પડું કે ખડું તો ખમા આણી વાણી,પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી....

પડું કે ખડું તો ખમા આણી વાણી,પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી....
કેરા (તા. ભુજ), તા. 24 : માતા-પિતા સંતાન માટે પ્રથમ ગુરુ છે. પારિવારિક વૈદિક સંસ્કૃતિ અને કુટુંબ એકમની મજબૂતી માટે ગુરુપૂનમના દિને પટેલ ચોવીસીના ગામોમાં એક સાથે 2000 માતા-પિતાનાં પૂજનનો વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો.કચ્છી લેવા પટેલ સમાજ ભુજ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં સંતાનો દ્વારા માતા-પિતા પ્રત્યે ઉત્તરદાયિત્વ પ્રગટ કરાયું હતું. જેમાં પ્રથમ ચરણસ્પર્શ, પ્રદક્ષિણા, ચરણ પ્રક્ષાલન, આરતી,પૂજન કરાવાયું હતું. ચોવીસીના ગામો સાથે કેન્દ્રીયકૃત રીતે સમાજના આર.ડી. વરસાણી કુમાર વિદ્યાલય અને લેવા પટેલ કન્યા વિદ્યામંદિર, સંસ્કારધામ ખાતે સમાંતર આયોજન થયા હતા. જેમાં 700થી વધુ છાત્ર-છાત્રાઓ પણ જોડાયા હતા. આજે જ્યારે એક જ મકાનમાં રહેતા પરિજનો વચ્ચે અરસ-પરસની સ્નેહાભિવ્યકિત ઓસરતી દેખાય છે. અમુક કિસ્સામાં સંતાનો દ્વારા માવિત્રોને પૂરતો આદર અપાતો નથી. સંતાનોના હૃદયમાં જન્મદાતાઓ પ્રત્યે અનુકંપાયુકત સ્નેહાદર પ્રગટ કરવાનો  પ્રયાસ સફળ રહ્યો હોય તેમ અનેકની આંખ ભીંજાઇ હતી. શબ્દ, સંગીતની સાક્ષીએ એવો માહોલ જામ્યો કે... પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી...ની જેમ ગંગા જમના વહી હતી.ચોવીસી ગામોના કચ્છ લેવા પટેલ સમાજ પ્રમુખો, કારોબારી સભ્યો અને  સમાજપ્રેમી યુવાનોએ ભુજ સમાજના પ્રમુખ વેલજીભાઇ પીંડોરિયાની અપીલ ઝીલી હતી અને આયોજન સફળ બનાવ્યું હતું. જ્યારે કુમાર-કન્યા શૈક્ષણિક સંસ્થાઓના શાળા પરિવારોએ સંકલન કર્યું હતું. સમાજની ત્રણેય પાંખના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer