કોઇપણ સ્વાર્થ વગર સૌને તારે તે ગુરુ

કોઇપણ સ્વાર્થ વગર સૌને તારે તે ગુરુ
ભુજ, તા. 24 : પોતાના સંસર્ગથી શિષ્યોના ચિત્તને શુદ્ધ કરી કોઇપણ સ્વાર્થ વગર અન્યને તારનારા  ગુરુને વંદન સાથે કચ્છભરમાં  ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સંત-મહાત્માઓનું તથા પાદુકા પૂજન કરાયું હતું. ભુજ શહેર ભાજપ દ્વારા ગાયત્રી મંદિર, બિહારીલાલજીના મંદિર, ભુજ આશાપુરા મંદિર, ભગવતીધામ તથા ભુજ સ્વામિનારાયણ મંદિર, ભુજ સ્વામિનારાયણ બીએપીએસ મંદિર ખાતે સંતો-મહંતોનું  સન્માન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ઉપરોકત પ્રસંગે ભુજ ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, સમગ્ર ભાજપની ટીમ સાથે મળીને ગુરુના આશીર્વાદ મેળવીને આવનારા સમયમાં વધુ ને વધુ સેવા કરતા રહેશે. નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કરે સંત-મહાત્માના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી. ઉપરોકત પ્રસંગે ભુજ શહેર ભાજપના પ્રમુખ શીતલભાઇ શાહ સહિત શહેર ભાજપની ટીમે ભાજપની પરંપરા અનુસાર ગુરુવંદના કરી હતી.વિશ્વ હિન્દુ પરિષદ-કચ્છ વિભાગ દ્વારા 250 ઉપરાંત કાર્યકરોએ ટોળી બનાવી કચ્છમાં  અનેક જગ્યાએ ગુરુપૂજન કર્યું હતું. વિભાગ મંત્રી કૃષ્ણકાંત પંડયાએ જણાવ્યું હતું કે, વિશ્વ હિન્દુ પરિષદ હંમેશાં સંતોના માર્ગદર્શન હેઠળ ચાલતું વિશ્વનું મોટું સંગઠન છે. જે દુનિયાના અનેક દેશોમાં કાર્યરત છે. આજના કાર્યક્રમને સફળ બનાવવા પૂર્વ કચ્છ જિલ્લામંત્રી મહાદેવભાઇ વીરા, અધ્યક્ષ અવિનાશભાઇ જોષી, બજરંગદળના પલરાજભાઇ બારોટ, પશ્ચિમ કચ્છ મંત્રી ચંદુભાઇ રૈયાણી, અધ્યક્ષ ચેતનભાઇ ઠાકર, કાર્યધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા, ધર્મ પ્રસારના વિભાગના સંયોજક બળવંતસિંહ વાઘેલા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. શનિદેવ મંદિરે ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેયનું ભૂદેવ અક્ષય મહારાજ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. બજરંગદળ દુર્ગાવાહિની અને મહિલા પાંખ દ્વારા સંતોના પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. જેમાં અનેક કાર્યકરો સહભાગી બન્યા હતા. એન્કરવાલા સરસ્વતી વિદ્યા સંકુલ સંતોષી ભવન ખાતે શિક્ષણ જગતના તજજ્ઞ ભોગીલાલભાઇ વાયડા, વિજયભાઇ?વ્યાસ,  રક્ષાબેન ઉપાધ્યાય, મમતાબેન ભટ્ટ, જયશ્રીબેન પરમાર અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુરુજનો પ્રત્યે આદરભાવ રાખવા જણાવ્યું હતું. આ અવસરે ઉપસ્થિત ગુરુજનોનું પૂજન આચાર્યો અને શાળા પરિવારે કર્યું હતું. કચી કલ્યાણ સંઘના પ્રમુખ નવીનભાઈ વ્યાસ, ટ્રસ્ટી સુભાષભાઇ જોશી, નારાણજીભાઇ ચૂડાસમા, બંને ભવનના પ્રાધાનાચાર્ય વર્ષાબેન ઠક્કર, નીરવબેન પાંધી, બંને વિદ્યાલયના આચાર્યો, શાળાના કર્મચારીગણ હાજર રહ્યા હતા. કાર્યક્રમના સંયોજક વર્ષાબેન જોશી તેમજ બિંદુબેન દવેએ રહ્યા હતા. સંચાલન પ્રિયંકાબેન વૈદ્ય, આભારવિધિ જાગૃતિબેન બારડે કર્યા હતા.કોટડા (ચ.)ની શારદા ઉચ્ચતર માધ્યમિક શાળા મધ્યે શાળાના ડાયરેક્ટર તથા શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી થઇ?હતી. શાળાના શિક્ષિકા હેમાદ્રીબેન દ્વારા પ્રાસંગિક પ્રવચન થયું હતું. ધો. 12માં અભ્યાસ કરતા વસૈયા રાજ દ્વારા આપણા જીવનમાં ગુરુઓનું શું મહત્ત્વ છે તેના વિશે અવગત કરવામાં આવ્યું હતું. ડાયરેક્ટર તેમજ શિક્ષકો દ્વારા મા સરસ્વતીનું પૂજન કરવામાં આવ્યું હતું અને ધો. 12ના વિદ્યાર્થીઓ દ્વારા ડાયરેક્ટર હિરેનભાઇ મહેતાનું તેમજ સમગ્ર ગુરુજનોનું પૂજન થયું હતું. જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ?કેન્દ્રના ઉપક્રમે પૂ. ગુરુદેવોની વંદના સાથે માધાપર ખાતે પૂ. શ્રીમદ્વિજય પૂર્ણચંદ્રસૂરિશ્વરજી મ.સા. આદિઠાણા-6ની વંદના કરાઇ હતી. તેમજ દાતાઓના સહયોગે વિવિધ સેવાકાર્યો કરાયા હતા. સત્યમ અને તાનારીરી મહિલા મંડળના સંયુકત ઉપક્રમે  જીવદયા પ્રવૃત્તિ સાથે કપડાંનું વિતરણ, બાળકોને અલ્પાહાર સાથે ગુરુપૂજન પણ કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદોને રાશનકિટ, હાથ લંબાવી શકતા નથી, માગી શકતો નથી તેવાઓને ટિફિન પહોંચતા કરવામાં આવ્યા હતા. અધ્યક્ષ દર્શક અંતાણી તેમજ નયનભાઇ શુક્લ, જટુભાઇ ડુડિયા, નર્મદાબેન ગામોટ, દક્ષાબેન બારોટ વિગેરે આ સેવાકાર્યમાં જોડાયા હતા. વાંઢાય તીર્થધામ ખાતે હરિહર સંપ્રદાય પરંપરાની ગુરુગાદી ઇશ્વર આશ્રમ તથા બ્ર. સંત વાલરામજી મહારાજ ગુરુ-ઓધવરામજી મહારાજના સમાધિ મંદિર સાધના કુટિરે ગુરુ-શિષ્ય મહિમાના મહોત્સવ ગુરુપૂર્ણિમા પ્રસંગે ત્રિદિવસીય સત્સંગ, સંધ્યાપાઠ, ભજન, પ્રવચન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોથી ભકિતભાવપૂર્વક સંતો, સાધ્વી દેવી, ભાવિક ભકતોની વિશાળ હાજરીમાં  ઊજવવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે સાધના કુટિરે જીતુ ભગતના સાંનિધ્યમાં સંધ્યાપાઠ, ભજન-સત્સંગ રજૂ થયા હતા. દ્વિતીય દિવસે સવારે ગુરુપાદુકા પૂજનવિધિ વર્ષાબેન જીતુભાઇ પંડિતપૌત્રા તથા શ્રદ્ધાબેન નીતિનભાઇના યજમાન પદે  શાત્રી હરેશભાઇ જોશી (નખત્રાણા)એ શાત્રોકત વિધિવત સંપન્ન કરાવી હતી. માંડવી તાલુકાના નાના રતડિયા સ્થિત શ્રીપીઠ આશાપુરા માતાજી તીર્થસ્થળે સદીવીર આજીવન ઉપવાસી ઋષિવર બ્રહ્મલીન પૂ. ગિરિજાદત્તગિરિજી મહારાજની તપોભૂમિ સંકુલમાં પ્રાત:કાળે ગુરુ દત્તાત્રેય ભગવાનની પાદુકાઓનું પૂજન ગાદીપતિ અને મહામંડલેશ્વર પૂ. કલ્યાણગિરિજી મહારાજ અને મહંત પૂ. શંભુગિરિજી મહારાજના હાથે થયું હતું. યજ્ઞશાળા સામે નિર્માણાધિન ગુરુમંદિરે ગુરુવરની સમાધિનું પૂજન સંપન્ન થયું હતું. આ પછી ટ્રસ્ટીઓની સામેલગીરી સાથે પૂ. બાપુની પાદુકાઓનું પૂજન-અર્ચન અને ગુરુવંદના થઇ હતી. આચાર્ય શાત્રી જયંતીલાલભાઇ જોશી (રામપર-વેકરા)એ પુરોહિત કર્મ કર્યું હતું. નવચંડી યાગની પૂર્ણાહુતિ  ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે સંપન્ન થઇ હતી.ટ્રસ્ટ બોર્ડના સામજીભાઇ નાકરાણી, વસંતભાઇ ભદ્રા, અરજણભાઇ નાકરાણી, નારાણભાઇ ચૌહાણ (પટેલ), બટુકસિંહ જાડેજા, દેવેન્દ્ર વ્યાસ, રણજિતસિંહ જાડેજા, મનોજ અમૃતિયા ઉપરાંત રતનશીભાઇ નાકરાણી, રાજેન્દ્રસિંહ જાડેજા,?શ્રવણસિંહ વાઘેલા, ભરતભાઇ બોડા, દિલીપભાઇ શાહ, સુરેશ ભાનુશાલી (ભદ્રા), મુન્નાભાઇ જાડેજા, મુરુભા જાડેજા, વિક્રમસિંહ જાડેજા, હિંમતભાઇ ભદ્રા, મહિપતસિંહ રાઠોડ, પંકજ જોશી વગેરેએ ધર્મલાભ લીધો હતો. આ અગાઉ પૂર્વ સંધ્યાએ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, પૂ. કલ્યાણગિરિજી મહારાજના અધ્યક્ષ પદે યોજાયેલી ટ્રસ્ટ બોર્ડની બેઠકમાં નિર્માણાધિન ગુરુમંદિર, ભાવિ વિકાસકામો, માળખાંગત વિકાસનાં સાધનો સહિતની વિશદ્દ ચર્ચા વિમર્શ બાદ મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા. `કચ્છમિત્ર'ની 75મી વર્ષગાંઠના અવસરે બ્રહ્મલીન સંત વાલરામજી મહારાજની સમાધિ મંદિરે જીતુભગતે કચ્છમિત્રના પ્રતિનિધિ છગનભાઇ આઇયા સમક્ષ કચ્છમિત્રને શુભકામના વ્યક્ત કરી હતી. ઇશ્વર આશ્રમ મંદિરે બ્ર. સંત ઓધવરામજી મહારાજની સમાધિ મંદિરે સાધુ ભરતદાસના યજમાનપદે શાત્રી આશિષ મહારાજ (નખત્રાણા)એ શાત્રોક્ત વિવિધવત ગુરુપૂજન સંપન્ન કરાવ્યું હતું. મહાપ્રસાદના દાતા મૈયાબેન મનજી રણછોડદાસ આઇયા વિરાણી મોટી હાલે ભુજ પરિવાર  હસ્તે નવીનભાઇ આઇયા (ઉપપ્રમુખ લો.મ. ભુજ) રહ્યા હતા. ઇ. આશ્રમમાં ભંડારા વ્યવસ્થા કરશનજી સિંધલ તથા ગાભુભા સોઢાએ સંભાળી  હતી. મંત્રી ભારતીબેન, સંજય મહારાજએ સહયોગ આપ્યો હતો. કુનરિયા નજીક મેકરણ પ્રગટ પાણી જગ્યા અને ધ્રંગ ગામે મેકરણ દાદાની જગ્યા પર ગાદીપતિ મૂલજી રાજા ગુરુ કાનજી રાજા કાપડી તથા મેકરણ દાદાની પૂજનવિધિ કરાઇ હતી. લોડાઇના મેકરણ દાદા અબડાસામાં પણ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. રુદ્રમાતા-રુદ્રાણી જાગીરમાં લાલગિરિબાપુના સાંનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી, બપોરે મહાપ્રસાદ યોજાયો હતો. અંજારમાં સતાપર ગોવર્ધન પર્વત ખાતે સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજે ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા. ત્રિકમદાસજીનું ભાવિકો દ્વારા પાદુકાપૂજન કરવામાં આવ્યું હતું. આ તકે કચ્છ તેમજ સમગ્ર ગુજરાતમાંથી ભાવિકો આવ્યા હતા. ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું કે, ગુરુ એ સાક્ષાત ભગવાન છે, ગુરુનો ધર્મ અને સમાજ પર પ્રભાવ હોય છે. આજે રસિક સમાજ સહિત સૌ કોઇ ભાવિક ભક્તો આસ્થા સાથે દર્શન કરવા આવ્યા હતા. સૌ કોઇ ભક્તજન દિવ્ય ભક્તિમાં લીન રહી જીવન વિતાવે, આસપાસના લોકોને પણ ભક્તિના માહોલમાં જોડે તેમજ વ્યસન મુક્ત રહે તેવા આશીર્વાદ આપવામાં આવ્યા હતા. ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. અંજાર મેઘપર (કું)ની ગોલ્ડન સિટી વસાહતમાં પ્રા. શાળામાં ચાલતા યોગ વર્ગોમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ જનાર્દન, ભાઉજી, પૂજા લાલવાણી, ચિત્રાબેન પાટણકર, દેવેન્દ્ર ઠક્કર, વિનોદ લાલવાણી, કમલેશ ખત્રી વગેરે ઉપસ્થિત રહી સાધકોને યોગ સંબંધિત જાણકારી આપી હતી. સંચાલીકા શોભનાબેન વાઢેરે ઉપસ્થિતોનું સન્માન કર્યું હતું. માંડવી ચપલેશ્વર મહાદેવ નારાયણ આશ્રમ ખાતે મહંત શ્યામભારતી બાપુના સાંનિધ્યમાં પૂજા અર્ચના કરી હતી. સંતવાણી યોજાઇ હતી. આ પ્રસંગે માંડવી નગરપતિ અધ્યક્ષા હેતલબેન સોનેજી, શહેર ભાજપ પ્રમુખ દેવાંધ દવે, સામંતસિંહભાઇ સોઢા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઝરપરા (તા. મુંદરા) શિવ શક્તિ આશ્રમ ખાતે જગ્યાના મહંત આઇ દેવલમાના સાંનિધ્યમાં તેમની પ્રેરણાથી ચાલતી જીવદયા સત્સંગ સમિતિના નેજા હેઠળ સાદાઇથી ગુરુપૂર્ણિમાની ઉજવણી થઇ હતી. આશ્રમ સ્થિત શિવ-શક્તિના દેવાલયમાં પૂજન-અર્ચન બાદ રામાયણ ગુરુચાલીસાના પાઠનું પઠન કરાયા બાદ સમિતિના સભ્યો તથા અનુયાયીઓએઁ ગુરુપૂજનની પરંપરા નિભાવી હતી. સમિતિના અગ્રણી અરવિંદ ગોરની આગેવાની હેઠળ યોજાયેલા કાર્યક્રમમા સાહિત્યકાર આશાનંદ ગઢવી, જયેશ જોશી, ભરત ગોર, પ્રફુલ્લ જોશી, શાંતિલાલ પેથાણી, હરેશ માકાણી, નવીન કેશવાણી સહિતના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મહાપ્રસાદમાં ઇન્દિરાબેન અજાણી અને જ્યોતિબેન જયેશ જોશી સહયોગી બન્યા હોવાનું સમિતિના વસંત અજાણીએ જણાવ્યું હતું. વિરાણી મોટી (તા. નખત્રાણા) રવિભાણ આશ્રમ રામ મંદિરે પ્રાત: આરતી, ગુરુપાદુકા પૂજન, સત્સંગ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો ભક્તિભાવપૂર્વક યોજાયા હતા. મહંત શાંતિદાસજી મહારાજ ગુરુ લક્ષ્મીદાસજી મહારાજના સાંનિધ્યમાં ગુરુપાદુકા પૂજન લઘુ મહંત સુરેશદાસજીના યજમાનપદે શાત્રી જયકિશન મારાજ, વાલજી મારાજ, કિશન મારાજએ શાત્રોક્ત વિધિવત સંપન્ન કરાવ્યું હતું. બપોરે મહાપ્રસાદ યોજાયો હતો. દાતા લીલાધરભાઇ (ઉદયપુર), આ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસરપંચ જયેશભાઇ ગુસાઇ, હરિભાઇ ભાણજિયાણી (મુંબઇ), ભવાનભાઇ પટેલ (સરપંચ દયાપર) વગેરે  ઉપસ્થિત રહ્યા હતા. લખપત તાલુકાના ઘડુલી ગાયત્રી શક્તિપીઠ મંદિરે સાદાયથી પંચકુંડી ગાયત્રી યજ્ઞ તેમજ ગુરુપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ યજ્ઞ ગાયત્રી પરિવારની બેનો દ્વારા થયો હતો. કોરોનાની ત્રીજી લહેર ન આવે તેવી પ્રાર્થના થઇ હતી.ભચાઉ તાલુકામાં કબરાઉ, જંગી, નવા કટારિયા, માનસ હનુમંતધામ જેવી જગ્યાએ ગુરુપૂર્ણિમા ઊજવાઇ હતી. ભારતીય જનતા પાર્ટી ભચાઉ શહેર તરફથી સ્થાનિક જગ્યાઓનાં મહંત સંચાલકના સ્થાનકની મુલાકાત લીધી હતી. પક્ષીય રીતે આયોજિત કાર્યક્રમમાં સંતોને ભેટ અપાઇ હતી. કબરાઉ ગરીબદાસજી આશ્રમે મહંત પુરાણાનંદજીએ વિવિધ સ્થાપિત સમાધિનું પૂજન કર્યું હતું. વર્તમાન નિર્દેશ અનુસાર ભોજન પ્રસાદ બંધ હોવા છતાં ઉદાસીન આશ્રમ પર સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ભાવિકોએ દર્શન કર્યા હતા. મોગલધામ જગ્યાના મહંત મોગલકુળબાપુના આશીર્વાદ મેળવ્યા હતા. ભચાઉ શહેર ભાજપ પ્રમુખ ઉમિયાશંકર જોશી, પ્રમુખ કલાવતીબેન જોશી, ભાજપના અશોકસિંહ ઝાલા, વિકાસભાઇ જોડાયા હતા. બટિયા મંદિર, કરગરિયા મંદિર, સ્વામિનારાયણ ગુરુકુળ, શ્રવણ કાવડિયા, અંબાધામ, ભાવેશ્વર મંદિર, સોમનાથ મંદિરે ભાજપ ટીમ પહોંચી આશીર્વાદ મેળવ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer