નાના લાયજામાં સોલાર દ્વારા ખેતીથી ગૌચરમાં હરિયાળી

નાના લાયજામાં સોલાર દ્વારા ખેતીથી ગૌચરમાં હરિયાળી
રમેશ ગઢવી દ્વારા - કાઠડા (તા. માંડવી), તા. 23  : ગામનો પ્રથમ નાગરિક જાગૃત બને અને તેમાં ગ્રામજનોનો સાથ-સહકાર મળે તો ગામની દિશા બદલી જાય છે અને મનુષ્ય તથા પશુધન સહિતને સવલતો પ્રાપ્ત થાય છે. નાનું કુટુંબ - સુખી કુટુંબ તેમ નાનું ગામ - સુખી ગામ એ કહેવતને સાર્થક કરતું માંડવી તાલુકાનું નાના લાયજા ગામ જ્યાં મનુષ્ય ઉપરાંત ગામના 430 જેટલા પશુધન માટે પણ ચારા સહિતની પૂરતી વ્યવસ્થા અગાઉથી કરાતી હોવાનું જોવા મળે છે. જન્મદિવસની ઉજવણી પાર્ટીમાં નહીં પણ ગૌસેવાના લાભાર્થે અને સાથે ગૌસેવા માટે ગ્રામજનો હંમેશાં તત્પર રહે છે. તો ગામના સરપંચ વિરમ ડાયાભાઈ ગઢવીએ છેલ્લા ચાર વર્ષથી ગૌચર પ્લોટમાં સોલાર મારફતે મોટર પંપ ચલાવીને ગૌધન માટે ગૌચર પ્લોટમાં કાયમ હરિયાળી રાખી છે. દર વર્ષે 60 એકર જમીનમાં વરસાદ પડતાં જ જુવારની વાવણી કરાય છે. જેમાં ગત વર્ષે 23 ટ્રોલી સૂકી જુવાર, 600 મણ લીલો ચારો નીકળ્યો હતો. તો હાલમાં પણ બે એકરમાં બાજરાનો લીલો ચારો નીરણ માટે ચાલુ છે, તેવું સરપંચ શ્રી ગઢવીએ જણાવ્યું હતું. ચાલુ વર્ષે આ વિસ્તારમાં વાવણીલાયક વરસાદ થતાં 60 એકર જમીનમાં 300 કિલો જુવારનું વાવેતર આરંભી દેવાયું છે. જે માટે ગામના જ દેવરાજ ડાયા ગઢવી, લાખુ મેઘરાજ ગઢવી, નારાણ સામરા ગઢવી, કરસન પાલુ ગઢવી, રતન પુનશી ગઢવી, રામ વિશ્રામ ગઢવી, કરસન ખેતશી ગઢવી, હરિ પચાણ ગઢવી, શિવરાજ મુરુ ગઢવી, લખુ આલા મહેશ્વરી, વિશ્રામ ખેંગાર ગઢવી સહિતના બાર ટ્રેક્ટરધારકો, ગૌસેવા સમિતિ અને ગામના આગેવાનોના સાથ-સહકારથી વાવણી ચાલુ છે. આવનારા સમયમાં હજી ગૌસેવા લાભાર્થે વધુ કામ કરવાની તૈયારી દર્શાવાઈ છે. સરપંચે કહ્યું હતું કે, જે ગામમાં અબોલ જીવો સુખી હશે તે ગામમાં પણ શાંતિ સાથે પ્રગતિ હશે. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer