`પ્રાગસરને પ્રાગસર જ રહેવા દો''

ભુજ, તા. 24 : કચ્છ એવો રણપ્રદેશ છે, જ્યાં વરસાદ અપૂરતો, અનિયમિત થાય છે, ત્યારે તળાવ, નદી જેવા જળસ્રોતોનું સંરક્ષણ, સાચવણી થવાં જોઇએ, તેવું નોંધતાં ગુજરાત રાજ્યની વડી  અદાલતે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે, ભુજ શહેરનાં પ્રાગસર ?તળાવની જમીનનો તળાવ સિવાયના અન્ય કોઇપણ હેતુ માટે ઉપયોગ કરવાની છૂટ આપી શકાય નહીં. માત્ર શહેર સુધરાઇ જ નહીં, પરંતુ રાજ્યના સત્તાધીશો પણ `જાહેર કરાયેલા જળસ્રોત' પ્રાગસર તળાવનાં સંરક્ષણમાં નિષ્ફળ રહ્યા હોવાનું કહેતાં અરજદાર, આર્કિટેક શ્રીરાજસિંહ  ગોહિલ દ્વારા કરાયેલી અરજીની સુનાવણી કરતાં હાઇકોર્ટે આવો ચુકાદો આપ્યો હતો. સર્વે નંબર 736વાળી તળાવની જમીનનો કેટલોક ભાગ પોલીસ તંત્રને, તો કેટલોક ભાગ માછલી, મટન બજાર માટે સુધરાઇને ફાળવાયો છે. સુધરાઇનો `શહેરી બેઘરો' માટે `રૈન બસેરા' બાંધવાનો પણ પ્રસ્તાવ છે. જળસ્રોત જાહેર કરાયેલી જમીન પર તળાવમાં પાણી ભરાતું હોય કે ન ભરાતું હેય, તેનો હેતુ બદલવો ન જોઇએ, તેવું વડી અદાલતના ન્યાયમૂર્તિ શ્રી પાદરીવાલાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દરેક ગામ, નગરમાં આવા જળસ્રોતનું જતન થવું જોઇએ, પ્રાગસર તળાવમાં ખાણેત્રા જેવી પ્રવૃત્તિઓ  કરી, વરસાદ વખતે પાણી ભરાય તેવા પ્રયાસો થવા જોઇએ. રાજ્ય સરકાર જાહેર હિતના હેતુની યોજના માટે જમીનનો કોઇ ભાગ ફાળવે, તો વાંધો નથી, પરંતુ તે ભાગ અધિસૂચિત જળસ્રોતનો ન હોય, તેવી શરતે જ ફાળવી શકાય, તેવું ન્યાયમૂર્તિ શ્રી પાદરીવાલાએ સ્પષ્ટપણે કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તસવીરો પરથી પ્રથમ નજરે કેટલાક ભાગ પર દબાણ થયું હોવાનું જણાય છે. ભુજ સુધરાઇ તરફથી આ સંદર્ભમાં મળેલો જવાબ સંતોષપ્રદ જણાયો નથી. જાહેર હિતમાં ચિંતા સાથે અરજી કરનારા ભુજના શ્રીરાજસિંહ ગોહિલ વતી વકીલ તરીકે મુકુંદ નગરકર, સુધરાઇના વકીલ તરીકે બી.વાય. માંકડ& અને રાજ્ય સરકારના વકીલ તરીકે પ્રતીક પરીખ ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer