લઇ એફ.એસ.એલ. માટે મોકલી આપી આ જથ્થો સીઝ કર્યો હતો. આ જગ્યા ઉપર અગ્નિ સુરક્ષાના સાધનો, અગ્નિ બાબતનો ના વાંધા પ્રમાણપત્ર ન નીકળતા તથા કેન્દ્ર, રાજ્ય સરકાર પાસેથી લેવાના જુદા જુદા પરવાના ન મેળવી પોતાની અંગત ફાયદા માટે ઓઇલનું વેચાણ કરતા આ મહાદેવા આહીર નામના શખ્સ વિરુદ્ધ પોલીસે આજે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer