ભુજનાં જૈન મહિલાએ અંગદાન કરી પાંચ લોકોને નવું જીવન આપ્યું

ભુજનાં જૈન મહિલાએ અંગદાન કરી પાંચ લોકોને નવું જીવન આપ્યું
ભુજ, તા. 24 : કોઈપણ માનવીએ પોતાનાં મૃત્યુને મહાન બનાવવું હોય તો અંગદાન કરીને પોતાનાં મૃત્યુને ધન્ય બનાવી શકે છે. ગાંધીધામમાં જન્મી, ભુજમાં પરિણય બંધને બંધાયા બાદ વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયેલાં એક જૈન મહિલાએ અંગદાન મારફત પાંચ લોકોને નવું જીવન બક્ષી સમાજના અન્ય વર્ગ માટે પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.ગાંધીધામનાં કમલબેન રમેશ રવિલાલ મહેતાનાં પુત્રી અને ભુજનાં પ્રવીણાબેન ભરત કાંતિલાલ વોરાનાં પુત્રવધૂ અર્પણાબેનને ગયા શનિવારે એકાએક માથાંમાં દુ:ખાવો થતાં શરૂઆતમાં તેને સામાન્ય દુ:ખાવો જ માની પરિવારે કેટલાક ઘરગથ્થુ ઉપચાર કર્યા, પણ દુ:ખાવો વધવા સાથે શરીરમાં નબળાઈ આવતાં મુંબઈની લીલાવંતી હોસ્પિટલમાં લઈ જવાયાં ત્યારે ત્યાંના તબીબોએ અર્પણાબેનને અતિ ગંભીર એવો બ્રેઈન સ્ટ્રોક આવ્યાનું નિદાન કર્યું હતું. સદ્ગત અર્પણાબેનના પતિ તુષારભાઈએ વાતચીતમાં કહ્યું કે, બે દિવસ બાદ લીલાવંતી હોસ્પિટલના તબીબોએ આશા છોડી દઈ તેમના અંગનું દાન કરવા અથવા ઘરે લઈ જવાનું સૂચન કર્યું, પણ પરિવારે આશા ન છોડી વિમાનીમાર્ગે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં લઈ અવાયા બાદ ત્રણ દિવસની સારવાર પછી અહીંના તબીબોએ પણ અર્પણાબેનને બ્રેઈન ડેડ જારી કર્યાં હતાં. યુવાન વયનાં મહિલાનું આમ અકાળે નિધન થતાં વોરા પરિવાર પર તો આભ તૂટી પડયું, પણ મનમાં પથ્થર રાખી અમે તો અમારું સ્વજન ગુમાવ્યું, પણ તેનાં અંગ કોઈ અન્યનું જીવન સુધારી શકે તેનાથી વિશેષ સારી બાબત કઈ હોઈ શકે એવી ભાવના સાથે અંગદાન કરવાનો નિર્ણય લીધો અને શુક્રવારે અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં બે કિડની, બે આંખ અને લિવરનું દાન કરાયું તે પૈકી કિડની અને લિવરનું પ્રત્યારોપણ કરી દઈ આંખને ચક્ષુ બેન્કમાં રાખવામાં આવી છે. અર્પણાબેનના પતિ તુષારભાઈ અને સસરા ભરતભાઈએ કહ્યું કે, અમારા માટે તો આ ઘડી આઘાતજનક હતી, છતાં મનને અડગ રાખી અમને છેવટે આ કઠોર છતાં અન્યો માટે અનુકરણ પૂરું પાડે તેવો નિર્ણય લેવો પડયો છે. વધુમાં, તેમણે માથાંના સામાન્ય દુ:ખાવાને સાવ હળવાશથી ન લેવાની હૃદયથી અપીલ કરી હતી. અર્પણાબેનના સાસરાં અને પિયર પક્ષ પ્રતિષ્ઠિત વ્યાપારી પેઢી ધરાવે છે. તો આ પરિવાર દાન આપવામાં હંમેશાં અગ્રેસર રહેતું હોવાનું કહી સામાજિક કાર્યકર મિતેશ શાહે પણ આ પરિવારની જાગૃતતા સાથેની અનુકરણીય પહેલને બિરદાવી છે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer