પૂર્વ કચ્છમાં મેઘરાજાનો અલગ અંદાજ વર્તાયો

પૂર્વ કચ્છમાં મેઘરાજાનો અલગ અંદાજ વર્તાયો
ગાંધીધામ/ભુજ, તા. 24 : આષાઢી બીજ પહેલાં આવેલા વરસાદના પ્રથમ રાઉન્ડ બાદથી સખત ઉકળાટ વચ્ચે બીજા રાઉન્ડનો ઈંતજાર ગાંધીધામ સંકુલ માટે લંબાવાયો હતો. અચાનક ગઈ મધરાતે મેઘરાજા સક્રિય થયા હતા અને આજે પણ સાંજ સુધી હેત વરસાવતા રહેતા સંકુલમાં અંદાજે ત્રણેક ઈંચ પાણી પડી ગયું હતું. રાબેતા મુજબ નગરપાલિકાના વરસાદી નાળાં હાંફી જતાં ઠેરઠેર જળ ભરાવની સમસ્યા સર્જાઈ હતી. આજે બપોરે ધોધમાર વરસાદે શેરી-ગલીઓને તો રીતસર નદીમાં ફેરવી નાખી હતી. ભચાઉમાં પણ એકાદ ઇંચ ઝાપટાંરૂપે વરસ્યો હતો જ્યારે શુક્રવારની રાત્રે પશ્ચિમ કચ્છમાં ઝાપટાંએ ઠંડક પ્રસરાવી હતી. છેલ્લા ત્રણ-ચાર દિવસથી વર્તાતા ઉકળાટે આમ તો મેઘરાજાની છડી પોકારી જ દીધી હતી પરંતુ વાદળોની આવન-જાવન વચ્ચે થોડા છાંટા સિવાય ખાસ વરસાદ નસીબ નહીં થતાં ઈંતજાર લંબાયો હતો. ગઈકાલે રાત્રે 11 વાગ્યા પછી ફરી છાંટા શરૂ થયા હતા અને 11.30ની આસપાસ ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. લગભગ 20થી 25 મિનિટ ચાલેલા આ વરસાદે નિદ્રાધીન થઈ ગયેલા શહેરના રસ્તા, ગલી-શેરીનો કબજો લઈને તમામ સ્થળે જળભરાવ સર્જ્યો હતો. ગાંધીધામ રેલવે સ્ટેશને સયાજીનગરી એક્સપ્રેસ પકડવા આવેલા ઉતારુઓ અને મૂકવા આવેલા લોકો વરસાદમાં હેરાન થયા હતા. તકનો લાભ લઈને રિક્ષા ચાલકોએ મોં માગ્યાં ભાડાં માગ્યાં હતાં. મધરાત પછી વરસાદ અટકી ગયો હતો અને ઉકળાટ વધ્યો હતો આજે સવારથી છાંટાની હાજરી રહી હતી. અલબત્ત બપોરે 1.30 પછી ફરી મેઘરાજા જોશભેર વરસવા માંડયા હતા. અટકી અટકીને સાંજે 4 વાગ્યા સુધી તે વરસતા રહેતા ફરી શહેરમાં જળભરાવ થયો હતો. શેરી-ગલીઓમાંથી વરસાદી પાણી નાળાં ભણી નદીની જેમ ધસમસતા વહી રહ્યા હતા. અનેક સ્થળે વરસાદી નાળાં ન હોવા કે જરૂરત કરતાં ઘણા નાના નાળાં હોવા એ સમસ્યાને લઈને પાણીનો નિકાલ થવામાં કલાકો લાગી રહ્યા છે. નોકરી - ધંધે પહોંચવા માગતા વર્ગને ખાસ્સી તકલીફ થઈ હતી. બિનસત્તાવાર અંદાજ પ્રમાણે ગઈરાતથી આજે સાંજ સુધીમાં લગભગ ત્રણેક ઈંચ પાણી પડી ગયું હતું લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ બીજી ઈનિંગ શરૂ કરતાં મુશ્કેલી વચ્ચે પણ નાગરિકો હરખાયા હતા. મામલતદાર કચેરીએ આપેલા સત્તાવાર વરસાદના આંકડા મુજબ ગઈકાલ રાત્રિના 12 વાગ્યાથી આજે બપોરે બે વાગ્યા સુધી 27 મિ.મી. વરસાદ પડયો હતો. અત્યાર સુધીમાં મોસમનો કુલ 146 મિ.મી. વરસાદ નોંધાયો હતો. ચોતરફ વરસાદી પાણી ભરાવાના દૃશ્યો વચ્ચે બેન્કીંગ સર્કલ પાસે સારી એવી માત્રામાં પાણી ભરાયા હતાં. પાણી નિકાલ માટે નાના વેપારીઓને જાતે માર્ગ તોડવા માટે જહેમત ઉઠાવવી પડી હતી. ભચાઉમાં એક ઇંચ : કકરવામાં ચાર ઇંચ પ્રતિનિધિના હેવાલ અનુસાર ગુરુપૂર્ણિમાએ ભચાઉમાં 27 મિ.મી. વરસાદ નોંધાયો હતો. જો કે, તાલુકાના કકરવા ગામે બે દિવસના ઉકળાટ બાદ ચારેક ઇંચ તોફાની વરસાદ વરસ્યો હતો અને ઠેરઠેર પાણી જોશભેર વહ્યાં હતાં. એડવોકેટ એમ. કે. ઉંદરિયાના જણાવ્યાનુસાર ચાંગ ડેમનું તળિયું દેખાતું હતું તેમાં જોશભેર વરસાદે જોશભેર પાણી ઠાલવતાં ડેમમાં પાણી લહેરાવા મંડયું છે. ડેમમાં પાણી આવ્યાં અર્થાત જ્યાંથી આવ છે એ કંથકોટ-તોરણિયા-વસટવા બાજુ વધુ તોફાની વરસાદ નકારી શકાય નહીં. જો કે, ત્યાંથી વરસાદના વાવડ નથી. બીજીતરફ નંદગામ, ગોકુળગામ, જશોદાધામ, ચીરઇ તરફ ઝાપટાં હોવાનું રામજી શામજી ખટારિયાએ જણાવ્યું હતું. કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળીમાં એકથી પોણા ઇંચ વરસાદના વાવડ મોમાયાભાઇ આહીરે આપ્યા હતા. આધોઇ?કોરુંધાકોર હતું. ધીણોધર પંથકમાં પોણો ઇંચ શુક્રવારે મધ્યરાત્રિએ નખત્રાણા તાલુકામાં ધીણોધર, મોટી વિરાણી, નાની બન્ની, ધીણોધર પંથક સર્વત્ર અડધાથી પોણો ઇંચ વરસાદ થયો હતો. આ વરસાદ ઘાસચારો, ખેતી માટે પુષ્ય (પોખ) નક્ષત્રનો સોના જેવો વરસાદ ગણાય છે.નખત્રાણા તાલુકાના મોટી વિરાણી, નાની બન્ની, ધીણોધર છાવરના ગામો સર્વત્ર અડધાથી પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. પુષ્ય (પોખ) નક્ષત્રના પાંચમા દિવસે વરસેલો આ વરસાદ ખેતીવાડીના મોલ, સીમાડાની વનસ્પતિ, ઘાસચારા માટે સોના જેવો ગણાય છે. માલધારી નાની બન્ની વિસ્તારમાં મોસમમાં ત્રુટક ત્રુટક વરસેલા વરસાદથી ડેમ-તળાવોમાં છ માસના પાણી આવ્યાં છે. સાથે ધીમીધારે વરસેલા વરસાદથી ઘાસચારો પણ વિપુલ પ્રમાણમાં ઊગી નીકળતાં માલધારીવર્ગ રાજીનો રેડ છે. સમગ્ર પંથક ડેમ-તળાવ ભરાઇ જાય તેવો વરસાદ વરશે તે માટે પ્રાર્થના કરી રહ્યો છે. ઢોરી આસપાસના ગામડાઓમાં અડધો ઇંચ વરસાદ ભારે-અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગઇકાલે રાત્રે ઢોરી પંથક સહિત પવનના ઝાપટાં સાથે સમગ્ર રણકાંધીના ગામડાઓમાં ઝરમર વરસાદ વરસ્યા બાદ આજે બપોરના 12.30 વાગ્યાની આસપાસ ભારે બફારા-ઉકળાટ?વચ્ચે ઢોરી, સુમરાસર (શેખ), કુનરિયા, લોરિયા, નોખાણિયા  સાથે રુદ્રમાતા વિસ્તારમાં ધીમીધારે અડધા ઇંચ જેટલો વરસાદ પડયો હતો. જેઠ માસમાં પડેલા પ્રથમ વરસાદમાં જે ખેડૂતોએ ખેતરમાં ગુવાર, મગ, તલની વાવણી કરી નાખી હતી તે રામમોલમાં હાલે વિખેડા ચાલુ છે. તો ઘણા ખેડૂતો અષાઢ માસમાં સારો વરસાદ થવાની આશા સાથે એરંડાનું વાવેતર કરવા માટે ખેતરો ખેડી તૈયાર બેઠા છે તેવા ખેડૂતોમાં હાલે ધીમીધારના વરસાદના લીધે વાવેતર નહીં થઇ?શકે તેવી ચિંતા ફેલાઇ છે. બીજીબાજુ આ વિસ્તારના તમામ ગામડાઓના તથા ઉગમણી બન્નીના સીમાડામાં ઝીણું ઘાસ ઊગી નીકળ્યું હતું. તેની લીલાશમાં વધારો કરવા તેમજ માલધારી વર્ગ માટે ઘાસની સમસ્યા નિવારવા માટે આ ઝરમરીયો વરસાદ આશીર્વાદરૂપ સાબિત થાય. નાની બન્નીમાં પણ વરસાદ નાની બન્નીના તલ, છારી, લૈયારી, મોતીચુર વિસ્તારમાં ગત મોડીરાત્રે પાણી વહ્યા હતા. માલધારી ને વધુ પશુધન ધરાવતા નાની બન્નીમાં હજી કહેવાય એવો જોમથી વરસાદ ન પડતાં માલધારી `ખાસો' મીંની વાટ જોઇ રહ્યા છે. સીમાડામાં પશુઓ માટે પાણી ભરાય તેવું વરસાદની `વાટ' જોઇ રહ્યાનું ભાદરખાન જતે કહ્યું હતું. નખત્રાણા તાલુકાના દેવીસર પંથકના દેવીસર, ભીમસર, રતામિયા, હીરાપર વિસ્તારમાં મેઘ?મહેમાને અડધો કલાક રોકાતાં પાણી વહી નીકળ્યા હોવાનું અશ્વિન આઇઆએ જણાવ્યું હતું. સાંગનારા, સુખસાણ, ગોડજીપર વિસ્તારમાં પણ અડધા કલાક સુધી ધીમીધારે વરસાદ વરસતાં રસ્તા પર પાણી વહી નીકળ્યા હોવાનું અરવિંદ ઠક્કરે કહ્યું હતું. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer